મેલબોર્ન, તા. 14 (પીટીઆઈ) : ચાલુ મહિને ભારતના પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયાની ટીમના ત્રણ સ્ટાર ખેલાડીઓએ આ સિરીઝમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. આ ખેલાડીઓએ ઈજાના લીધે ભારતમાં 3 T-20 મેચ નહીં રમવાનું મન બનાવ્યું છે. T-20 વર્લ્ડકપ પહેલાં ફિટનેસ મેળવી લેવાના હેતુથી ભારતનો પ્રવાસ આ સ્ટાર ખેલાડીઓ નહીં ખેડવાના હોય મજા ઘટી જશે તેમ ચાહકો માની રહ્યાં છે.
- મિચેલ માર્શ, મિચેલ સ્ટાર્ક અને માર્ક્સ સ્ટોઈનિસ ભારત પ્રવાસમાંથી આઉટ
- સ્ટાર્ક ઘૂંટણની, માર્શ ઘૂંટીની ઈજાથી તો સ્ટોઈનિસ પીઠના દર્દથી પીડાઈ રહ્યો છે
- T-20 વર્લ્ડકપ પહેલાં ત્રણેય ખેલાડીઓ કોઈ ગંભીર ઈજાનો ભોગ નહીં બને તે માટે ભારત ટુરમાંથી બહાર
ત્રણ મેચની ટી-20 (T-20) સીરિઝ રમવા માટે ભારતના (India) પ્રવાસે (Tour) આવી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમમાંથી (Australian Team) મિચેલ માર્શ (Michel Marsh) , મિચેલ સ્ટાર્ક (Michel Stark) અને માર્કસ સ્ટોઈનિસ (Marks Stoinis ) ઇજાને (Injured) કારણે આઉટ થઇ ગયા છે. અહેવાલો અનુસાર સ્ટાર્ક ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે, જ્યારે માર્શને પગની ઘૂંટીની સમસ્યા છે અને સ્ટોઈનિસને પીઠની સમસ્યા હોવાથી તેઓ ભારત પ્રવાસે આવવાના નથી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટની વેબસાઇટ ક્રિકેટ.કોમ.એયૂના જણાવ્યા અનુસાર, આ ત્રણેની ઈજાઓ એટલી ગંભીર નથી પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ આગામી મહિને ઘરઆંગણે રમાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાને લઇને આ ખેલાડીઓ બાબતે કોઇ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે. ટીમના આક્રમક ડાબોડી ઓપનર ડેવિડ વોર્નરને આ પ્રવાસમાં પહેલાથી જ આરામ આપવામાં આવ્યો છે, જેની મોટી અસર ઓસ્ટ્રેલિયન ટીમ પર પડશે, જ્યારે કેપ્ટન એરોન ફિન્ચ પણ નિવૃત્તિ લઇ લીધી હોવાથી ભારત પ્રવાસે આવશે નહીં.
ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ સ્ટાર્ક, માર્શ અને સ્ટોઈનિસની જગ્યાએ નાથન એલિસ, ડેનિયલ સેમ્સ અને સીન એબોટનો સમાવેશ કર્યો છે. માર્શ અને સ્ટોઈનિસને ઝિમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ દરમિયાન ઈજા થઈ હતી. જ્યારેઘૂંટણના સ્કેન બાદ સ્ટાર્કને બુધવારે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા 20 સપ્ટેમ્બરે મોહાલીમાં, 23 સપ્ટેમ્બરે નાગપુર અને 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં એમ ત્રણ ટી-20 રમશે. ભારતના પ્રવાસ પછી ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામે ટી-20 સીરિઝ રમવાની છે.
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ કાર્યક્રમ
મેચ તારીખ સ્થળ
- પહેલી ટી-20 20 સપ્ટેમ્બર મોહાલી
- બીજી ટી-20 23 સપ્ટેમ્બર નાગપુર
- ત્રીજી ટી-20 25 સપ્ટેમ્બર હૈદરાબાદ