Charchapatra

હિંમતે મર્દા તો મદદે ખુદા કહેવત સાચી પાડતી માનસી પારેખ

લગ્ન પછી છોકરીઓ આગળ ન વધી શકે. બાળક જન્મે પછી તેના મધુર સ્વપ્નાં પૂરાં ન થઇ શકે એ બધી વાતો ખોટી છે. એક સ્ત્રી તેના ઘર, પરિવાર અને તેનાં સપનાં બધાને ખૂબ હેતથી સાચવી શકે છે અને એટલે જ ખંતથી સીંચી શકે છે. આ શબ્દો છે ફિલ્મ કચ્છ એકસપ્રેસની સર્વશ્રેષ્ઠ બે નેશનલ એવોર્ડ મળ્યા તેમના. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ સ્વીકારતી વખતે લાગણીઓના ઘોડાપૂર સામે તેના આસું ટકી ન શકયા અને દડદડ વહેવા લાગ્યા હતા. એક સામાન્ય મધ્યમ વર્ગીય ઘરની ગુજ્જુ દીકરી તેનાં સપનાં, એ સપનાં પાછળ અથાગ મહેનત, 20 વર્ષની કેરિયરના ઉતાર ચડાવ, રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યો પર આધારિત સર્વશ્રેષ્ઠ ફિલ્મના બબ્બે એવોર્ડ મેળવનારી આપણી આ દીકરી આજની યુવા દીકરીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.

એ માને છે કે બસ સારું કામ કર્યા જ કરો. એક દિવસ એનું મીઠું ફળ તમને ચોક્કસ મળશે જ. સામાન્ય રીતે તમે ઉચ્ચ પેશનથી કામ કરો છો. મહેનત કરો છો. ઇચ્છો છો કે તમે એવું કંઇક કરો કે જે કળાની દૃષ્ટિએ સર્વોત્તમ હોય ને લોકોને ગમે જ ગમે. એવોર્ડ મેળવતી વખતે એની બાજુમાં નિત્યામેનન, અયાન મુખરજી, કરણ જોહર, મણી રત્નમ સર, એ.આર. રહેમાન સર, મિથુનદા, નીના ગુપ્તાની વચ્ચે એમને બેસતા ધન્યતાની લાગણી અનુભવી હતી. માનસી પારેખ, ગોહિલને ખોબલે ખોબલે અભિનંદન.
સુરત      – રમીલા બળદેવભાઇ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

યાત્રાધામોમાં દર્શનાર્થીઓની સંખ્યા નિશ્ચિત થવી જોઈએ
આપણાં ભારત દેશમાં દરેક વ્યક્તિને પોતાને મનગમતો ધર્મ પાળવાની તથા મનગમતાં ઈશ્વરને પૂજવાની છૂટ છે. આપણાં દેશનાં નાગરિકો ભાવુક તો છે, પરંતુ થોડા અંધશ્રધ્ધાળુ પણ છે. તમે કોઈ પણ તીર્થધામ કે યાત્રાધામમાં જશો તો તમને હકડેઠઠ ભીડ જોવા મળી શકશે. આટલી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ તથા યાત્રિકો હોવાને કારણે બસમાં જવા આવવાથી લઈને રહેવાની તથા ખાવાપીવાની સમસ્યાઓ ઉભી થાય છે.

આ કારણે ખાનગી બસ ચાલકો, ભાડૂતી કાર ચાલકો તથા રીક્ષા ડ્રાઈવરો બમણાં નાણાં વસુલ કરે છે. રમકડાંની દુકાનથી માંડીને ઘર વપરાશની ચીજ વસ્તુઓ, પ્રસાદ વેચનારા વેપારીઓ પણ બમણાં નાણાં વસુલે છે. હોટલો, ગેસ્ટ હાઉસ તથા ધર્મશાળાઓવાળા પણ દર્શનાર્થીઓની મજબૂરીનો ફાયદો ઉપાડી દામદૂપટ કરે છે. ઉપરાંત કોઈ મોટી હોનારત કે દુર્ઘટના સર્જાય છે ત્યારે યાત્રિકોની સુવિધા અંગે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. યાત્રિકોની સંખ્યા કરતાં પ્રશાસનના માણસો સીમિત સંખ્યામાં હોય છે અને લોકો તથા મીડિયા બધો દોષનો ટોપલો પ્રશાસન ઉપર ઢોળી દે છે.

ખાસ કરીને ધાર્મિક તહેવારોમાં, નવરાત્રીમાં, ઉનાળા વેકેશનમાં તથા દિવાળીની રજાઓમાં દરેક સ્થળે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ, યાત્રિકો તથા સહેલાણીઓ ઉપસ્થિત થાય છે. આમ બીનજરૂરી જમાવને કારણે ઉપરોક્ત સમસ્યાઓ સર્જાય છે, એમાં સરકાર શું કરી શકે? આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે સરકારે પણ એવો નિયમ બનાવવો જોઈએ કે પ્રતિદિન અમુક સંખ્યામાં જ ફરવાનો કે દર્શન કરવાનો પરવાનો આપવો જોઈએ.આના કારણે પ્રશાસનને, યાત્રિકોને દરેકને થોડી સહુલીયત રહેશે.
હાલોલ     – યોગેશભાઈ આર જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top