Dakshin Gujarat

મણિપુરમાં મહિલાઓને નગ્ન ફેરવવાની ઘટનાના દક્ષિણ ગુજરાતમાં પડઘા પડ્યા: આદિવાસીઓએ બંધ પાળ્યો

બારડોલી: મણિપુરમાં બે આદિવાસી મહિલાઓ (Manipur Tribal Womens Case) સાથે થયેલા અમાનવીય કૃત્ય બાદ આદિવાસી સમાજ (Adivasi Samaj) માં ભારોભાર આક્રોશ ફેલાયો છે. ત્યારે બનેલી આ ઘટનાના વિરોધમાં આજે દક્ષિણ ગુજરાત (South Gujarat)ના તાલુકાઓ અને ગામડાંઓમાં બંધનું પાલન કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાઓ પર બજાર સંપૂર્ણપણે બંધ રહ્યા તો કેટલીક જગ્યાએ આદિવાસી સમાજ દ્વારા અથવા વિપક્ષના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સમાજને ન્યાય મળે તેવી અરજી કરવામાં આવી હતી.

મહુવા તાલુકાના વલવાડામાં બીટીએસ, આદિવાસી પંચ તેમજ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન કરાતાં વલવાડા બજાર સંપૂર્ણપણે સજજડ બંધ રહ્યું હતું. વલવાડા બજાર બંધના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે મહુવા પોલીસનો કાફલો વલવાડા ખાતે આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો બીજી બાજુ વ્યારા અને વાલોડમાં પણ વેપારીઓ અને દુકાનદારોએ સ્વૈચ્છિક બપોરે 2 વાગ્યા સુધી બંધનું પાલન ર્ક્યુ હતું. આ વિસ્તારના માર્ગો પર અને બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો. શાકભાજી, દૂધ, મેડિકલ જેવી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો પણ બંધ જોવા મળી હતી.

ડાંગના કલેક્ટરને આદિવાસીઓને ન્યાય મળે તે માટે અરજી કરાઈ

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, મણિપુરમાં આદિવાસીઓ ઉપર છેલ્લા અઢી મહિનાથી સવર્ણો જધન્ય અત્યાચાર ગુજારી રહ્યા છે. તથા જાન માલનું પણ નુકસાન કરી રહ્યા છે. અહીં અત્યાચારની તમામ પરાકાષ્ઠા વટાવી દીધી છે. આવા અત્યાચાર તો મુઘલ સલ્તનત વખતે કે બ્રિટિશ રાજ અંગ્રેજ શાસન કાળમાં પણ થયા નથી. માસૂમ આદિવાસી દીકરીઓને નગ્ન કરી સરે જાહેર રોડ ઉપર સરઘસ કાઢીને નગ્ન પરેડ કરાવી ખેતરોમાં લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચરી બળાત્કાર કરી ને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. હાલમાં આવી સેંકડો ઘટનાઓ બની છે અને બની રહી છે. જેથી તેને રોકવામાં આવે અને આવા જઘન્ય કૃત્ય, હત્યાકાંડ કરનારા બળાત્કારીઓની તાત્કાલિક ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવા માટે અમો ડાંગ જિલ્લાનાં આદિવાસીઓની માંગ છે.

ધારાસભ્યએ 23 જુલાઈએ ડેડીયાપાડા બંધનું એલાન ર્ક્યુ
મણિપુર રાજ્યમાં બે આદિવાસી મહિલાઓ સાથે બનેલી બર્બરતી ઘટનાના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે. ત્યારે આગામી તા-૨૩મી જુલાઈના રોજ ગુજરાતના પૂર્વભાગના તમામ ટ્રાઇબલ જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં બંધનું એલાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર કર્યો છે. રાજપીપલા ખાતે પ્રેસ કૉંફરન્સ યોજી તેમણે આ જાહેરાત કરી હતી.

Most Popular

To Top