Kitchen | Recipe

મેંગો કોકોનટ જેલી ક્યુબ્સ

ફળોના રાજા કેરીની મોસમ ચાલે છે. તમે પણ કેરી અને કેરીનો રસ ખાવાની મજા માણતા હશો પરંતુ કેરીમાંથી પણી ખાટીમીઠી અનેક વાનગીઓ-ફરસાણ-ડેઝર્ટ વગેરે બનાવી શકાય છે. કહેવત છે કે ‘વાણિયા વાટુ, ગોટલા ચાટુ.’ આપણે તો ગોટલા ધોઇને ફજેતો પણ બનાવીએ અને કેરીની ગોટલીમાંથી મુખવાસ પણ બનાવીએ. તો ચાલો બનાવીએ કેરીની વાનગીઓ…

સામગ્રી :
મેંગો લેયર
1-1/2 કે 2 નંગ કેરી
1 નંગ કેરીના ટુકડા
1/2 કપ ઓરેન્જ જયુસ
1-1/4 કપ પાણી
2 ટીસ્પૂન અગર અગર પાઉડર
1/3 કપ ખાંડ
સ્વાદાનુસાર લીંબુનો રસ
15 નંગ ફુદીનાનાં પાન
કોકોનટ લેયર
2/3 કપ પાણી
1 ટીસ્પૂન અગર અગર પાઉડર
2 ટેબલસ્પૂન ખાંડ
1/8 ટીસ્પૂન મીઠું
2/3 કપ કોપરાનું દૂધ

  • રીત :
  • મેંગો લેયર
  • કેરીને ધોઇ, છોલી, સમારો. બ્લેન્ડરમાં કેરી અને ઓરેન્જ જયુસ બ્લેન્ડ કરી સ્મુધ પ્યુરી કરો.
  • એક બાઉલમાં અગર અગર પાઉડર અને પાણી મિકસ કરો. એને ગેસ પર મૂકી ઉકાળો. પાઉડર બરાબર ઓગળી જાય એટલે એમાં ખાંડ અને મેંગો પ્યુરી નાખી સ્મુધ થાય ત્યાં સુધી મિકસ કરો. ગેસ પરથી ઉતારી જરૂર મુજબ લીંબુનો રસ નાખો.
  • કેરીના મિશ્રણને મોલ્ડમાં રેડો. તમે ગ્લાસ કે કપમાં પણ રેડી શકો. તેમાં કેરીના ટુકડા અને ફુદીનાના પાન નાખો. અગર અગર જેલી રૂમના તાપમાને જ ઝડપથી સેટ થઇ જશે એટલે જો નાના મોલ્ડમાં કરતા હો તો ઝડપ રાખો. તમે ફ્રીઝમાં પણ મૂકી શકો પણ એકદમ સેટ ન કરો એના પર બીજું લેયર કરવાનું છે.
  • કોકોનટ લેયર માટે અગર અગર પાઉડર અને પાણી મિકસ કરો. એને ગેસ પર મૂકી ઉકાળો. પાઉડર ઓગળી જાય એટલે એમાં ખાંડ અને મીઠું નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો. તેમાં કોપરાનું દૂધ નાખી મિકસ કરી ગેસ પરથી ઉતારી લો. જો મેંગોનું લેયર સેટ થઇ ગયું હોય તો કોકોનટનું મિશ્રણ ધીરે ધીરે રેડો. જેથી બે લેયર થાય. એને ઠંડું થવા ફ્રીઝમાં મૂકો.
  • ઠંડું થાય એટલે ક્યુબ્સ કરી સર્વ કરો.

મેંગો કરી
સામગ્રી :
6-8 નંગ નાની પાકી કેરી
2 ટેબલસ્પૂન ગોળ
સ્વાદાનુસાર મીઠું
દહીંના મિશ્રણ માટે:
1 કપ દહીં
ચપટી હિંગ
1 ટીસ્પૂન ચણાનો લોટ
1/2 ટીસ્પૂન આમલીની પેસ્ટ
1/2 કપ કોપરાનું દૂધ
દહીંના વઘાર માટે:
1/4 કપ ઘી
1/2 ટીસ્પૂન રાઈ
1/4 ટીસ્પૂન મેથીદાણા
1/4 ટીસ્પૂન વરિયાળી
2 નંગ લવિંગ
1 નંગ લીલું મરચું
1/2’’નો ટુકડો આદુ
વઘાર માટે:
2 ટેબલસ્પૂન ઘી
1 ડાળખી લીમડો
4-5 નંગ વઘારનાં લાલ મરચાં
1 ટેબલસ્પૂન લાલ મરચું

  • રીત :
  • દહીંના મિશ્રણ માટે એક બાઉલમાં દહીં, હીંગ, ચણાનો લોટ, આમલીની પેસ્ટ, કોપરાનું દૂધ મિકસ કરો. ગઠ્ઠા ન બાઝે તે ધ્યાન રાખો. કેરી છોલી બાજુ પર રાખો.
  • એક કઢાઈમાં ઘી ગરમ કરી રાઈ, મેથી વરિયાળી, લવિંગ નાખી વઘાર કરો.
  • તેમાં લીલું મરચું અને આદુની ચીરી નાખી બરાબર સાંતળો.
  • ત્યાર બાદ તેમાં દહીંનું મિશ્રણ નાખી મિકસ કરી બે-ત્રણ મિનિટ થવા દો.
  • તેમાં છોલેલી કેરી, સ્વાદાનુસાર મીઠું અને ગોળ નાખી હલાવી, ઢાંકણું ઢાંકી ચાર-પાંચ મિનિટ થવા દો.
  • એક પેનમાં ઘી ગરમ કરી લીમડો, વઘારિયાં લાલ મરચાં નાખી વઘાર કરો. તેમાં લાલ મરચું નાખી મિકસ કરો.
  • આ વઘાર મેંગો કરીમાં નાખી સ્ટીમ રાઈસ સાથે કરી સર્વ કરો.

મેંગો ચીઝ પાઇ
સામગ્રી
ક્રસ્ટ
૨૦ ડાયજેસ્ટીવ બિસ્કીટ
૫ ટેબલસ્પૂન અખરોટના ટુકડા
૬ ટેબલસ્પૂન પીગાળેલું માખણ
અન્ય સામગ્રી
૨ કપ પનીર
૩/૪ કપ દળેલી ખાંડ
૨ ટેબલસ્પૂન ક્રીમ ચીઝ
૧ ટીસ્પૂન વેનિલા એસેન્સ
૧/૨ કપ સમારેલી કેરી
૧ કપ બીટન વ્હિપ્ડ ક્રીમ
ગાર્નિશીંગ માટે
૧/૨ કપ ફ્રેશ મેંગો પલ્પ
બીટન વ્હિપ્ડ ક્રીમ

  • રીત
  • ક્રસ્ટ તૈયાર કરવા માટે બિસ્કીટનો વેલણથી અધકચરો ભૂકો કરો.
  • એક ઊંડા બાઉલમાં બિસ્કીટનો ભૂકો, અખરોટ અને માખણ બરાબર મિકસ કરો.
  • લુઝ બોટમ્ડ કેક ટીનમાં બિસ્કીટનો ભૂકો પાથરી બરાબર દબાવો.
  • એને ફ્રીઝમાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ રાખો.
  • મિકસર જારમાં પનીર અને ખાંડ લઇ સ્મુધ પેસ્ટ કરો. પાણી નાખો નહીં.
  • એને એક બાઉલમાં કાઢો. એમાં ક્રીમ ચીઝ નાખી સ્મુધ થાય ત્યાં સુધી વ્હિસ્ક (રવઇથી વલવો) કરો.
  • ત્યાર બાદ તેમાં વેનિલા એસેન્સ અને કેરી નાખી હળવેથી મિકસ કરો.
  • તેમાં ધીરે ધીરે બીટન વ્હિપ્ડ ક્રીમ નાખી મિકસ કરો.
  • બિસ્કીટના બેઝ પર ચીઝ કેકનું મિશ્રણ એક સરખું પાથરી ફ્રીઝમાં ચાર – પાંચ કલાક સેટ કરવા મૂકો.
  • પાઇને ડીમોલ્ડ કરી એના પીસ કરો.
  • સર્વ કરતાં પહેલાં દરેક પીસ પર મેંગો પલ્પ રેડી એક સરખું પાથરી દો.
  • વ્હિપ્ડ ક્રીમથી ગાર્નિશ કરી તરત જ સર્વ કરો.

Most Popular

To Top