આણંદ : અમદાવાદના દસક્રોઇ તાલુકાના ગત્રાડ ગામેનો યુવક 2019માં રાસ્કા ગામે માંડવીના પ્રસંગમાં આવ્યો હતો. જ્યાં તેણે એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો અને બાદમાં તેના પર દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ન્યાયધિશે તેને વીસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. દસક્રોઇના ગત્રાડ ગામે ઠાકોરવાસમાં રહેતા સંદીપકુમાર ઉર્ફે પપ્પુ દશરથભાઈ ઝાલા 2જી નવેમ્બર,2019ના રોજ રાસ્કા ગામેથી સગીરાને ભગાડી ગયો હતો.
આ સગીરા રાસ્કા ખાતે માંડવીનો પ્રસંગ હોવાથી ગરબામાં આવી હતી, તે સમયે તેને લલચાવી, ફોસલાવી બાઇક પર અપહરણ કરી ગયો હતો. બાદમાં અમદાવાદ ખાતે લઇ જઇ સુરત, ભાવનગર, રાજકોટ, જુનાગઢ તથા દ્વારકા ખાતે દૂષ્કર્મ આચર્યું હતું. આ અંગે મહેમદાવાદ પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ચાર્જસીટ દાખલ કરી હતી. આ કેસ ખેડા જિલ્લાની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે સરકારી વકિલ ધવલ આર. બારોટ દ્વારા 15 જેટલા દસ્તાવેજી પુરાવા, 14 સાહેદોના મૌખીક પુરાવાઓ સાથે દલીલ કરી હતી કે, આપણા સમાજમાં સગીર દીકરીઓ ઉપર થતાં આવા પ્રકારના ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યા છે, આવા આરોપીને સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ.
આ દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયધિશ એસ.ડી. સુથારે કલમ 363 હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.500નો દંડ, કલમ 366 મુજબ 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.1000નો દંડ તથા પોક્સો એકટની કલમ અન્વયે 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂ.50 હજાર ચુકવવા હુકમ કર્યો હતો.
કલમસરના યુવકને સગીરા પર દૂષ્કર્મ કેસમાં દસ વરસથી સખત કેદની સજા
કલમસર ખાતે રહેતા ભરતસિંહ નાગજીભાઈ ઉર્ફે ભાઇલાલ પઢીયાર નામના શખસે 27મી નવેમ્બર, 2014ના રોજ 15 વરસની સગીરાને લગ્નની લાલચ આપી બળજબરી પૂર્વક ટ્રકમાં બેસાડી ભગાડી ગયો હતો. આ અંગે તેના વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો અને પોલીસે 29મી નવેમ્બરના રોજ તેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસમાં સરકારી વકીલે દસ્તાવેજી પુરાવા, સાહેદો રજુ કરી સખત કેદની સજા કરવા દલીલ કરી હતી. આથી, ન્યાયધિશે તમામ બાબતો ધ્યાનમાં લઇને ભરતસિંહ પઢિયારને આઈપીસી 363 અંતર્ગત ત્રણ વર્ષની સખત કેદ, 5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ, આઈપીસી 366માં સાત વર્ષની સખત કેદ, રૂ.7000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ચાર મહિનાની કેદ આ ઉપરાંત અન્ય કલમ હેઠળ સાત વર્ષની કેદ રૂ.7000નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની કેદ અને દસ વર્ષની સખત કેદ, રૂ. 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ આઠ માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
વહેરાખાડીના યુવકને દૂષ્કર્મ કેસમાં દસ વર્ષની સખત કેદની સજા
વહેરાખાડી ખાતે મોટુ ફળીયુંમાં રહેતા જશવંત ઉર્ફે બોડીયો જીવાભાઈ પરમાર (ઉ.વ.26)એ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી 22મી સપ્ટેમ્બર,15ના રોજ ભગાડી ગયો હતો. આ સંદર્ભે પોલીસે તેની સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી 17મી ડિસેમ્બર, 18ના ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. આ કેસમાં સરકારી વકીલે દસ્તાવેજી પુરાવા, સાહેદો રજુ કરી સખત કેદની સજા કરવા દલીલ કરી હતી. આથી, ન્યાયધિશે જશવંત ઉર્ફે બોડીયાને આઈપીસી 363 અંતર્ગત ત્રણ વર્ષની સખત કેદ, 5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ, આઈપીસી 366માં સાત વર્ષની સખત કેદ, રૂ.7000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ચાર મહિનાની કેદ આ ઉપરાંત પોક્સો હેઠળ સાત વર્ષની કેદ રૂ.7000નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની કેદ અને દસ વર્ષની સખત કેદ, રૂ. 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ આઠ માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.