ગાંધીનગર: ગાંધીનગર નજીક અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે વર્ચ્યુઅલ ઉદઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન કર્યુ હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પોષણ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રે સેવા-સખાવતો દ્વારા સમાજ ઉત્થાન કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપવાનો પાટીદાર સમાજ સહિતના ગુજરાતીઓનો સ્વભાવ છે. સામાજીક- ધાર્મિક સંસ્થાઓના સેવાકાર્યોથી સરકારના જન કલ્યાણના પ્રયાસોને બળ મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, શિક્ષણ અને પોષણના આ નવનિર્મિત પ્રકલ્પોનો ગુજરાતના સામાન્ય માનવીને મોટો લાભ થશે.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, જ્યાં મા અન્નપૂર્ણા દેવીની પૂજા થતી હોય ત્યાં કુપોષણને કોઈ અવકાશ ન હોઈ શકે, કુપોષણ માટે પોષણનું અજ્ઞાન જવાબદાર હોય છે. કોરોના મહામારીને કારણે દુનિયામાં અન્નના ભંડારો ખુટી રહ્યા છે ત્યારે ભારતનો ખેડૂત દુનિયાભરને ભોજન-પોષણ પુરૂ પાડવા માટે સક્ષમ છે તેની નોંધ વૈશ્વિક ફલક પર લેવાઈ છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ધન-ધાન્યની દેવી મા અન્નપૂર્ણા પ્રત્યેની અગાઢ જન આસ્થાની પરિપાટીએ જ આપણે મા અન્નપૂર્ણાની કેનેડામાં રહેલી મૂર્તિને કાશી પરત લાવ્યા છીયે. આવી ડઝનથી પણ વધુ પૌરાણિક મૂર્તિ-ચીજવસ્તુઓ, પાછલા સાત-આઠ વર્ષોમાં વિદેશોમાંથી ભારત પરત લાવ્યા છીયે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ અડાલજના નવનિર્મિત શિક્ષણ સંકુલનો ઉલ્લેખ કરી રાજ્યના યુવાનોને સ્કિલ ડેવલોપમેન્ટ થકી ‘ઇન્ડસ્ટ્રી ૪.૦ (ઔદ્યોગિક વિકાસના ચોથા તબક્કા)’ માટે સજ્જ બનાવવાનું આહ્વાન કરતા કહ્યું હતું કે, ‘ઇન્ડસ્ટ્રી ૪.૦’ માટે ગુજરાત ભારતનું નેતૃત્વ કરવા સક્ષમ છે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં પ્રથમ ફાર્મસી કોલેજની સ્થાપનાથી લઇ રાજ્યમાં ફાર્મા ઉદ્યોગના મોટા પાયે વિકાસનું દ્રષ્ટાંત સમજાવ્યું હતું. મોદીએ હાલના દિવસોમાં ગુજરાતના વિવિધ વિકાસ અનુષ્ઠાનોમાં સહભાગી થવાની તક મળી રહી છે તે અંગે હર્ષ વ્યક્ત કરી, રાજ્યના ધાર્મિક સામાજિક સંગઠનોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ ક્ષેત્રે યોગદાનનો મહિમા વર્ણવ્યો હતો.
આધુનિક વિચારધારા-પાયાના કામો વિશેષ ધ્યાન એ ભૂપેન્દ્ર પટેલની વિશેષતા: મોદી
પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ વ્યક્તિત્વની પ્રશંસા કરી તેમના નેતૃત્વમાં ગુજરાત નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વિકાસ માટેની આધુનિક વિચારધારા અને પાયાના કામો તરફની જવાબદારીનું ધ્યાન ભૂપેન્દ્ર પટેલની વિશેષતા છે. ગુજરાત રાજ્યને ભૂપેન્દ્રભાઇ પટેલના રૂપમાં ઉમદા નેતૃત્વ મળ્યું છે, આ નેતૃત્વમાં ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ નવી ઊંચાઇઓ પાર કરશે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં વેક્સિનેશનની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નડાબેટ, ગબ્બર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસનધામોમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં થઇ રહેલા વિકાસ કાર્યોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો
જે કહ્યું તે કરવું એવી કાર્યસંસ્કૃતિ નરેન્દ્ર મોદીએ વિકસાવી છે: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના વિકાસ પ્રકલ્પો સમાજના સર્વાંગી કલ્યાણનો ધ્યેય પાર પાડશે. સરકારના પ્રયાસોમાં સામાજિક સંગઠન શક્તિ જોડાય ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ મંત્રમાં સૌના પ્રયાસનો ભાવ પણ ઉમેરાય છે. મુખ્યમંત્રીએ આઝાદીના અમૃતકાળમાં સ્વસ્થ ભારત, શિક્ષિત ભારત, અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે સામાજિક શક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવાની હિમાયત કરી હતી. પટેલે વધુમાં કહ્યું હતું કે, જે કહ્યું તે કરવું એવી કાર્યસંસ્કૃતિ નરેન્દ્ર મોદીએ વિકસાવી છે. ૨૦૧૯માં આ છાત્રાલય અને ભોજનાલયના ભૂમિપૂજન પ્રધાનમંત્રી દ્વારા થયા હતા. આજે તેમના જ હસ્તે આ પ્રકલ્પોનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ પ્રસંગે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ચેરમેન અને સાંસદ નરહરી અમીને ટ્રસ્ટની સમાજસેવાની પ્રવૃત્તિઓ વિશે સૌને અવગત કર્યા હતા.