નડિયાદ : ખેડા જિલ્લામાં કુપોષણને દૂર કરવાના અભિગમ સાથે ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં તાલુકાને પાઇલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરી કુપોષણ મુક્ત ખેડા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કોર ગ્રુપની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોર ગ્રુપની સમીક્ષા બેઠકમાં સીડીએચઓ, આરસીએચઓ, પ્રોગ્રામ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, એમઓ સહિત ફિલ્ડ કક્ષાના કર્મચારી સાથે પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કુલ 150 અતિકુપોષિત બાળકોમાંથી અંદાજિત 50 ટકાથી વધુ બાળકોના વજનમાં વધારો જોવા મળ્યો છે. તબીબી સારવારની જરૂરિયાતવાળા CMTCમાં દાખલ કરેલા કુલ 29 બાળકો 14 દિવસની ટ્રીટમેન્ટ પૂર્ણ કરી તેઓના ઘરે પાછા ગયેલ છે. તેમના વજનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો અને સ્થાનિક કક્ષાએ પણ તેઓને ફોલોઅપ દ્વારા પોષણ અને સારવાર આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવેલા મેનુ અનુસાર સ્થાનિક કક્ષાએ ટીડીઓના સંકલનથી દાતા દ્વારા થર્ડ મીલ – ત્રીજું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં કેળા, દૂધ, સફરજન, મગસ, હૈદરાબાદી મિક્ષ વિગેરે આપવામાં આવી રહ્યા છે. જેથી બાળકોમાં કેલેરી તથા પ્રોટીનના કારણે વધતા કુપોષણને નાથી શકાય તદુપરાંત થર્ડ મીલમાં વિવિધતા લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ પ્રોજેકટ અંતર્ગત આંગણવાડી કાર્યકર તથા આશાબહેનો દ્વારા અંદાજે દોઢ હજારથી વધુ તેમજ અન્ય તબીબી સ્ટાફ દ્વારા 700થી વધુ હોમ વિઝિટ કરી લાભાર્થી તેમજ વાલી સાથે જરૂરી પરામર્શ કરવામાં આવી હતી. તદઉપરાંત કોર કમિટી અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી તથા તેઓના સભ્ય દ્વારા પણ વિઝિટ કરી પ્રોજેકટનું મોનીટરીંગ કરાઇ રહ્યું છે.