આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે. ખાસ કરીને શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાત કોંગ્રેસના એક ડઝન જેટલા નેતાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં રાહુલ ગાંધીએ નવા પ્રદેશ અધ્યક્ષ તથા વિપક્ષના નવા નેતાના મામલે ગુજરાતના નેતાઓના અભિપ્રાય મેળવ્યા હતા.
કોંગ્રેસના આંતરીક સૂત્રોએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આગામી સપ્તાહે એટલે કે તા.26મી ઓકટો.ની આસપાસ નવી નિમણૂંકોની જાહેરત કરાશે તેવા સંકેત આપ્યા છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે તેમના નિવાસસ્થાને હાર્દિક પટેલ તથા જીગ્નેશ મેવાણી સાથે પણ અલગ અલગ બેઠક યોજી હતી. અલબત્ત, હાર્દિક પટેલને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ વિરોધનો સૂર વ્યક્ત કરીને પોતે રાજીનામા ધરી દેશે, તેવી સ્પષ્ટ ચીમકી પણ આપી હોવાનું મનાય છે. અલબત્ત તાજેતરમાં ખુદ હાર્દિક પટેલ પ્રમુખ પદની રેસમાંથી હટી ગયો હતો. હાર્દિકે કહ્યું હતું કે ‘મારો સંઘર્ષ ગુજરાતના હિત માટે છે, નહીં કે સત્તાની લાલચ માટે.’ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ પૈકી શક્તિસિંહ ગોહિલ પણ પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાંથી હટી ગયા છે.
અંદાજિત બે કલાક માટે ચાલેલી બેઠક બાદ કોંગ્રેસના પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર તથા ભરતસિંહ સોલંકીના નામો પ્રદેશ અધ્યક્ષ પદ માટે ચર્ચામાં છે. તેવી જ રીતે વિપક્ષના નેતા પદ માટે વીરજી ઠુમ્મર, ડૉ. અનિલ જોષીયારા તથા પુંજાભાઈ વંશના નામની ચર્ચા ચાલી રહી છે. ચારથી પાંચ જેટલા ઉપપ્રમુખોની પણ વરણી કરાશે. તેવી જ રીતે પાર્ટીના પ્રદેશના આદિવાસી નેતાને પણ મહત્વની જવાબદારી સોંપાશે. પાર્ટીના પ્રદેશના સિનિયર નેતાઓને સલાહકાર મંડળમાં સમાવવામાં આવશે.
ચૂંટણી પ્રચાર સમિતિના નેતા તરીકે નવા જ નેતાની પસંદગી કરાશે, તેમ મનાય છે. પ્રદેશ મહિલા કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી કરાશે, તેવી જ રીતે 15 કરતાં વધુ જિલ્લા પ્રમુખો પણ બદલાશે. ચાર ઝોનમાં નવા સેક્રેટરી પણ નીમાશે, તેમને ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં બુથ મેનેજમેન્ટની જવાબદારી સોંપાશે. આ રીતે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરાઈ રહી છે.