Charchapatra

જીવનસાથીની વિદાય બાદ ઉપસ્થિત થતી એકલતા

લગ્નબંધનથી બંધાયેલ જીવનસાથીઓએ કયારેક તો મૃત્યુ થકી અલગ થવાનું આવે જ છે! બેમાંથી એક વ્યકિતની વિદાય ખાલીપો અવશ્ય સર્જે છે. પરંતુ જયારે પુરુષ વિધુર થાય ત્યારે એમની મનોવ્યથા અવર્ણનીય હોય છે. સ્ત્રીને પણ પતિ વિદાય થાય તો સમસ્યા અવશ્ય સર્જાય, પરંતુ વિધુર પુરુષની મનોવ્યથા ન કહેવાય, ન સહેવાય જેવી હોય છે. સંતાનો (પુત્ર-પુત્રવધૂ) એમની તમામ સગવડ ઉત્તમ રીતે સાચવતા હોય તો પણ પત્નીની ખોટ અવશ્ય સાલે જ છે! લગ્નજીવન દરમિયાન ગમે એટલા વૈચારિક મતભેદ હોય, પસંદગી અલગ અલગ હોય તો પણ જીવનસાથીની ગેરહાજરી એ નહીં હોય ત્યારે જ સમજાય છે. સ્ત્રી વૈધવ્યકાળ દરમિયાન ગૃહ કાર્ય કે ભકિત તરફ વળીને બાકીનું જીવન વ્યસ્ત રહી વિતાવી શકે છે. પણ પુરુષ પાત્ર નિવૃત્ત હોય તો એકલતા વધુ કનડે છે!

કુદરતના નિયમ મુજબ મૃત્યુ એ સનાતન સત્ય છે, બે પાત્રમાંથી એક પાત્રે વિખૂટાં પડવાનું જ છે, તો અત્યારે જે સાથ છે એને સન્માન અને એની સાથે અનુકૂલન સાધવાના પ્રયત્નો પતિ-પત્ની બંને પાત્રોએ કરવા જરૂરી અને સંતાનોએ પણ જનરેશન ગેપ હોવા છતાં માતા પિતાને આદર પ્રદાન કરવો જરૂરી. કારણ કે તસવીર પૂજવા કરતાં માવતરને એમની હયાતીમાં ઠારવાં વધુ યોગ્ય લેખાય. આપણી હયાતી જ એમને આભારી હોય છે. શૈશવ અવસ્થાથી યુવાનીપર્યંત એમણે જ આપણો ઉછેર કર્યો હોય છે. એમની એકલતાના સાથી બનીશું તો એમના શુભાશિષ અવશ્ય પ્રાપ્ત થશે.
સુરત              – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વૃક્ષોની જાળવણી અર્થે પેન્શનલ આપનારું હરિયાણા દેશનું પ્રથમ રાજ્ય
‘‘પ્રાણવાયુ દેવતા’’ નામની સ્કીમ હરિયાણા રાજ્યમાં ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમ હેઠળ કરનાલમાં વૃક્ષોના સંરક્ષણ માટે પ્રદેશ સરકારે જિલ્લાની અલગ-અલગ પંચાયતો અને શહેરી વિસ્તારમાં આવેલા 75થી 150 વર્ષ જૂનાં 120 વૃક્ષો માટે જિલ્લા વન વિભાગે પ્રથમ વર્ષ માટે રૂપિયા 2750ની પેન્શન શરૂ કરી દીધી છે. આ માટે વિભાગને રૂપિયા 3.30 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં નવ પ્રકારનાં વૃક્ષોને પેન્શનનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ 49 પીપળાના વૃક્ષ અને 36 વડના વૃક્ષ સામેલ છે. આ વૃક્ષોની ઉંમર 75 થી 150 વર્ષ સુધીની છે. વૃક્ષોની જાળવણી અર્થે તેના જમીન માલિકોને પેન્શન આપવાની શરૂઆત કરનાર હરિયાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

તમામ જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તે આવાં વૃક્ષો શોધીને પેન્શન માટે અરજી કરે, લોકો આવાં વૃક્ષો શોધીને પેન્શન માટે અરજી કરવા માટે વૃક્ષોના જમીનના માલિકોને આ સ્કીમથી અવગત (જાણ) કરે. જૂનાં વૃક્ષો જીવન માટે જરૂરી ઓક્સીજન (પ્રાણવાયુ)નો મુખ્ય સ્રોત છે. આવાં વૃક્ષોની જાળવણી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તેથી જ હરિયાણાની જૂનાં વૃક્ષોની જાળવણી અર્થે જે સ્કીમ અમલમાં મૂકી છે તે ખૂબ જ આવકારદાયક અને સ્તુત્ય છે અને અન્ય રાજ્યો માટે અનુકરણીય પણ છે જ. જૂનાં વૃક્ષોની જાળવણીથી ગ્લોબલ વોર્મિંગની અસર પણ ઓછી કરી શકાશે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top