Columns

લીવર સીર્હોસીસ ફક્ત દારૂ પીવાથી જ થાય?

મગનભાઈને ઇમર્જન્સીમાં લાવવામાં આવ્યા. શર્ટ લોહીથી ખરડાયેલું હતું અને આંખ લાલ. લોહીની ઊલ્ટીઓ થઇ છે એવું સાથે આવેલાં સગાંઓએ કહ્યું. એટલું સાંભળતાં ઇમર્જન્સી રૂમના ડૉકટરે નાડી પર હાથ મૂક્યો અને તે ઘણી નબળી લાગી એટલે પ્રેશર માપ્યું જે માંડ 80 બતાવતું હતું એટલે પહેલાં જરૂરી બ્લડ સેમ્પલ લઈને બાટલા શરૂ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન એક જ પ્રશ્ન પૂછ્યો – ‘‘દારૂ પીએ છે?’’ તેની પત્નીએ બહુ સાદાઈથી જવાબ આપ્યો – ‘‘બંધ જ ક્યાં કરે છે?!’’ પ્રાથમિક રિપોર્ટ આવી ગયા એટલે નિદાન થયું કે મગનભાઈને લીવર સીર્હોસીસ (cirrhosis)ની બીમારી છે. તે પછી એમનાં સગાં-સંબંધી સાથે થયેલી પ્રશ્નોત્તરી:

લીવર સીર્હોસીસ એટલે શું?

જયારે કોઈ રોગમાં લીવરના કોષ મૃત્યુ પામે ત્યારે તેની જગ્યાએ ફાઈબ્રસ ટીસ્યુનો સ્કાર બને છે. આ સ્કાર કે પોપડો ખાલી જગ્યા તો પૂરી શકે પણ લીવરનું કામ ન કરી શકે અને તે ઉપરાંત લીવરનું આર્કિટેક્ચર ખોરવી નાખે. લીવરમાં આવતી લોહીની નસો પર પ્રેશર આવે અને એનું લોહીનું દબાણ વધી જાય. આવું જયારે બહુ લાંબું ચાલે ત્યારે લીવર લીસું,ચમકતું, બદામી રંગનું રહેવાને બદલે પીળાશ પડતું, ખરબચડું, ફોલ્લીઓ થઇ હોય એવું બની જાય છે.

આ ફક્ત દારૂ પીવાથી જ થાય?

શરાબનું સેવન – વર્ષો સુધી અને વધુ માત્રામાં- લીવર સીર્હોસીસનું અગત્યનું કારણ છે પણ તે ઉપરાંત થોડા વખત પહેલાં વાત કરી હતી એ નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીસને કારણે શરાબ નહિ પીનારાં લોકોમાં પણ લીવર સીર્હોસીસ થઈ શકે. ત્રીજું અગત્યનું કારણ છે વાઇરલ હિપેટાઇટિસ – બી અને સી. આ પ્રકારનાં ઇન્ફેક્શન લાંબા ચાલે છે અને છેલ્લે લીવર વધુ પડતું બગડી શકે છે. તે ઉપરાંત પિત્તનો પ્રવાહ અટકવાને કારણે પણ લીવર સીર્હોસીસ થઇ શકે છે.

આ વહેલું ખબર પડી શકે? તેના ચિહ્નો શું?

  • શરૂઆતમાં ભૂખ ઓછી લાગે અને થાક વધારે. જેમ રોગ આગળ વધે એમ કમળો દેખાય અને તે વધી શકે.
  • પોર્ટલ વેઇનનું પ્રેશર વધે એટલે લોહીની ઊલ્ટીઓ થઇ શકે અને બરોળ મોટી થાય. પેટમાં પાણી પણ ભરાવા માંડે.
  • લીવરનું એક કામ ઝેરી કચરો કાઢવાનું છે અને તે વધુ પ્રમાણમાં ભેગો થાય તો દર્દી કોમામાં સરી શકે.
  • જે લોકોમાં લીવર સીર્હોસીસની શક્યતા હોય તેમણે નિયમિત ડોક્ટરને બતાવતાં રહી લોહીની તપાસ, સોનોગ્રાફી વગેરે કરાવતાં રહેવું જેથી સમયસર સારવાર થઈ શકે.

સારવાર શું? આ મટી જાય ખરું?

લીવર સીર્હોસીસ સદંતર મટી ન જાય પણ તેની આગળ વધવાની પ્રક્રિયા અટકાવી શકાય અથવા ધીમી પાડી શકાય. તેનાં કારણોનો ઈલાજ થવો જરૂરી છે. જો આલ્કોહોલને લીધે હોય તો તેને સંપૂર્ણ રીતે છોડી જ દેવું પડે. હિપેટાઇટિસ બી અને સીનો ઈલાજ હવે થઈ શકે છે અને એની દવાઓ નિયમિત રીતે લેવી જોઈએ. પાણી ભરાય એની દવાઓ, વિટામિન, પ્રોટિન વગેરે લેવા પડે. લોહીની ઊલ્ટીઓ થાય તો અન્નનળીમાં થતી વેરાઈસીસની સારવાર કરવી પડે જે એન્ડોસ્કોપી દ્વારા કરી શકાય છે. એન્ડ-સ્ટેજ લીવર ડિસીસમાં જો પ્રાથમિક કારણ નીકળી ગયું હોય તો લીવર ટ્રાન્સપ્લાન્ટનો વિચાર કરી શકાય.

Most Popular

To Top