આજે દેશમાં JEE ADVANCED નું રિઝલ્ટ જાહેર થયું છે. સુરતના એક યુવાને આ પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કર્યો છે. લિસન કડીવાલે શહેર, રાજ્યમાં તેના પરિવારનું નામ રોશન કર્યું છે. ચાની કિટલી ચલાવતા ગરીબ પિતાના આ પુત્રએ પોતાની મહેનતથી જટીલ પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે.
સુરતના લિસન કડીવાલે JEE ADVANCED ની પરીક્ષામાં દેશમાં 57મો રેન્ક મેળવ્યો છે. ગરીબ પરિવારમાંથી આવતા લિસનની સફળતાના પગલે પરિવારમાં ખુશીનો માહોલ છે. શિક્ષીકા માતા અને ચાની કીટલી ચલાવતા પિતાનો પુત્ર લિસન કહે છે કે, મેં સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. તેનું પરિણામ મને મળ્યું છે. લિસનની માતા ધો. 1થી 2ના વિદ્યાર્થીઓને ભણાવે છે. લિસન કહે છે કે માતા અને પિતા બંનેએ મારી પાછળ ખૂબ મહેનત કરી છે. હું ખૂબ ખુશ છું. હું કમ્પ્યૂટર સાયન્સમાં એડમિશન લેવા માંગું છું. લિસનની મોટી બહેન પણ કમ્પ્યુટર એન્જિનિયર છે.
લિસનના પિતા દીપક કડીવાલા ચાની કિટલી ચલાવે છે. તેઓએ કહ્યું કે, મારી આવક ઓછી હોવા છતાં મેં બાળકોને ભણાવવામાં કચાશ રાખી નથી. મેં 25 લાખની લોન લઈ દીકરાને ભણાવ્યો છે. કોરોનામાં કીટલી બંધ થઈ ગઈ ત્યારે ઘરખર્ચના પણ ફાંફાં પડી ગયા હતા, પરંતુ અભ્યાસ પર અસર થવા દીધી નથી.
નોંધનીય છે કે JEE એડવાન્સ્ડની પરીક્ષાનું આયોજન 3 ઓક્ટોબરના રોજ થયું હતું, જેમાં સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થી છે. ગુજરાતના નમન સોની (છઠ્ઠો રેન્ક), અનંત કિડામબી (13મો રેન્ક), પરમ શાહ (52મો રેન્ક), લિસન કડીવાલ (57મો રેન્ક), પાર્થ પટેલ (72મો રેન્ક), અને રાઘવ અજમેરા (93મો રેન્ક) ટોપ 100માં સ્થાન પામ્યા છે.