સુરતઃ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પશુને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હોય?, સુરતમાં આવી ઘટના બની છે. અહીં એક દીપડાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જીવે ત્યાં સુધી દીપડાએ જેલની ચાર દિવાલની પાછળ રહેવું પડશે.
ઘટનાની વધુ વિગત એવી છે કે દિવાળીના તહેવાર દરમિયાન સુરત જિલ્લાના માંડવીના એક ગામમાં 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. 7 વર્ષીય બાળક અજય વસાવાના પેટના ભાગને દીપડાએ ફાડી ખાધો હતો, તેના લીધે બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ઘટના અંગે માહિતી મળતા વન વિભાગના અધિકારીઓએ આસપાસના વિસ્તારોમાં દીપડો પકડવા પાંજરું ગોઠવ્યું હતું. શિકારની શોધમાં નીકળેલો નરભક્ષી દીપડો તેમાં પકડાઈ ગયો હતો.
આ દીપડાને માંડવીના ઝંખવાવમાં હિંસક પ્રાણીઓને રાખવા માટે બનાવવામાં આવેલા રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના પહેલાં રિહેબિલિટેશન સેન્ટરમાં આ દીપડો પહેલો કેદી બન્યો છે.
1.50 કરોડ રૂપિયાના ખર્ચે ઝંખવાવમાં સેન્ટર તૈયાર કરાયું
દક્ષિણ ગુજરાતના જંગલોમાં દીપડાની સંખ્યા વધી રહી છે અને શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે. પાલતુ પશુ કે શ્વાન પર હુમલો કરવા સિવાય દીપડા ઘણી વખત માનવી પર પણ હુમલો કરી દે છે. જેથી આ પ્રકારના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આવા માનવભક્ષી દીપડાઓને પકડાયા બાદ વડોદરા ખાતે મોકલવામાં આવતા હતા. જોકે હવે માંડવીના ઝંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે લેપર્ડ રિહેબિલિટેશન સેન્ટર તૈયાર કરાયું છે. જ્યાં 10 દીપડાને રાખી શકાય એટલી કેપેસિટી છે.
મનુષ્ય પર હુમલો કરનાર દીપડાને આજીવન કેદમાં રખાશે
એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ તો બાદમાં તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. જેથી હવે આખી જિંદગી આ દીપડો માંડવીના રિહેબિલિટેશન સેન્ટરમાં વીતાવશે. જોકે, હવે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારીના જંગલમાં કોઈપણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે.