માંડવી: માંડવી તાલુકામાં દીપડાનો (leopard) આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે માંડવીના (Mandvi) કાછિયાબોરી-રાજપૂત બોરી ગામ વચ્ચે આવેલા પુલ (Bridge) પરથી પસાર થતાં સમયે કારચાલકે રેલિંગ પરથી પસાર થતા કદાવર દીપડાનો વિડીયો ઉતાર્યો હતો. અને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકામાં દીપડાના હુમલાના અનેક બનાવો બન્યા છે. માંડવી-કીમ રોડ પર આવેલા કાછિયાબોરી-રાજપૂત બોરી ગામ વચ્ચે આવેલા પુલ પરથી કાર લઈને પસાર થતી વેળાએ અચાનક હિંસક દીપડો સામે આવતાં ગાડી થોભાવી હતી. અને ખુંખાર દીપડો પુલની રેલિંગ પરથી પૂરઝડપે ભાગી રહ્યો હતો. પરંતુ ગાડી ચાલકે વિડીયો ઉતારી વોટ્સએપ ગ્રુપમાં ફરતો કર્યો હતો. જેથી સ્થાનિક રહીશો અને ખેતમજૂરો ભયભીત થયા હતા. આમ તો માંડવી તાલુકામાં હિંસક દીપડાનો આતંક વધતાં લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળવા ડરી રહ્યા છે.
ચીખલી તાલુકાના કલિયારી ગામેથી દીપડો પાંજરે પૂરાયો
ઘેજ : ચીખલી તાલુકાના કલિયારી ગામેથી દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોને રાહત થવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કલિયારી ગામના દાદરી ફળિયામાં દીપડાની અવર – જવર જણાતા વનવિભાગ દ્વારા ખેડૂત ધર્મેશભાઇ ઠાકોરભાઇ પટેલના ખેતરમાં પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. દીપડાની અવર-જવરને પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. આ દરમ્યાન આજે અંદાજે ત્રણેક વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પૂરાતા દીપડાને જોવા આસપાસના લોકો ધસી આવ્યા હતા. વન વિભાગ દ્વારા આ દીપડાનો કબજો લઇ વેટરનીટી તબીબ પાસે જરૂરી મેડીકલ તપાસ કરાવી જંગલમાં સલામત રીતે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં ચીખલી રેંજના આરએફઓ એ.જે. પડસાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
સોયાણી ગામે ડિલિવરીના બે માસ બાદ તબિયત બગડતાં પરિણીતાનું મોત
પલસાણા: પલસાણાના સોયાણી ગામે રહેતી 19 વર્ષીય પરિણીતાનું ડિલીવરીના બે માસ બાદ તબિયત બગડતાં મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ પલસાણાના સોયાણી ગામે માછી ફળિયામાં રહેતા રણજિત બચુ વસાવાની 19 વર્ષીય પત્ની સરસ્વતીબેન મજૂરીકામ કરે છે. બે માસ અગાઉ ડિલિવરી થયા બાદ તેની તબિયત ખરાબ રહેતી હોય અને તે જમવાનું બરાબર જમતી ન હતી. ગતરોજ સાંજે 6 વાગ્યાની આસપાસ સરસ્વતીબેનની તબિયત બગડતાં 108 એમ્બુલન્સ મારફતે તેને સારવાર માટે બારડોલી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.