Columns

આટલું છોડી દો

૫૦ વર્ષની અથવા એનાથી મોટી…એટલે ઘર અને કુટુંબની જવાબદારીઓમાંથી થોડી મુક્ત થયેલી કેટલીક બહેનોએ મળીને એક કિટી પાર્ટી ગ્રુપ શરૂ કર્યું.નામ રાખ્યું ‘હાફ સેન્ચ્યુરી.’બધી લેડીસ મેમ્બર દર મહિને મળે અને સાથે મળીને પોતાના અનુભવોની વાતો કરે.એકબીજાને કંઇક નવું શીખવાડે.અંતાક્ષરી રમી પોતાના જમાનાનાં ગીતો ગાય અને મજા મસ્તી કરે અને સાથે સાથે પોતાના ઘરનાં સભ્યો સાસરિયાં, પતિ અને બાળકોની ફરિયાદો કરી બળાપો પણ કાઢે,લગભગ બધી સ્ત્રીઓની એક જ મૂળ ફરિયાદ હતી કે હું જીવનમાં કંઈ વધુ કરી ન શકી કારણ કે મારે ઘર અને ઘરનાં સભ્યોને સાચવવાનાં હતાં અને તે જવાબદારીમાંથી હું મુક્ત જ ન થઈ શકી, નહિ તો હું પણ બહુ સફળ હોત.બધાની આવી જ વાતો હોય.

માત્ર એક ટીચર સ્નેહાબહેન ક્યારેય કોઈ ફરિયાદ ન કરતાં અને જે ફરિયાદ કરે એને સમજાવતાં કે ‘હજી ક્યાં મોડું થયું છે, ફરિયાદ કરવાનું છોડી દો.ખોટી અને નકામી બાબતોમાં સમય બરબાદ કરવાનું છોડી દો અને જે કરવાની ઈચ્છા હોય તે કરવા માંડો.’તરત સામો જવાબ મળતો, ‘સ્નેહાબહેન, બોલવું સહેલું છે.એમ છોડી દો બોલવાથી થોડું બધું છૂટે છે.’સ્નેહબહેને કહ્યું, ‘અરે છોડવું અઘરું છે, પણ જરૂરી પણ છે. જો ફરિયાદ કરવાથી આગળ વધવું હોય તો કોશિશ તો કરો.જો કોઈ તમારી વાત ન સમજે તો એક કે બે વાર સમજાવો પછી સમજાવવાની મહેનત કરવાનું છોડી દો.બાળકો મોટાં થઈને તેમની રીતે આગળ વધે અને પોતાના નિર્ણય પોતે લે તો લેવા દો. તમારા નિર્ણય તેમની ઉપર થોપવાનું છોડી દો.

જરૂરી નથી કે બધાં આપણાં જેવું જ વિચારે, એટલે જેની જોડે આપણા વિચાર ન મળે તેમની જોડે માથાકૂટ કરવાનું છોડી દો.કોઈ પીઠ પાછળ કંઈ પણ બોલે તો ખરાબ લગાડવાનું છોડી દો.કોઈ તમારી જોડે વાત ન કરે કે માન ન આપે તો મન પર લેવાનું છોડી દો.હવે આપણે બધા આટલાં વર્ષોના અનુભવ પરથી આપણે સમજી જ ગયાં છીએ કે આપણા હાથમાં કંઈ જ નથી, એટલે કાલની ખોટી ચિંતા કરવાનું છોડી દો.સમજી લો કે બધા એકમેકથી દરેક બાબતે જુદા જુદા હોય છે એટલે કોઈની સાથે સરખામણી કરવાનું છોડી દો.આપણું જીવન હાફ સેન્ચ્યુરીથી આગળ વધી રહ્યું છે તો હવે રોજે રોજ પળ પળનો આનંદ માણો. વીતી ગયેલી પળોની ફરિયાદ કરવાનું છોડી દો.અપેક્ષાઓ રાખશો તો અપેક્ષા પૂરી ન થતાં આઘાત મળશે એટલે જીવનમાં શાંતિ અને ખુશી મેળવવી હોય તો અપેક્ષાઓ રાખવાનું છોડી દો.આટલું છોડો, જીવનમાં ખુશી મળી જશે.’સ્નેહાબહેને છોડવા જેવી બાબતોની સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top