Latest News

More Posts

જાંબુવા પાસે સર્જાયો અકસ્માત, બેફામ ડ્રાઇવિંગને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, લોકોએ ચાલક નશામાં હોવાનો આક્ષેપ કર્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.10
વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે નંબર 48 પર જાંબુવા ગામ પાસે ગત રાત્રિએ એક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ લોહીલુહાણ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, જાંબુવા હાઈવે પરથી પસાર થઈ રહેલી સફેદ રંગની ઈકો કાર અચાનક બેકાબૂ બની હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે બ્રેક મારવાનો પ્રયત્ન કરતા ગાડી રસ્તા પર જ ગોથા ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અંદર સવાર બે મુસાફરો ફસાઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માત થતા જ આસપાસના ગ્રામજનો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ તાત્કાલિક એકત્ર થઈને પલટી મારેલી ઈકો ગાડીને સીધી કરી રોડની સાઈડમાં ખસેડી હતી જેથી અન્ય અકસ્માત ટાળી શકાય. સ્થાનિકોએ જહેમત ઉઠાવી ગાડીમાં ફસાયેલા બંને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ રવાના કર્યા હતા.

ઘટનાસ્થળે હાજર લોકોમાં એવી ઉગ્ર ચર્ચા જોવા મળી હતી કે ઈકો કારનો ચાલક નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગાડી ચલાવવાની રીત પરથી જ લાગતું હતું કે ચાલક ભાનમાં નથી. જોકે, આ બાબતે પોલીસ તપાસ બાદ જ સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.

છેલ્લા કેટલાક સમયથી વડોદરાના હાઈવે પર બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને નશામાં ડ્રાઇવિંગ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે.

To Top