Latest News

More Posts

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.

વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.

To Top