Latest News

More Posts

એક દિવસ કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદ કરતાં કહ્યું, “હે શ્રીકૃષ્ણ, મારા મનમાં ફરિયાદો છે. તમે તેનું નિરાકરણ કરો.”શ્રીકૃષ્ણે કહ્યું, “સારું ,મને તારી ફરિયાદો કહે.નિરાકરણ કરવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ.” કર્ણે ફરિયાદો શરૂ કરી, “હે વાસુદેવ,મારી માતાએ જન્મ થતાં જ મારો ત્યાગ કર્યો.મને અવૈધ બાળકનું બિરુદ મળ્યું તેમાં મારો શું વાંક હતો? ગુરુ દ્રોણાચાર્યે મને સુતપુત્ર કહી વિદ્યા આપવાની ના પડી તેમાં શું મારો દોષ હતો….દ્રૌપદી સ્વયંવરમાં ભરી સભામાં દ્રૌપદીએ મને સૂત પુત્રને નહિ પરણું કહી મારું અપમાન કર્યું તેમાં મારો શું વાંક હતો….દેવ પુત્ર હોવા છતાં આટલાં અપમાન મારે સહન કરવા પડ્યા શું કામ? મારી શું ભૂલ?”

શ્રીકૃષ્ણ મંદ મંદ હસ્યા, પછી બોલ્યા, “સૂર્યપુત્ર કર્ણ, મારા તો જન્મ પહેલાં મારું મોત મારી રાહ જોતું હતું..જયારે મારો જન્મ થયો તે રાતે જ મારે મારાં માતા-પિતાથી જુદાં થવું પડ્યું …..ગોકુલ ગામમાં ઉછેર થયો ..ગોવાળ બની ગયો ચરાવી અને તેમનાં છાણ પણ ઉપાડ્યાં….હું ઘુંટણિયા કરતો હતો ત્યારથી મારી પર રાક્ષસોના હુમલા શરૂ થયા.મારી પાસે ન સેના હતી …ન શિક્ષણ ..ન ગુરુ …ન ગુરુકુળ …ન મહેલ તો પણ કંસમામાએ મને શત્રુ માન્યો…છેક સોળ વર્ષે મને સાંદિપની ગુરુ મળ્યા અને શિક્ષણ શરૂ થયું……રણછોડદનું બિરુદ મળ્યું ….મથુરાથી ભાગીને છેક દ્વારકામાં વસવું પડ્યું…….બોલ, આમાં મારી કઈ ભૂલ?  પણ મેં ફરિયાદ નથી કરી.” શ્રીકૃષ્ણ કર્ણની પાસે જઈ તેના ખભે હાથ રાખી બોલ્યા, “ભાઈ, તું દેવપુત્ર અને હું તો પરમાત્માનો અવતાર છતાં જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ ..એક વાત સમજી લે, અહીં કોઈનું પણ જીવન મુશ્કેલીઓ વિનાનું હોતું નથી.બધાના જીવનમાં બધું જ બરાબર નથી હોતું…

એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કેટલી વાર આપણી સાથે અન્યાય થયો …કેટલી વાર આપણું અપમાન થયું…અને કેટલી વાર આપણો હક છીનવી લેવામાં આવ્યો….ફરક એ વાતનો પડે છે કે આ બધા જ અન્યાય ..અપમાનનો સામનો આપણે કઈ રીતે અને કેવાં કર્મોથી કરીએ છીએ… સારાં કર્મો કરતાં રહેવાથી ધીમે ધીમે મુશ્કેલીઓ દૂર થાય છે અને જે કંઈ આપણી સાથે થાય છે તે આપણાં જ કર્મોનું પરિણામ છે તે સમજી લઈએ.સાચું કર્મજ્ઞાન હોય તો જીવન મોજ જ મોજ  છે, બાકી સમસ્યા તો બધાના જીવનમાં રોજે રોજ હોય જ છે.”        
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top