Latest News

More Posts

એક સંત જંગલમાંથી પસાર થતા હતા, ત્યાં બકરીઓ ચરાવતા ભરવાડના નાનકડા છોકરાનો અવાજ કાને પડ્યો. નાનકડો છોકરો ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, ‘હે ભગવાન, તું મારો છે.. હું તારો છું.. મારા બધા ઘેટા બકરી તારા છે તું લઈ લે.’સંતને આવી પ્રાર્થના સાંભળીને બહુ નવાઈ લાગી કે ભગવાન આખી દુનિયાને આપે છે ને આ ભગવાનને આપવા માટે કોણ નીકળ્યું છે? નાનકડો બાળક તો આગળ પ્રાર્થના કરતો હતો, ‘હે ભગવાન, આ લાકડી પણ તું લઈ લે, આ મારી કામળી પણ તું લઈ લે.’

સંત આ પ્રાર્થનાનો અવાજ જે તરફથી આવી રહ્યો હતો તે તરફ આગળ ગયા ત્યાં જઈને તેમણે જોયું તો એક નાનકડો છોકરો ઉભો ઉભો ભગવાન સાથે ઉપર આકાશમાં જોઈને પ્રાર્થના કરી રહ્યો હતો અને તેની આજુબાજુ ઘેટાં બકરીઓ ચરી રહ્યા હતા. સંતને થોડો ગુસ્સો આવ્યો તેમને થોડી નવાઈ પણ લાગી કે ‘આ શું બોલી રહ્યો છે બાળક?! ભગવાન તો જગતના નાથ છે. જગતના નાથને આ ઘેટા, બકરી ને લાકડી આપવા નીકળ્યો છે.’ ત્યાં જ બાળક બોલ્યો, ‘ભગવાન, આ બધું તને આપી દઉં પછી પણ ઓછું પડે ને તો અમારા ફાટેલા કપડાં પણ તું લઈ લેજે.’

આ સાંભળીને સંત એકદમ ગુસ્સે થઈ ગયા અને છોકરાની પાસે જઈને કહેવા લાગ્યા, ‘પાગલ છોકરા, તું કંગાળ ભિખારી છે. એક ભરવાડનો દીકરો છે અને ભગવાનને ઘેટા, બકરા, કામળી, લાકડી ને ફાટેલા કપડા આપવાની વાતો કરે છે.’સંતનો ગુસ્સો જોઈને છોકરો તો ડરી ગયો હેબતાઈ ગયો. ચુપચાપ ખૂણામાં બેસીને રડવા લાગ્યો, સંત ખીજાયા પણ છોકરાએ બધું સાંભળી લીધું. સંત આગળ વધી ગયા. રાત્રે પ્રાર્થના પછી સુઈ ગયા ત્યારે તેમણે જોયું કે ભગવાન તેમના સપનામાં આવ્યા અને ભગવાને ફાટેલા કપડાં કાળી કામળી ઓઢી હતી ને હાથમાં પેલા ભરવાડના છોકરાની લાકડી હતી. સંત આવું સપનું જોઈ અને તરત જ ઉઠી ગયા.

ભગવાનનો અવાજ તેમને સંભળાયો કે, ‘તારે મારા ભક્ત અને મારી વચ્ચે આવવાની જરૂર શું હતી? તું તારી રીતે ભક્તિ કરે છે અને ઈએ બાળક એની રીતે ભક્તિ કરે છે. તેની નિર્દોષ પ્રાર્થના, એનું સમર્પણ, ભક્તિ અને શ્રદ્ધા એની સમજ પ્રમાણે છે અને તારા તારી સમજ પ્રમાણે છે, એમાં તારે એને ખીજાવવાની કોઈ જરૂર ન હતી. કોઈ મને મેવા મીઠાઈ ધરાવે, કોઈ મને વસ્ત્ર દાગીના ધરાવે, આ છોકરો એની પાસે જે છે તે ધરાવે છે તેમાં ખોટું શું છે?? સંતની આંખો ખુલી ગઈ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને સંત દોડીને બીજે દિવસે તે છોકરાને શોધતા જંગલમાં ગયા; તે તો આજે પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે, ‘ભગવાન આ ઘેટાં બકરી તો લઈ લે.’સંતે તેની માફી માંગી.
–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top