Latest News

More Posts

સુરતઃ છેલ્લાં કેટલાંક સમયમાં શહેરમાં રાત્રિના સમયે બહાર ચા પીવા જવાનો ક્રેઝ વધ્યો છે. વરાછામાં રહેતા આધેડ પણ મિત્ર સાથે શુક્રવારની રાત્રે ઘર નજીક ચા પીવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમને મોત મળ્યું છે.

સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. ડમ્પર જેવા મોટા વાહનો બાઈક ચાલકોને અડફેટે લેતા હોવાના અનેક બનાવો ધ્યાન પર આવ્યા છે ત્યારે શુક્રવારે રાત્રે વરાછાના હીરાબાગ વિસ્તારમાં બે બાઈક વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં એક આધેડે જીવ ગુમાવ્યો હતો.

વરાછા હીરા બાગ નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઈક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ચા પીને ઘર તરફ જતા આધેડનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર યુવકને પકડી લોકોએ ઢોલઢપાટ કર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો.

આ બનાવની મળતી વિગત અનુસાર મોડી રાત્રે 12 વાગ્યે પ્રકાશભાઈ મિત્ર કેતન સાથે બાઈક લઈને ચા પીવા માટે ગયા હતા. ઘરથી થોડા જ દૂર હતા. ત્યારે એકે રોડ સાઇડથી પુરપાટ ઝડપી એક બાઈકચાલક આવ્યો હતો. જેણે પ્રકાશભાઇના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પ્રકાશભાઈ રોડ પર પટકાયા હતા.

માથામાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે પાછળ બેસેલા યુવકને પગમાં ઇજા થઇ હતી. અકસ્માતબાદ લોકો એકઠા થઇ ગયા હતા. જેણે અકસ્માત સર્જનારને ઝડપી લઈ મેથિપાક આપી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આરોપી અર્જુન વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી અનુસાર એ. કે. રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાંપ્રકાશભાઈ સાપરિયા રહેતા હતા. પરિવારમાં બે દીકરી અને એક 15 વર્ષીય દીકરો છે. પ્રકાશભાઈ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક દીકરીના લગ્ન થઈ ગયાં છે અને નાની દીકરીના આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના છે. જોકે, તે પહેલાં જ પ્રકાશભાઈ અકસ્માતનો ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા.

To Top