સુરત: ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને આજે સુરતના રિવરફ્રન્ટ, અડાજણ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં સુરતના નાગરિકો ઉપરાંત વિવિધ સમુદાયના લોકો અને વિદેશી મહેમાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- કાઈટ ફેસ્ટિવલમના મહેમાન બનેલા વિદેશીઓએ સુરતી સ્ટાઈલમાં પતંગ ચગાવી
- સુરતના રિવરફ્રન્ટ અડાજણમાં યોજાયો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ
રિવરફ્રન્ટ પર યોજાયેલા આ કાઇટ ફેસ્ટિવલ દરમિયાન દેશ-વિદેશના અનોખા અને ફેન્સી પતંગો ઉડાડવામાં આવ્યા હતા. મોટા આકારના, રંગીન અને થીમ આધારિત પતંગોએ આકાશને આકર્ષક બનાવી દીધું હતું. ઉત્સાહભેર પતંગ ઉડાવતા બાળકો, યુવાઓ અને પરિવાર સાથે આવેલા સુરતીઓ નજરે પડ્યા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ કોમ્યુનિટીના લોકો એકસાથે જોડાયા હતા, જેના કારણે સામાજિક એકતા અને સાંસ્કૃતિક સહભાગિતાનો સુંદર સંદેશ મળ્યો હતો. વિદેશી પ્રતિનિધિઓએ ભારતીય ઉતરાયણ અને પતંગ ઉડાવવાની પરંપરાને અનોખી અને યાદગાર ગણાવી હતી.
ફેસ્ટિવલ દરમિયાન સંગીત અને ઉત્સવી માહોલ વચ્ચે લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા. નાના બાળકો માટે પણ ખાસ મનોરંજનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ વિસ્તારમાં સુરક્ષા અને વ્યવસ્થાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી લોકો નિઃશંકપણે કાર્યક્રમનો આનંદ લઈ શકે.
આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દ્વારા સુરતની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂતી મળી છે. આયોજકોનું કહેવું છે કે આવનારા સમયમાં પણ આવા ભવ્ય કાર્યક્રમો યોજીને સુરતને ઉત્સવની રાજધાની તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે
ન્યુઝીલેન્ડની તાશાને ઈન્ડિયન મસાલા ખૂબ ગમે છે
કાઈટ ફેસ્ટિવલ માટે ન્યુઝીલેન્ડથી આવેલી તાશાએ કહ્યું કે, મને અહીં આવ્યાને માત્ર એક જ દિવસ થયો છે, પણ મને આ જગ્યા સાથે ઊંડો પ્રેમ થઈ ગયો છે. સુરત ખરેખર ખૂબ જ સુંદર છે. મને અહીંના મસાલા, લોકો, નૃત્ય અને નગારાના અવાજો ખૂબ ગમે છે; બધું જ જીવંત લાગે છે.

બેલારુસની એન્જેલિકાને ગુજરાતી ફૂડ ખૂબ પસંદ પડ્યું
બેલારુસથી આવેલી એન્જેલિકાને ગુજરાતી વાનગીઓનો સ્વાદ ખૂબ ગમ્યો. ખાસ કરીને રોટલી અને ટામેટાનો સૂપ. એન્જેલિકાએ કહ્યું, મારા શહેરમાં આવું ભોજન મળતું નથી, તેથી હું દર વર્ષે અહીં આવીને તેનો આનંદ લઉં છું. પતંગ મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટેનું એક અનોખું પ્લેટફોર્મ છે. આ ઉત્સવ ગુજરાતના સમૃદ્ધ વારસાનું પ્રતિક છે. ભારત માતા કી જય! મને ભારત ખૂબ ગમે છે.
કોલંબિયાની એડ્રિયાનાના ફ્રેમવાળા પતંગનું આકર્ષણ
કોલંબિયાથી આવેલી એડ્રિયાનાએ કહ્યું કે, મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે. મને જ્યારે પણ અહીં આવવાનું આમંત્રણ મળે છે, ત્યારે ખૂબ જ આનંદ થાય છે. અહીં બધું જ ઉત્સાહ અને ઉમંગથી ભરેલું હોય છે. મારી પતંગો ફ્રેમવાળી અને રોમ્બસ આકારની હોય છે, જેને બનાવવામાં ઘણો સમય લાગે છે.