નડિયાદ: ખેડામાં રીક્ષાચાલકની પુત્રીએ ધોરણ 12 સાયન્સમાં 93.33 પર્સન્ટાઈલ રેન્ક મેળી સ્કુલ તેમજ ખેડા સેન્ટરમાં ત્રીજો નંબર મેળવતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખેડાના મલેકવાડા વિસ્તારમાં રહેતાં ઈકબાલભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ ત્રણેય સંતાનો ભણી-ગણીને આગળ વધે તેવું સપનું ઈકબાલભાઈએ સેવ્યું છે. આ સપનાને હકિકતમાં ફેરવવા માટે તેઓ ત્રણેય સંતાનોના ભણતર પાછળ વિશેષ ધ્યાન આપે છે. મર્યાદિત આવક હોવા છતાં સંતાનોને ભણવા પાછળ ખર્ચ કરવામાં તેઓ સહેજ પણ ખચકાતાં નથી. પિતાના સંઘર્ષને જોઈ ત્રણેય સંતાનો પણ ભણી-ગણી ડોકટર, એન્જિનીયર બનવા તનતોડ મહેનત કરી રહ્યાં છે.
ઈકબાલભાઈની મોટી પુત્રી સાલેહાએ ડોક્ટર બનવાનું સપનું સેવ્યું છે. તે સાકાર કરવા માટે સાલેહાએ 10 માં ધોરણ પછી સાયન્સ પ્રવાહ પસંદ કર્યો હતો. એચ એન્ડ ડી પારેખ હાઈસ્કુલમાં ભણતી સાલેહાએ તાજેતરમાં 12 સાયન્સની પરીક્ષા આપી હતી. જેમાં સાલેહાએ 93.33 પર્સન્ટાઈલ રેન્ક મેળવી સ્કુલ અને ખેડા સેન્ટરમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આ બાબતે સાલેહા જણાવે છે કે મારું જે પણ પરિણામ આવ્યું છે તે સ્કુલના શિક્ષકો,આચાર્ય અને ચેરમેનના કારણે જ અહીંયા સુધી પહોંચી છું અને તમામ શ્રેય સ્કુલને આપું છું. હાલમાં અત્યારે હું નિટની તૈયારી કરી રહી છું. ડોકટર બનવાની મારી ઈચ્છા છે. ડોક્ટર બનીને પિતાનું ભારણ ઓછું કરવા માગું છું.