Madhya Gujarat

સોજિત્રાના 3 વર્ષના બાળકનું ઓપરેશન કરી ગાંઠ દુર કરાઇ

આણંદ : સોજીત્રા ગામમાં સંજયભાઇ તળપદાની ઘરે વર્ષ-2018માં જન્મેલા પિયુષને નાનપણથી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની બીમારી હતી. જેના કારણે બાળકને હલન-ચલન કરવામાં તથા પેશાબ અને શૌચક્રિયામાં તકલીફ પડે તેવું તબીબો જણાવે છે. આ ગાંઠ 10 હજાર વ્યકિતએ માંડ બેથી ચાર કેસોમાં જોવા મળે છે. આરોગ્ય વિભાગનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અતંર્ગત ત્રણ વર્ષના પિયુષને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેની તદ્દન મફતમાં કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સોજિત્રાના ખેતમજૂરી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં સંજયભાઇ તળપદાના પરિવારમાં નવેમ્બર-2018માં દીકરાનો જન્મ થયો હતો. આ દીકરાનો તારાપુરની સરકારી હોસ્પિટલમાં જન્મ થતાં જ આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં ખબર પડી કે બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે. જેનો ખર્ચો 4થી 5 લાખ જેટલો થતો હતો. આથી આરબીએસકે ટીમના તબીબોએ સંજયભાઇને બોલાવીને કહ્યું કે, તમારા દીકરાને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મોકલીને તેની સારવાર તદ્દન મફત કરવામાં આવશે. તેમ જણાવી રાજય સરકારની યોજના સમજાવી હતી.  રાજય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત સંજયભાઇના પુત્ર પિયુષને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો જયાં તેની તદ્દન મફતમાં કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું. આજે આ બાળક ત્રણ વર્ષથી વધુ ઉંમરનું થયું છે જે સંપૂર્ણ સ્વસ્થ છે.

આ યોજનાનો લાભ મેળવનાર સંજયભાઇ તળપદાની મુલાકાત લેતાં જણાવ્યું હતું કે, મારા બાળકનો જન્મ થતાં જ બાળકમાં કરોડના ભાગમાં ગાંઠ ઉપસેલી છે તેવું મને જણાવતાં મને ચિંતા થઇ હતી. બાદમાં મારા દીકરાને  અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો જયાં તેની મફત સારવાર કરવામાં આવી. એટલું જ નહીં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરબીએસકેની ગાડીમાં લઇ ગયા અને સારવાર કરીને પાછો મારા ઘરે લઇ આવ્યા અને તે પણ મફતમાં ઓપરેશન કરાવી આપ્યું અને ઓપરેશન સંપૂર્ણ સફળ થયું હતું. જેથી આજે મારૂં બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. સિવિલમાં ઓપરેશન અને સારવાર કરાવીને પરત લાવ્યા બાદ પણ આ ટીમ દ્વારા મારા ઘરની નિયમિત મુલાકાત લઇને તેનું ફોલોઅપ અને ચેકીંગ કરતા રહે છે. મારા દીકરાની તબિયત અત્યારે ઘણી જ સારી છે જેથી હું અને મારો પરિવાર ખૂબ ખુશ છીએ.

વધુમાં તેમણે જણાવ્યું કે,  હું બીજાને પણ કહીશ કે, રાજય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ કે જેમાં કોઇ ખર્ચ થતો નથી અને ડોકટરો સંપૂર્ણ માનવતાનું કામ કરે છે. અમદાવાદ મૂકવા અને લેવા આવે છે. ઘરે પણ વારંવાર આવે છે અને ફોન પણ કરતાં રહેતા હોય છે. તેથી મને કોઇ ચિંતા રહેતી નથી. આવી યોજનાનો લાભ ગામડાના ગરીબ અને પોતાના બાળકોને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક સરકારના આરોગ્યની કેન્દ્રની મુલાકાત લઇ તેની જાણકારી મેળવવી જોઇએ.

Most Popular

To Top