Charchapatra

ભક્તજનો ખમ્મા કરો!

ભક્તો મૂર્તિમાં પોતાના આરાધ્ય દેવી-દેવતાઓનાં દર્શન કરી કૃતાર્થ થાય છે. ઘરમાં કે મંડપોમાં મૂર્તિઓની સ્થાપના, પૂજા ,આરતી, નૈવેદ્ય ,શણગાર કરી પ્રભુ માટે કંઈક વિશેષ કર્યાના ભાવ સાથે શ્રદ્ધાને મજબૂત બનાવે છે. ( આમાં સ્વાર્થભાવ તો ખરો જ ! )  અરે ! સ્થાપના કરેલી મૂર્તિઓના વિસર્જન સમયે કેટલાક ભક્તો ચોધાર આંસુએ રડે પણ છે ! “ જુદા પડવાનું દુઃખ અલગ થયા પછી જ સમજાય છે .” (કે.યુ.) પણ એ વાત સમજાતી નથી કે માટીની કે પી.ઓ.પી.ની મૂર્તિઓને તંત્રની સૂચના મુજબ જ વિસર્જીત કરીએ. મૂર્તિઓમાં દેવતાઓના વાસનો સ્વીકાર કરનાર ભક્તોની શ્રદ્ધા વિસર્જન સમયે ક્યાં અદ્રશ્ય થઈ જાય છે! મૂર્તિને કોઈ ખંડિત ન કરે એનું અપમાન ન કરે તેની વિશેષ કાળજી લેનારા,  વિસર્જન સમયે એ જ મૂર્તિઓને રઝળતી મૂકી ચાલતી પકડે છે  ત્યારે શ્રદ્ધા-આસ્થાનો ઉભરો કેમ ઓસરી જાય છે?

પોલીસ બંદોબસ્તની પણ ઐસી કી તૈસી કરનાર બચી જાય છે, માત્ર આ જ કારણે કે – ધાર્મિક ઉત્સવોમાં કોમી એખલાસ જળવાઈ રહે , કોઈની લાગણી ન દુભાય, માહોલ શાંતિમય રહે અને ઘર્ષણ ન થાય.  ‘ મળેલ સ્વતંત્રતાનો સાચો અર્થ તો એ છે કે બીજાને નડ્યા વગર, તકલીફ પહોંચાડ્યા વગર જે કરવા જેવાં કામ છે તે કરવાની આઝાદી એટલે સ્વતંત્રતા.’ મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરતા ભકતજનોને હાથ જોડીને પ્રાર્થના કે હવે ખમ્મા કરો.તમારું આવું કૃત્ય ભારતની છબી બગાડે છે. મૂર્તિઓનું સ્થાપન કરો પણ તંત્રની સૂચનાઓનો અમલ કરો. પર્યાવરણ અને ભકતોની લાગણીનો પણ વિચાર કરો.
સુરત     – અરુણ પંડ્યા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top