Comments

કાશ્મીરી પંડિતો બાબતમાં ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે

ભાજપના મોરચાની સરકાર તેના 8 વર્ષની પૂર્ણાહુતિની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે કાશ્મીરી પંડિતોની હત્યાના બીજા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. તાજેતરમાં ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પ્રદર્શિત થઈ, તેમાં 1990ના દાયકામાં કાશ્મીરી પંડિત પર ગુજારવામાં આવેલા અત્યાચારોની યાદ તાજી કરવામાં આવી હતી. આ ફિલ્મનો ઉપયોગ ભાજપે ભારતભરમાં મુસ્લિમો માટે નફરત પેદા કરવા માટે કર્યો હતો. હવે તો કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને કાશ્મીરમાં કેન્દ્રનું (અર્થાત્ ભાજપનું) શાસન છે, ત્યારે કાશ્મીરી પંડિતોની હિંસા રોકવામાં સરકારની નિષ્ફળતા ઉડીને આંખે વળગે તેવી છે. જો શ્રીનગરમાં કાશ્મીરી પંડિતોને પર્યાપ્ત સુરક્ષા આપવામાં નહીં આવે તો વડાપ્રધાન રાહત યોજના હેઠળ આવેલા 4000 પંડિતોએ પોતાનો જીવ બચાવવા કાશ્મીર છોડી જવાની ધમકી આપી છે.

તેમણે પોતાનો સામાન પેક કરી લીધો છે. શ્રીનગરની પંડિત કોલોનીમાં રહેતા 300 પરિવારો તો કાશ્મીર છોડીને પલાયન થઈ ગયા છે. રોમ ભડકે બળતું હતુ ત્યારે નીરો ફિડલ વગાડતો હતો તેમ વિદેશ પ્રધાન એસ. જયશંકરે કાશ્મીરી પંડિતોના જખમ પર નમક ભભરાવતું નિવેદન કર્યું છે કે આતંકવાદનો નાશ એક દિવસમાં કરી શકાય નહીં. કાશ્મીરી પંડિતો તેમને પૂછી રહ્યા છે કે ભાજપ તો 8 વર્ષથી કેન્દ્રમાં સરકાર ચલાવે છે? આતંકવાદને ખતમ કરવા 8 વર્ષમાં તમને કેટલી સફળતા મળી? કુલગામમાં જે કાશ્મીરી પંડિત રજની બાલાની હત્યા થઈ તેમની સ્મશાનયાત્રામાં ભાજપ સરકાર વિરોધી સૂત્રો પણ બોલવામાં આવ્યા હતા. કાશ્મીરના ભાજપના અધ્યક્ષ વધી રહેલા આતંકવાદ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવી રહ્યા છે. કાશ્મીરનું વહીવટીતંત્ર પંડિતોને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. રજની બાલાની હત્યા પછી કાશ્મીરી પંડિતો ખીણ છોડીને ચાલ્યા ન જાય તે માટે તેમને ઘરમાં નજરકેદ કરી રાખવામાં આવ્યા છે. વિવેક અગ્નિહોત્રી માટે ‘કાશ્મીર ફાઇલ્સ’ની સિક્વલ બનાવવાનો માહોલ તૈયાર થઈ ગયો છે.

જમ્મુ – કાશ્મીરને સ્વાયત્તતા આપતી 370મી કલમ હટાવી લેવામાં આવી, ત્યારે દેશની જનતાને વચન આપવામાં આવ્યું હતું કે હવે ઝડપથી આ રાજ્યમાં સુખ અને શાંતિની સ્થાપના થશે અને આતંકવાદ ભૂતકાળની બીના બની જશે. સરકારના આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભારતને વિશ્વગુરુ બનાવવા પૃથ્વીની પરિક્રમા પર નીકળ્યા છે, ત્યારે ઘરઆંગણે દાવાનળ લાગ્યો છે. મે મહિનામાં જ કાશ્મીરમાં રાજ કરી રહેલા આતંકવાદીઓ દ્વારા 7 ઇસમોની ટાર્ગેટેડ હત્યા કરવામાં આવી છે. જેમાં 4 નાગરિકો હતા અને 3 પોલીસ કર્મચારીઓ હતા. તા. 12 મેના રોજ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં રાહુલ ભાટ નામના કાશ્મીરી પંડિતની હત્યા લશ્કરે તોઇબા નામના સંગઠન દ્વારા કરવામાં આવી હતી. રાહુલ ભાટ વડાપ્રધાનના સ્પેશિયલ પેકેજ હેઠળ કાશ્મીરમાં આવ્યા હતા. તેઓ સરકારી કચેરીમાં ક્લાર્કનું કામ કરતા હતા. રાહુલ ભાટની હત્યાને પગલે કાશ્મીરી પંડિતોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

કુલગામમાં જે કાશ્મીરી પંડિત શિક્ષક રજની બાલાની હત્યા કરવામાં આવી તેના માટે તો કાશ્મીરનું જડ સરકારી વ્યવસ્થાતંત્ર જ જવાબદાર છે. થોડા દિવસ પહેલા કુલગામ નજીક આવેલા કાકરાનમાં કાશ્મીરી પંડિતની હત્યા કરી નાખવામાં આવી, તે પછી રજની બાલા અને તેમના પતિ રાજકુમાર ભયભીત થઈ ગયા હતા. રાજકુમાર પણ કુલગામની બીજી સ્કૂલમાં શિક્ષક છે. તેઓ જમ્મુના સાંબા જિલ્લાના રહેવાસી છે પણ તેમની નિમણુક કુલગામ જિલ્લામાં કરવામાં આવી હતી. કાશ્મીરી પંડિતની હત્યા પછી ભયભીત થયેલા રાજકુમાર તરત જ શિક્ષણ અધિકારીને મળ્યા હતા અને પત્નીની બદલી કોઈ સલામત સ્થળે કરવાની વિનંતી કરી હતી. શિક્ષણ અધિકારીએ તેમની અરજી પર ધ્યાન જ નહોતું આપ્યું. થોડા દિવસ પછી તેઓ તપાસ કરવા ગયા તો તેમને કહેવામાં આવ્યું હતુ કે તમારી અરજી ખોવાઈ ગઈ છે. રાજકુમારે તેમને નવી અરજી લખી આપી હતી.

નવી અરજીના આધારે રજની બાલાની અને તેમના પતિની બદલી કરવામાં આવી હતી. તેમને બદલીનો ઓર્ડર સોમવારે જ મળ્યો હતો. મંગળવારે રજની બાલાની નોકરીનો છેલ્લો દિવસ હતો. રાજકુમાર તેમને સ્કૂલમાં મૂકીને પોતાની સ્કૂલમાં જવા નીકળ્યા હતા. તેઓ રજની બાલાને મૂકીને ગયા કે તરત જ આતંકવાદીઓ ત્રાટક્યા હતા. રજની બાલા પર તેમણે ગોળીઓ છોડી હતી. રજની બાલા તાત્કાલિક માર્યા ગયા હતા. જો તેમની બદલી સમયસર કરવામાં આવી હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોત. રજની બાલાની 13 વર્ષની દીકરી માવિહોણી બની ગઈ છે.

પહેલા રાહુલ ભાટ અને પછી રજની બાલાની હત્યાને પગલે કાશ્મીરી પંડિતોનો સરકારમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. શ્રીનગરમાં રહેતા 4000 કાશ્મીરી પંડિતોના સંગઠને ધમકી આપી છે કે જો તેમને 24 કલાકમાં સલામત સ્થળે ખસેડવામાં નહીં આવે, તો તેઓ કાશ્મીર ખીણ છોડીને ચાલ્યા જશે. આ ધમકીને પગલે શ્રીનગરમાં આવેલી કાશ્મીરી પંડિતોની કોલોનીઓ બહાર પોલીસ બેસાડી દેવામાં આવી છે અને તેમને બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.  કાશ્મીરી પંડિતોએ પોતાનો સામાન પેક કરી રાખ્યો છે અને તેઓ અન્ય સ્થળે જવા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. તેમણે સરકારને પણ વિનંતી કરી છે કે તેમને જમ્મુ સુધી સલામત પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરે. જો કાશ્મીરી પંડિતો હિજરત કરી જાય તો ભાજપ સરકારની રહીસહી ઇજ્જત પણ ધૂળમાં મળી જાય તેમ છે. માટે તેમણે પંડિતોની કોલોનીની બહાર બેરિકેડ ઊભા કરી દીધા છે.

ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં કાશ્મીરના આતંકવાદીઓ દ્વારા બહારથી આવેલા બિનમુસ્લિમો અને કાશ્મીરી પંડિતોની હત્યાનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો હતો. ઓક્ટોબરના 5 જ દિવસોમાં સાત નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં 1 કાશ્મીરી પંડિત, 1 શીખ અને 2 અન્ય પ્રાંતમાંથી આવેલા હિન્દુઓનો સમાવેશ થતો હતો. આ 7 હત્યાઓના પગલે શ્રીનગરના શેખપુરામાં રહેતા મોટા ભાગના પંડિત પરિવારો પોતાના ઘરો છોડી ગયા હતા. ઓક્ટોબર મહિના પછી આ ટાર્ગેટેડ હત્યાનો સિલસિલો વણથંભ્યો ચાલુ જ રહ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર આતંકવાદીઓનો આ ખેલ લાચાર બનીને નિહાળી રહી હોય તેવું લાગે છે.

કાશ્મીરમાં કામ કરી રહેલા આતંકવાદીઓનો ઇરાદો સ્પષ્ટ છે. તેઓ કાશ્મીરી પંડિતોની અને સરકારી કર્મચારીઓની હત્યા કરીને કેન્દ્ર સરકારને પડકાર ફેંકી રહ્યા છે કે તમારામાં તાકાત હોય તો અમને રોકી જુઓ. કેન્દ્ર સરકારને ઉજવણીઓ કરવામાં અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરવામાં જ રસ છે. તેને કાશ્મીરી પંડિતોના કલ્યાણમાં કોઈ રસ નથી. ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ દ્વારા કાશ્મીરના મુસ્લિમોને બદનામ કરવામાં તેને સફળતા મળી ગઈ છે. લોકો એ વાત ભૂલી ગયા છે કે 1990ના દાયકામાં જ્યારે કાશ્મીરી પંડિતોની હાકલપટ્ટી કરવામાં આવી, ત્યારે કેન્દ્રમાં V.P. સિંહની સરકાર હતી, જે ભાજપના બહારના ટેકાથી રાજ કરી રહી હતી. વર્તમાનમાં ભાજપની પૂર્ણ બહુમતી ધરાવતી સરકાર છે. કેન્દ્ર સરકાર ધારે તો કાશ્મીરી પંડિતોને પૂર્ણ સુરક્ષા સાથે કાશ્મીર ખીણમાં ફરીને વસાવી શકે છે, પણ તેને જેટલો રસ પ્રચારમાં છે તેટલો નક્કર કાર્ય કરવામાં નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top