Editorial

મહાત્મા ગાંધીજી પરના કંગનાના વિવાદી નિવેદનો ભાજપ માટે મુશ્કેલી સર્જી રહ્યા છે

જાણીતી ફિલ્મ અભિનેત્રી અને હાલમાં જ હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ચૂંટણી લડીને ભાજપની સાંસદ બનેલી કંગના રનૌત ધીરેધીરે ખુદ ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે. કંગના બેબાક બોલવા માટે જાણીતી છે પરંતુ હવે કંગનાના નિવેદનો બફાટ સમાન થઈ રહ્યા છે. પહેલા કંગના દ્વારા બોલાયેલા શબ્દો તેના વ્યક્તિગત હતા પરંતુ ભાજપના સાંસદ બન્યા બાદ કંગના દ્વારા બોલાતા શબ્દો ભાજપના શબ્દો તરીકે ગણવામાં આવે છે અને તેને કારણે જ ભાજપના નેતાઓએ પણ કંગનાના નિવેદનોનો વિરોધ કરવો પડી રહ્યો છે. થોડા સમય પહેલા જ કંગનાએ ખેડૂત વિરોધી કાયદાને ફરી લાવવાની હિમાયત કરી હતી અને મોટો વિવાદ સર્જાયો હતો.

ભાજપે એવું જાહેર કરવું પડ્યું હતું કે આ પાર્ટીનો વિચાર નથી અને કંગનાનો વ્યક્તિગત વિચાર છે. એક તરફ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને ત્યારે જ કંગના દ્વારા કરાયેલા નિવેદને ભાજપને તકલીફમાં મુકી દીધો હતો. હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં કંગનાએ વધુ એક બફાટ કર્યો છે. આજે 2જી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે અને આજ દિવસે ભારતરત્ન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે ત્યારે કંગનાએ પોતાની સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં એવું લખ્યું કે દેશના પિતા નહીં, લાલ હોય છે, નીચે કંગનાએ લાલ બહાદુર શાસ્ત્રીનો ફોટો મુક્યો જેને કારણે કંગના દ્વારા ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું હોવાનો વિવાદ શરૂ થઈ ગયો છે.

આ પોસ્ટ દ્વારા કંગનાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પર નિશાન સાધ્યું છે. એક તરફ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પમાળા અર્પણકરી રહ્યા છે અને બીજી તરફ કંગના દ્વારા ગાંધીજીના કરાયેલા અપમાનને કારણે કોંગ્રેસને પણ કંગના પર પ્રહારો કરવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસના નેતા રાજકુમાર વેરકાએ કહ્યું હતું કે, કંગના રાષ્ટ્રવિરોધી વાત કરી રહી છે. અમે વારંવાર માગ કરી રહ્યા છીએ કે તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. BJP ન તો તેની સામે કેસ દાખલ કરી રહી છે અને ન તો કોઈ અન્ય કાર્યવાહી કરી રહી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં આ ટિપ્પણી સહન કરી શકાય તેમ નથી. કંગના સામે પણ કાર્યવાહી કરો.

કંગના પર કોંગ્રેસ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા જ પણ સાથે સાથે ભાજપના નેતાઓએ પણ આવા નિવેદન બદલ કંગનાની ટીકા કરી છે. પંજાબ બીજેપીના વરિષ્ઠ નેતા હરજિત ગ્રેવાલે જણાવ્યું છે કે, કંગનાએ ગાંધીજી વિશે નિવેદન આપ્યું છે, જે ખૂબ જ શરમજનક છે. તેમણે મહાત્મા ગાંધી વિશે નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીને તો પસંદ નથી કર્યા, પણ લાલ બહાદુરને પસંદ કર્યા છે. કોઈએ તેમને કહેવું જોઈએ કે લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજીના સૌથી મોટા સમર્થક હતા. જો તમે શિષ્યનું સન્માન કરી રહ્યા છો અને તેમના માર્ગદર્શકનું અપમાન કરી રહ્યા છો તો ક્યાંનું શાણપણ છે. કંગનાના વિચારો નાથુરામ ગોડસેના વિચારો છે. હું સમજી શકું છું કે મંડીના લોકોથી ભૂલ થઈ ગઈ છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.

કંગના દ્વારા આ પહેલી વખત ગાંધીજીનું અપમાન કરાયું નથી. અગાઉ પણ કંગના ગાંધીજી માટે વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂકી છે. ભાજપે પહેલા કંગનાને સપોર્ટ કર્યો અને તેને છેક સાંસદ પણ બનાવી પરંતુ હવે કંગના ભાજપ માટે ‘ગળાના હાડકા’ સમાન બની ગઈ છે. કંગનાના વિવાદી નિવેદનો ભાજપ માટે કફોડી સ્થિતિ સર્જી રહ્યા છે. જે રીતે ભૂતકાળમાં પ્રજ્ઞા ઠાકુર દ્વારા વિવાદી નિવેદનો આપીને ભાજપ માટે મુશ્કેલીઓ સર્જવામાં આવી અને ભાજપે બાદમાં તેને પડતી મુકવી પડી તેવી જ રીતે આગામી દિવસોમાં કંગનાની હાલત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. કંગના નહીં સમજે તો ભાજપ માટે તકલીફો વધતી જશે તે નક્કી છે.

Most Popular

To Top