Sports

બેઝબોલ નહીં પોતાની સ્ટાઈલમાં જો રૂટે સદી ફટકારી ઈંગ્લેન્ડની લાજ બચાવી, સ્કોર 300 પાર

રાંચી(Ranchi): ભારત અને ઇંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની (TestSeries) ચોથી મેચ તા. 23 ફેબ્રુઆરીથી રાંચીમાં શરૂ થઈ છે. મેચના પહેલાં દિવસે ભારતના નવોદિત ફાસ્ટ બોલર આકાશ દીપે (Akashdeep) ઈંગ્લેન્ડના (England) ટોપ ઓર્ડર બેટ્સમેનોને સેટ થવા દીધા નહોતા. પોતાની પહેલી જ મેચમાં આકાશ દીપે 3 વિકેટ લીધી હતી. આકાશ દીપે માત્ર 10 બોલના ટૂંકા ગાળામાં ઈંગ્લેન્ડના 3 ટોપ ઓર્ડર બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. જેના લીધે લંચ સુધીમાં ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવી દીધી હતી.

લંચ બાદ જો રૂટ (Joe Root) અને ફોક્સે બાજી સંભાળી હતી. જો રૂટે બેઝબોલ સ્ટાઈલ છોડી તેની મૂળભૂત સ્ટાઈલથી ધીમી પરંતુ મક્કમ બેટિંગ કરી હતી. જો રૂટે 219 બોલમાં સદી પુરી કરી હતી. લાંબા સમય બાદ જો રૂટે સદી ફટકારી હતી. આ સાથે જ એકલા હાથે જો રૂટે ઈંગ્લેન્ડનો સ્કોર 300 પાર પહોંચાડ્યો હતો.

રૂટની સદીને પગલે રાંચીમાં રમાઈ રહેલી સિરિઝની ચોથી ટેસ્ટ મેચના પહેલાં દિવસના અંતે ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવી 302 રન બનાવ્યા હતા. સદીવીર જો રૂટ 106 રન બનાવી રમતમાં છે. તેનો સાથ ઓલિવર રોબિન્સન આપી રહ્યો છે. દિવસના અંત સુધીમાં રોબિન્સને પણ 31 રન બનાવ્યા હતા. પહેલાં દિવસે ભારત તરફથી ડેબ્યુટન્ટ આકાશ દીપે 3, મોહમ્મદ સિરાજે 2 તેમજ રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

નવોદીત બોલર આકાશદીપ ત્રાટકતા લંચ પહેલાં જ ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવી હતી
આ અગાઉ રાંચી ટેસ્ટ મેચમાં ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેક ક્રાઉલી અને બેન ડકેટે પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ માટે સારી શરૂઆત કરી હતી. પરંતુ લાંબુ ટકી શક્યા નહોતા. બેન ડકેટ માત્ર 11 રન બનાવીને નવોદિત આકાશ દીપના બોલ પર વિકેટ કીપર ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ થયો હતો. તે સમયે ઈંગ્લેન્ડનો સ્કોર માત્ર 47 રન હતો. બેન ડકેટ 10મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો. માત્ર બે બોલ પછી ઓલી પોપ ઝીરો પર આઉટ થયો હતો. સ્કોર બોર્ડમાં વધુ 10 રન ઉમેરાયા ત્યાં તો ક્રાઉલીને આકાશ દીપે બોલ્ડ કર્યો હતો. ક્રાઉલીએ 42 રન બનાવ્યા હતા.

બુમરાહને આરામ અપાતા આકાશ દીપને તક મળી
ભારતીય ટીમમાં માત્ર એક જ ફેરફાર જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહને આરામ અપાતા આજે આકાશ દીપે આ મેચમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 313મો ખેલાડી બન્યો છે. આકાશ દીપને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. 27 વર્ષનો આકાશ દીપ મૂળ બિહારના દેહરીનો છે, પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમે છે.

Most Popular

To Top