ઝારખંડના (Jharkhand) બોકારો જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. ગુરુવારે અહીંના ડોકટરોએ (Doctor) દાવો કર્યો હતો કે પાંચ વર્ષ પહેલા માર્ગ અકસ્માત બાદ પથારીમાં પડેલો 55 વર્ષીય માણસ એન્ટી-કોવિડ કોવિશિલ્ડ રસીનો (Covishield vaccine) પ્રથમ ડોઝ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો, એટલું જ નહીં તે ચાલવા માટે પણ સક્ષમ થયો હતો. બોકારોના ટકાહા ગામના રહેવાસી 55 વર્ષીય દુલાર ચંદ મુંડા છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારીથી પીડિત હતા. તેઓ બેડ પર હલનચલન પણ કરી શકતા નહોતા. આ સંજોગોમાં 6 જાન્યુઆરીના રોજ કોવિડ વેક્સિનેશન ટીમે તેમને કોવિશીલ્ડની વેક્સિન લગાવી. ત્યાર બાદ 9 જાન્યુઆરીના રોજ તેઓ પથારીમાંથી ઊભા થઈ ગયા અને ચાલવા લાગ્યા હતા.
દુલાર ચંદા મુંડાએ દાવો કર્યો છે કે તેમને 6 જાન્યુઆરીએ કોવિશિલ્ડ રસી લીધી હતી અને 9 જાન્યુઆરીએ તેમના શરીરમાં એક નવી ઉર્જા આવી હતી, જેના પછી તેઓ જૂની બીમારીથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા હતા. મુંડાને ચાલતા-ફરતા અને બોલતા જોઈને તેમના પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બોકારોના સિવિલ સર્જન ડો. જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે મુંડા સાથે થયેલી આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દુલારચંદ મુંડા કરોડરજ્જુની સમસ્યાને કારણે છેલ્લા એક વર્ષથી સંપૂર્ણપણે પથારીવશ હતા.
જણાવી દઈએ કે દુલાર ચંદ મુંડા 4 વર્ષ અગાઉ માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. થોડાક સમય બાદ તેમના શરીરની નસોમાં મુશ્કેલી સર્જાવા લાગી હતી. તેઓ છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા અને પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નહોતા. પરિવારજનોએ બોકારો, ધનબાદ અને રાંચીના RIMS સુધી સારવાર કરાવી હતી. સારવાર પાછળ આશરે 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ માટે તેમણે જમીન પણ વેચી દીધી હતી પરંતુ તેમને બીમારીમાં કોઈ જ રાહત મળી ન હતી.
સ્વાસ્થ્ય વિભાગ દુલાર ચંદ સાથે થયેલ આ ચમત્કારની હવે તપાસ કરવા માટે સક્રિય થઈ ગઈ છે. તો બીજી તરફ વૈજ્ઞાનિકો માટે પણ તે તપાસનો વિષય બન્યો છે. RIMSના નિષ્ણાતોની ટીમ આ ઘટનાની તપાસ કરશે. તેમણે કહ્યું હતું કે મુંડાને કેવા પ્રકારની બીમારી હતી. તેમની શી સારવાર ચાલી રહી હતી? અને રસીએ તેમના ઉપર કેવી અસર કરી? તે અંગેની તપાસ કરવામાં આવશે.