નવી દિલ્હી: જાપાનની (Japan) અર્થવ્યવસ્થાની (Economy) સ્થિતિ સારી નથી. થોડા સમય પહેલાં જ જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનો તાજ ગુમાવ્યો છે. ટોપ-3 અર્થતંત્રના લિસ્ટમાંથી બહાર થયા બાદ જાપાને અર્થતંત્રને વેગ આપવા માટે 17 વર્ષમાં પ્રથમ વખત મોટો નિર્ણય લીધો છે. જાપાને વ્યાજ દરમાં વધારો (Increase Interest Rates) કરવાનો નિર્ણય લીધો છે. બેન્ક ઓફ જાપાને (Bank of Japan) મોનેટરી પોલિસીની (Monetary policy) બેઠક બાદ આ મોટી જાહેરાત કરી છે.
એક અહેવાલ અનુસાર સેન્ટ્રલ બેંક ઓફ જાપાને મંગળવારે તા. 19 માર્ચે દેશની સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે એક મોટું પગલું ભરતા વીતેલા 17 વર્ષમાં પહેલી વાર તેના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જાપાનમાં છેલ્લે ફેબ્રુઆરી 2007માં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો.
બેન્ક ઓફ જાપાને તેની પોલિસી મીટિંગમાં ટૂંકા ગાળાના વ્યાજ દર નેગેટિવ 0.1 ટકાથી વધારીને 0.1 ટકા કર્યા છે. આ નિર્ણયથી જાપાનનો વ્યાજ દર હવે શૂન્યથી ઉપર થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં બેન્ક ઓફ જાપાને વ્યાજ દરોને શૂન્યથી નીચે અથવા નેગેટિવ રેન્જમાં લાવવા માટે પગલાં લીધાં હતાં.
અહીં એ જાણવું જરૂરી છે કે આ નકારાત્મક વ્યાજ દર શું છે. જણાવી દઈએ કે તે નાણાકીય નીતિનું એક સ્વરૂપ છે, જેમાં વ્યાજ દર 0%થી નીચે રહે છે. જ્યારે ડિફ્લેશનના મજબૂત સંકેતો હોય ત્યારે સેન્ટ્રલ બેંકો અને નિયમનકારો આ અસામાન્ય નીતિનો ઉપયોગ કરે છે. નકારાત્મક વ્યાજ દરના વાતાવરણમાં, વ્યાજ ધિરાણકર્તાઓને ચૂકવવાને બદલે ઉધાર લેનારાઓને આપવામાં આવે છે. સેન્ટ્રલ બેંકોએ માત્ર જાપાનમાં જ નહીં પરંતુ યુરોપની કેટલીક અર્થવ્યવસ્થાઓમાં પણ તેનો અમલ કર્યો છે.
જાપાને 2 ટકા ફુગાવાનો ટાર્ગેટ સેટ કર્યો
સેન્ટ્રલ બેન્ક ઓફ જાપાને 2 ટકાનો ફુગાવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જે દર્શાવે છે કે જાપાન આખરે ડિફ્લેશનના વલણમાંથી છટકી ગયું છે. ફુગાવાથી વિપરીત ડિફ્લેશનમાં ભાવ ઘટવાનું શરૂ કરે છે. બેંક ઓફ જાપાનના ચીફ કાઝુઓ યુએડાએ અગાઉ કહ્યું હતું કે જો દેશ 2 ટકાના નિશ્ચિત ફુગાવાના લક્ષ્યાંકથી ઉપર રહેશે તો બેંક તેના નકારાત્મક વ્યાજ દરની સમીક્ષા કરશે. નોંધનીય છે કે જાન્યુઆરીમાં જાપાનમાં મુખ્ય ફુગાવો 2.2 ટકા હતો.
જીડીપીમાં ઘટાડાથી રેન્કિંગ ડાઉન થયું
માત્ર એક મહિના પહેલા જ જાપાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો તાજ ગુમાવ્યો હતો. જર્મની વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું હતું. છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં જાપાનના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં થયેલા ઘટાડાને કારણે તેના રેન્કિંગને અસર થઈ હતી. આ સાથે યુએસ ડૉલર સામે યેનનું મૂલ્ય ઘટવાને કારણે પણ સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જાપાનની જીડીપી હવે 4.2 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગઈ હતી, જ્યારે જર્મનીના જીડીપીનું કદ, જે તેને પછાડીને નંબર-3ના સ્થાને પહોંચ્યું હતું, તે 4.5 ટ્રિલિયન ડૉલર થઈ ગયું હતું.