જાપાનના ફુકુશીમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી પ્રક્રિયા કરાયેલ કિરણોત્સર્ગી પાણી હાલમાં સમુદ્રમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે કામગીરીએ દુનિયાભરમાં, ખાસ કરીને જાપાનના પાડોશી દેશોમાં ચિંતાઓ જગાડી છે. આ પાણી સલામત છે અને સમુદ્રી પર્યાવરણને કોઇ નુકસાન કરશે નહીં તેવી જાપાન સરકારની બાંહેધરીઓ છતાં પાડોશી દેશોના લોકો અને સ્થાનિક માછીમાર સમુદાય ચિંતીત છે. પાડોશના સાઉથ કોરિયામાં તો વિરોધ પ્રદર્શનો પણ થયા. જાપાનના ફુકુશીમા અણુ વિજળી મથકમાંથી કિરણોત્સર્ગી પાણી દરિયામાં છોડવાની આ કામગીરીએ ફરી એક વાર અણુ વિજળી મથકોની જરૂરિયાત અને તેમના કારણે પેદા થતા જોખમો અને આવા મથકો બાંધવા જોઇએ કે નહીં વગેરે બાબતો પર ચર્ચાઓ જગાડી છે.
આજથી એક દાયકા કરતા વધુ સમય પહેલા ૨૦૧૧ના પ્રચંડ ધરતીકંપમાં જે અણુ મથક સખત રીતે હચમચી ગયું હતું અને દુનિયાભરનું ધ્યાન જેના તરફ ખેંચાયું હતું તે ફુકુશીમા પાવર પ્લાન્ટમાં લાંબા સમયથી અનેક મોટી ટાંકીઓમાં સંગ્રહાયેલું કિરણોત્સર્ગ યુક્ત પાણી એક ચિંતાનો વિષય બન્યું હતું. આ પાણી પર પ્રક્રિયા કરીને તેને સલામત બનાવીને સમુદ્રમાં તેને છોડવાનો વિકલ્પ વિચારાયો હતો અને તે યોજના પર લાંબી તૈયારીઓ પછી અમલ શરૂ કરી દેવાયો છે. ફુકુશીમા અણુ વિજળી મથકના એકમો ધીમે ધીમે બંધ કરવા માટે આ પાણીનો નિકાલ કરવો જરૂરી છે એમ જાપાન સરકાર જણાવે છે.
આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સીના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે આ પાણી સલામત છે અને પાણી છોડવાની આ પ્રક્રિયા વખતે સંસ્થાના પ્રતિનિધિ ત્યાં હાજર રહેશે. જો કે આ ખાતરીઓ છતાં વ્યાપક ચિંતાઓ છે. સ્થાનિક માછીમાર સમુદાયને ચિંતા છે કે આ પાણી છોડવાને કારણે તેમના ધંધા પર અસર થશે અને આ વિસ્તારમાંથી પકડવામાં આવતી માછલીઓ વગેરે વેચાશે નહીં. ચીનની સરકારે તો જાપાનથી સીફૂડ મંગાવવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો છે. બીજી બાજુ, જાપાનના સાથી દેશ દક્ષિણ કોરિયામાં પણ આ પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શનો થયા છે.
ફુકુશીમાના આ અણુ વિજળી મથકમાં ૨૦૧૧ના ધરતીકંપ વખતે જે સમસ્યા સર્જાઇ હતી ત્યારે રિએકટરોને ઠંડુ કરવા માટે વપરાતું પાણી ઘણા મોટા પ્રમાણમાં કિરણોત્સર્ગી થઇ ગયું હતું. આ પાણી અનેક ટાંકાઓમાં ભરી રાખવામાં આવ્યું હતું. જગ્યા ખાલી કરવા માટે તેને છોડવું જરૂરી હતું અને છેવટે તેના પર પ્રોસેસ કરીને આ પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. પેસેફિક મહાસાગરમાં પાણી છોડવાનું આ કામ વર્ષો સુધી ચાલશે અને તેમાં કરોડો લીટર પાણી દરિયામાં છોડવામાં આવશે. આ પાણીમાં કિરણોત્સર્ગનું પ્રમાણ ખૂબ મંદ કરી દેવાયું છે છતાં આટલા જથ્થામાં પાણી છોડવાનું હોવાથી તે લોકોમાં ચિંતા જગાડે તે સ્વાભાવિક છે.
જાપાનના ફુકુશીમા અણુ વિજળી મથકનું આ પ્રકરણ એ વિચારવા પ્રેરે છે કે શું વિજળી મેળવવા અણુ મથકો સ્થાપવા જોઇએ? કોલસાથી સંચાલિત વિજ મથકો ઘણુ પ્રદૂષણ કરે છે. જળ વિદ્યુત બધે શક્ય નથી. આવા સંજોગોમાં અણુ વિજ મથકો પ્રદૂષણ નહીં કરે તે રીતે સ્વચ્છ વિજળી પુરી પાડે છે. પરંતુ કોઇ હોનારત થાય ત્યારે તેના ભયંકર અને દૂરગામી પરિણામો આવી શકે છે. રશિયામાં ૧૯૮૬માં થયેલ ચેર્નોબીલ અણુ મથકના અકસ્માતની ઘટના અને ૨૦૧૧ના ધરતીકંપને કારણે જાપાનના ફુકુશીમા અણુમથકને થયેલા નુકસાનની ઘટનાઓ સૂચવે છે કે અણુ વિજળી મથકો લાંબા ગાળા માટે ઘણા જોખમી પુરવાર થઇ શકે છે. આથી જ આવા વધુ મથકો બાંધવાનું ટાળવામાં આવે અને હવે તો વૈકલ્પિક ઉર્જાના અનેક માર્ગો ખુલ્યા છે ત્યારે તેમના પર વધુ ધ્યાન આપવામાં આવે તે જ યોગ્ય છે.