સુરત: (Surat) બે દિવસ પહેલાં જ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાનાર ઈસુદાન ગઢવી બુધવારે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. “આપ” ના કાર્યકર્તાઓએ ઈસુદાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આમઆદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા તેમજ કોર્પોરેટરો (Corporators) અને કાર્યકર્તાઓએ ઇસુદાન ગઢવીને વધાવી લીધા હતા. સુરત આવતા જ તેમણે કહ્યું કે હું પહેલીવાર સુરત આવ્યો છું, સુરત આમ આદમી પાર્ટીનો ઉગતો સુરજ છે. સુરતે ઇતિહાસ બદલવાની શરૂઆત કરી છે. ઈશુદાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ‘આપ’નો પાયો સુરતમાં નખાયો, જે ગાંધીનગર (Gandhinagar) સુધી જશે. તેમણે કહ્યું કે કહેવાય છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી પણ હવે સુરતમાં બીજો પક્ષ અમે છીએ અને ત્રીજો પક્ષ કોંગ્રેસ છે.
સુરતમાં પ્રવેશતાંની સાથે જ ઇસુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, ઇસુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઇને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તમામ મૃતક બાળકોને ન્યાય મળે એવા પ્રયાસો કરવાની વાત પણ કરી હતી. સવારે 11 કલાકે તેઓ સુરત પહોંચ્યા હતા. ત્યારબાદ 11.30 મિનિટે સીમાડાનાકા ખાતે આપના કાર્યલયમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સાંજે 4 કલાકે તેમણે આપના નગરસેવકો સાથે મિટીંગ કરી હતી.
દરમ્યાન ગઢવીએ જણાવ્યું હતું કે સુરતના આપના 27 કોર્પોરેટરોને આજ સુધી કોઈ હલાવી શક્યું નથી. આ જમીરની કીંમત છે, એવું નથી કે આ કોર્પોરેટરોને ઓફરો નહીં આવતી હોય પરંતુ આપના કાર્યકર્તાઓ પોતાનું જમીર વેચતા નથી. તેમણે કહ્યું કે આગામી 3 મહિનામાં આમ આદમી પાર્ટીમાં લાખો લોકો જોડાશે. હવે જુઠ્ઠા લોકોનો પર્દાફાશ કરવું જરૂરી છે. બીજી વાર સુરત આવું ત્યારે એક વ્યક્તિ 100 લોકોને સાથે લઈ આવે એજ મારું ખરું સ્વાગત કરેલું કહેવાશે. ઇમાનદારીથી રાજનીતિ કરવા અને સારા લોકોને પક્ષમાં જોડવા તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક નેવે મુકાયા
ઇસુદાન ગઢવી સાથે હાજર રહેલા ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા માસ્ક વગર નજરે પડ્યા હતા, જેને કારણે ઈટાલિયાને માસ્ક પહેરવા માટે સોશિયલ મીડિયામાં કોમેન્ટોનો મારો ચાલ્યો હતો. ઈસુદાન ગઢવી તક્ષશિલા આર્કેડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા, જેને કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. જ્યારે ઘણા કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા માસ્ક વિના જોવા મળ્યા હતા.