ઇતિહાસની હંમેશા રાજકારણ સાથે ભેળસેળ થઈ જતી હોય છે. કોઈ પણ દેશનો ઇતિહાસ વિજેતા શાસકો દ્વારા લખાતો હોય છે. દેશમાં રાજકીય સત્તા બદલાય છે તેની સાથે ઇતિહાસ તરફ જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાતો હોય છે. ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો, પણ ભારતના વિદ્યાર્થીઓ આપણને ગુલામ બનાવનારા મોગલો અને અંગ્રેજો દ્વારા લખાયેલો ઇતિહાસ જ આજ દિન સુધી ભણતા હતા. ઇતિહાસનાં પાઠ્ય પુસ્તકોમાં આજે પણ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામને સૈનિકોના વિદ્રોહ તરીકે વર્ણવવામાં આવે છે. ૧૮૫૭માં જે સશસ્ત્ર ક્રાંતિ થઈ તે બ્રિટીશ શાસકો માટે બળવો કે વિપ્લવ હતો, પણ આપણા માટે તો તે આઝાદીનો જંગ હતો. ૧૯૪૭ પહેલાં ભારતનો ઇતિહાસ અંગ્રેજો દ્વારા લખવામાં આવતો હતો, માટે તેમાં ‘બળવો’કે ‘વિપ્લવ’જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. ભારતને આઝાદી મળી તે પછી પણ આપણે માનસિક રીતે ગુલામ જ રહ્યા હતા, જેને કારણે આપણી શાળાઓમાં પણ ‘૧૮૫૭ નો વિપ્લવ’એવાં પ્રકરણો ભણાવાતાં રહ્યાં હતાં. મોગલ કાળમાં ભારતનો ઇતિહાસ અલ-બરૂની જેવા ઇતિહાસકારો દ્વારા લખવામાં આવ્યો હતો, જેઓ મોગલ બાદશાહોના પગારદાર નોકરો હતા. તેમણે જે ઇતિહાસ લખ્યો તેમાં સ્વાભાવિક રીતે જ ઔરંગઝેબ, અકબર, જહાંગીર, શાહજહાં વગેરે મોગલ સમ્રાટોના ગુણગાન ગાવામાં આવ્યા હતા. આ બાદશાહો કેટલા ક્રૂર હતા અને તેમણે કેટલાં હિન્દુ મંદિરોનો ધ્વંસ કર્યો હતો, તે ઇતિહાસનાં પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવતું નહોતું. ભારત આઝાદ થયો તે પછી ઇતિહાસના ક્ષેત્રમાં ડાબેરી ઝોક ધરાવતા ઇતિહાસકારોનું પ્રભુત્વ રહ્યું હતું. તેઓ હિન્દુત્વને ધિક્કારતા હતા અને બ્રિટીશ તેમ જ મોગલ રાજના ચાહકો હતા. તેને કારણે પાઠ્યપુસ્તકોમાં મોગલોના અને અંગ્રેજોના ગુણગાન ગાવામાં આવતા હતા. હવે ભાજપની સરકાર મોડે મોડે જાગી છે. તેણે ઇતિહાસમાંથી મોગલોના ગુણગાન ગાતા પાઠો કાઢવા માંડ્યા તેનો પણ સેક્યુલર લોબી વિરોધ કરી રહી છે.
ઇ.સ. ૧૯૯૮માં ભારતમાં પહેલવહેલી વખત હિન્દુત્વમાં માનતી સરકાર સત્તા પર આવી હતી, જેના વડા પ્રધાન અટલબિહારી વાજપેયી હતા. તેણે પહેલી વખત કેટલાક પાઠ્યપુસ્તકોમાં જ્વલંત હિન્દુત્વને બિરદાવતા પાઠો દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને ‘શિક્ષણનું ભગવાકરણ’ઠરાવીને સેક્યુલર લોબી દ્વારા તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. અટલબિહારી વાજપેયી લઘુમતી સરકારનું નેતૃત્વ કરતા હતા, જેને ૧૬ પક્ષોનો ટેકો હતો. આ પક્ષોમાં કેટલાક સેક્યુલર વિચારધારાને વરેલા હોવાથી વાજપેયી સરકાર પાઠ્યપુસ્તકોનું ભગવાકરણ કરી શકી નહોતી.
૨૦૧૪માં કેન્દ્રમાં જે ભાજપની સરકાર આવી તે પૂર્ણ બહુમતની સરકાર હોવાથી તેને તથાકથિત સેક્યુલર પક્ષોના ટેકાની જરૂર નથી. આ કારણે તેણે ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાંથી મોગલોની હકાલપટ્ટી કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ભારતમાં શિક્ષણની નીતિ નક્કી કરતી નેશનલ કાઉન્સિલ ફોર એડ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ (એન.સી.ઇ.આર.ટી.) એ વર્ષ ૨૦૨૩-૨૪માં બારમાં ધોરણનાં ઇતિહાસનાં પાઠ્યક્રમમાંથી ‘કિંગ્સ એન્ડ ક્રોનિકલ્સ : ધ મુગલ કોર્ટ્સ’નામનું પ્રકરણ હટાવી દીધું છે. આ પ્રકરણમાં મોગલ કાળમાં ભારતમાં કલા, સંગીત અને સાહિત્યનો કેવો વિકાસ થયો હતો? તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે પણ નવાં શૈક્ષણિક વર્ષથી આ નવી નીતિનો અમલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. દેશનાં જેટલાં રાજ્યોમાં ભાજપની સરકાર છે, તેઓ પણ આ નીતિનો અમલ કરે તેવી સંભાવના છે.
ઇ.સ.૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે પછી શિક્ષણ વ્યવસ્થામાં અને અભ્યાસક્રમમાં ધરમૂળથી ફેરફારો કરવાની વાતો ઘણી થઇ; પણ લોર્ડ મેકોલે દ્વારા ગુલામો પેદા કરવાનો જે ઢાંચો ઊભો કરવામાં આવ્યો હતો તેમાં ભાગ્યે જ કોઇ ફેરફારો કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી ૩૦ વર્ષ સુધી ભારતમાં અખંડપણે કોંગ્રેસી સરકાર રહી હતી. આ સરકારના શિક્ષણ ખાતાંમાં ડાબેરી ઇતિહાસકારોનું વર્ચસ્વ હતું.
તેમણે પાઠ્યપુસ્તકોમાં પણ ડાબેરી નાસ્તિક વિચારધારાને પ્રોત્સાહન આપે અને ભારતની સંસ્કૃતિ પ્રત્યે નફરત પેદા થાય તેવા પાઠો ઘૂસાડી દીધા હતા. કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હોવાથી આઝાદીના ઇતિહાસમાં ભગતસિંહ અને સુખદેવ જેવા ક્રાંતિવીરોની ઉપેક્ષા કરવામાં આવી હતી. કોંગ્રેસના રાજમાં એનસીઇઆરટી દ્વારા તૈયાર થયેલાં પુસ્તકોમાં તો ક્રાંતિવીરોનો પરિચય ત્રાસવાદીઓ તરીકે કરાવવામાં આવ્યો હતો. તેથી વિરુદ્ધ સતીપ્રથાનો વિરોધ કરનારા લોર્ડ બેન્ટિક જેવા અંગ્રેજ શાસકોને મહાન સમાજસુધારક તરીકે વર્ણવવામાં આવ્યા હતા.
આ વખતે લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે અને નરેન્દ્ર મોદી જેવું મજબૂત નેતૃત્વ છે એટલે ભાજપે પોતાની મરજી મુજબનાં પાઠ્યપુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ કરવાની તૈયારીઓ ઝડપથી આરંભી દીધી છે, જેમાં સંઘપરિવારનો સંપૂર્ણ દોરીસંચાર છે. એવા નિર્દેશો મળી રહ્યા છે કે એનડીએની સરકાર ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, વેદ અને ઉપનિષદોની ઉપયોગી વાતો અભ્યાસક્રમમાં સામેલ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ મુજબના પાઠો તૈયાર કરવાની સૂચના વિદ્વાનોની સમિતિને આપી દેવામાં આવી છે. એનડીએની સરકાર દ્વારા એનસીઇઆરટીના માળખામાં પણ હિન્દુત્વની વિચારધારા ધરાવતા વિદ્વાનોને આગળ કરાઇ રહ્યા છે.
એનડીએના રાજમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું ભણાવવામાં આવશે તેની ઝલક ગુજરાત સરકાર દ્વારા વિશેષ વાંચન માટે પસંદ કરવામાં આવેલાં દીનાનાથ બત્રાનાં પુસ્તક ઉપરથી આવે છે. આ પુસ્તકમાં એમ કહેવામાં આવ્યું છે કે જન્મદિનની ઉજવણી મીણબત્તીઓ બૂઝાવીને ન કરવી જોઇએ, પણ ભગવાનની ભક્તિ કરીને અને વડીલોનું બહુમાન કરીને કરવી જોઇએ. આ પુસ્તકમાં અખંડ ભારતનો એક નકશો દોરવામાં આવ્યો છે, જેમાં આજના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે વિમાનની શોધ ભારતમાં થઇ હતી અને રાવણનું ‘પુષ્પક’દુનિયાનું સૌથી પહેલું વિમાન હતું.
દીનાનાથ બત્રા વર્ષોથી સ્કૂલોની ટેક્સ્ટ બુકોમાં ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં ભણાવવામાં આવતા પાઠો સામે લડત ચલાવી રહ્યા છે. આ પાઠોમાં ક્યાંક જાટ કોમને લૂંટારુ કોમ તરીકે ચિતરવામાં આવી હતી તો ક્યાંક શહીદ ભગતસિંહને ત્રાસવાદી તરીકે ખપાવવામાં આવ્યા હતા. ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં ‘આર્યો ભારતની બહારથી આવ્યા હતા’એ મતલબના પાઠોનો પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. તેઓ આર્યોને ભારતના મૂળ વતનીઓ જ માને છે.
દીનાનાથ બત્રાના દાવા મુજબ તેમણે આવી ૬૫ વિકૃત વાતો પાઠ્યપુસ્તકોમાંથી દૂર કરાવી છે. અત્યારે તો માત્ર ગુજરાત રાજ્યમાં દીનાનાથ બત્રાનું એક પુસ્તક શાળાઓમાં વિશેષ વાંચન તરીકે દાખલ કરવામાં આવ્યું છે. ભારત સરકાર ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાંથી મોગલોની બાદબાકી કરવા માગે છે, તે નીતિ પણ ભૂલભરેલી છે. મોગલોનો કે અંગ્રેજોનો ઉલ્લેખ કર્યા વિના ભારતનો ઇતિહાસ લખી શકાય જ નહીં. મોગલોની બાદબાકી કરવાને બદલે તેમનો ઇતિહાસ સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકવો જોઈએ. મોગલોના માત્ર વખાણ કરવાને બદલે તેમનું તટસ્થ મૂલ્યાંકન કરવું જરૂરી બની રહે છે.