Columns

નાસા અવકાશયાત્રીઓનો ઉપયોગ અખતરાઓ કરવા માટે કરી રહ્યું છે?

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ એક મિશનના ભાગરૂપે તેના સહ-પ્રવાસી બુશ વિલ્મોર સાથે આઠ દિવસ માટે અવકાશમાં ગયાં હતાં, પરંતુ તેમને અવકાશમાં ગયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે અને તેઓ હજી પૃથ્વી પર પાછાં આવ્યાં નથી. અમેરિકા દ્વારા સ્પેસ સ્ટેશન પર ખાસ મિશન પર મોકલવામાં આવેલા અવકાશયાત્રીઓનું એક જૂથ અવકાશયાનમાં ખામીને કારણે ફસાયું છે. આ અંગે સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે તેના બે અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રહેશે, કારણ કે તેઓ બોઈંગના નવા સ્પેસ કેપ્સ્યુલમાં તેમની યાત્રા દરમિયાન જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેને ઠીક કરી રહ્યાં છે. હવે સવાલ એવો પૂછાઈ રહ્યો છે કે જો સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટને સ્પેસ સ્ટેશન પર લઈ જતાં પહેલાં તેમાંથી હિલિયમ વાયુ લિક થયો હતો તો નાસાએ શા માટે બે અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલીને તેમના જીવ જોખમમાં મૂક્યા? જાણકારો આ બાબતમાં સ્પેસ શટલ કોલંબિયાનો અકસ્માત યાદ કરે છે, જેમાં ભારતીય મૂળની કલ્પના ચાવલાનો જીવ ગયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે સ્પેસક્રાફ્ટને સ્પેસ સ્ટેશન પર લઈ જતી વખતે હિલિયમ ગેસનું લીકેજ થયું હતું અને થ્રસ્ટર્સમાં થોડી ખરાબી આવી હતી. પરંતુ સ્પેસ એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે અવકાશયાન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને અવકાશયાત્રીઓને પરત લાવવામાં કોઈ સમસ્યા નથી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ સાબિત કરવાનો હતો કે શું આ સ્ટારલાઈનર અવકાશયાન અવકાશયાત્રીઓને લઈ જવા અને તેમને પાછા લાવવામાં સક્ષમ છે કે નહીં?

નાસાએ હજુ સુધી અવકાશયાત્રીઓના પરત ફરવાની કોઈ તારીખ આપી નથી, પરંતુ કહ્યું છે કે તેઓ સુરક્ષિત છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું કે અમે પાછા ફરવાની કોઈ ઉતાવળમાં નથી. નાસા અને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાન આખરે ક્યારે પરત આવશે તે પ્રશ્નનો જવાબ મળવાનો હજુ પણ બાકી છે. જાણકારો કહે છે કે નાસા દ્વારા અવકાશયાત્રાનું ખાનગીકરણ કરવામાં આવ્યું તેને કારણે આ સંકટ પેદા થયું છે.

વાસ્તવમાં, જેના દ્વારા બંને અવકાશયાત્રીઓ ગયા હતા તે સ્પેસ કેપ્સ્યુલને સ્ટારલાઈનર ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ સ્પેસક્રાફ્ટ કહેવામાં આવે છે. સ્ટારલાઈનર નામની આ સ્પેસ કેપ્સ્યુલ બોઈંગ કંપની દ્વારા નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ સાથે મળીને બનાવવામાં આવી છે. આ કેપ્સ્યુલ મુસાફરોને અવકાશમાં લો-અર્થ ઓર્બિટમાં લઈ જવા માટે બનાવવામાં આવી છે. લો-અર્થ ઓર્બિટની રેન્જ પૃથ્વીથી લગભગ ૨,૦૦૦ કિમી ઉપર છે. આ કેપ્સ્યુલનો ઉપયોગ ૧૦ વખત સુધી કરી શકાય છે અને દરેક ઉપયોગ પછી તેની પુનઃરચના કરવામાં માત્ર છ મહિના લાગે છે.

સ્ટારલાઈનર અવકાશયાન એટલાસ વી રોકેટથી પાંચ જૂને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે મિશન ટીમે હિલીયમ ગેસનું લીકેજ શોધી કાઢ્યું હતું. હિલીયમ ગેસનું લીકેજ બંધ ન થયું તો પણ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસ સ્ટેશનના માર્ગમાં અવકાશયાન હજુ પણ વધુ હિલીયમ ગેસ લીક ​​કરી રહ્યું હોવાનું જણાયું હતું અને તેના કેટલાક થ્રસ્ટર્સમાં પણ સમસ્યા આવી રહી હતી. આ બધી સમસ્યાઓ સ્ટારલાઈનરના સર્વિસ મોડ્યુલમાં આવી છે, જે અવકાશયાનના નીચેના ભાગમાં સ્થાપિત છે અને અહીંથી મોટા ભાગની શક્તિ ઉડાન દરમિયાન પ્રાપ્ત થાય છે.

સ્ટારલાઈનર લોન્ચ થયા પહેલાં પણ ઘણી સમસ્યાઓ ઉભી થઈ હતી, જેના કારણે આ મિશન ત્રણ વખત સ્થગિત કરવામાં આવ્યું હતું. અગાઉ તેને ૬ મેના રોજ લોન્ચ કરવાનું હતું, પરંતુ લોન્ચિંગના માત્ર બે કલાક પહેલા જ કાઉન્ટડાઉન અચાનક બંધ કરવું પડ્યું હતું. તેનું કારણ એ હતું કે એટલાસ વીના ઉપરના ભાગમાં સ્થાપિત પ્રેશર વાલ્વમાં કેટલીક ખામી હતી. આ પછી પણ સ્ટારલાઇનરને ઘણી વધુ તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે લોન્ચિંગમાં વિલંબ થયો હતો. સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ જેમાં તેઓ ગયા છે તે સ્પેસ સ્ટેશન સાથે ૪૫ દિવસ સુધી જોડાયેલ રહી શકે છે. સ્પેસ સ્ટેશન પર એટલી બધી સામગ્રી અને જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે કે તે ઘણા મહિનાઓ સુધી ટકી શકે છે. જો કોઈ મોટી સમસ્યા થાય તો તેમને કટોકટીની સ્થિતિમાં પાછા લાવી શકાય છે. બંને અવકાશયાત્રીઓને પરત લાવવામાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે બોઈંગ અને સ્પેસ એજન્સી નાસા ન્યૂ મેક્સિકોમાં કેટલાંક પરીક્ષણો કરવા માંગે છે.

આ સાથે તેઓ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શા માટે સ્પેસ ટ્રાવેલ દરમિયાન સ્ટારલાઈનરના કેટલાક થ્રસ્ટર્સ અચાનક તૂટી ગયા. પાંચ થ્રસ્ટર્સમાંથી ચારનું સમારકામ કરવામાં આવ્યું છે પરંતુ એક હજુ પણ વ્યવસ્થિત નથી અને તે મિશન દરમિયાન કાર્ય કરશે નહીં. બુધવારના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા અવકાશયાત્રીઓની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિલિયમ્સે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સ્ટારલાઇનર તેમને સુરક્ષિત રીતે પરત લાવી શકશે.

આ જોડી અવકાશમાં સપડાઈ ગઈ છે ત્યારે પૃથ્વી પરના ઇજનેરો ડાયગ્નોસ્ટિક પરીક્ષણો કરી રહ્યા છે અને સ્ટારલાઇનરની ઘરે પરત ફરવાની સફરમાં સંભવિત ફેરફાર કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે વિલિયમ્સ અને વિલ્મોર જુલાઈના અંતમાં સ્વદેશ પરત ફરે તેવી અપેક્ષા છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ ડાયરેક્ટર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે બોઇંગની હરીફ કંપની એલન મસ્કની સ્પેસએક્સ ઓગસ્ટના મધ્યમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નવા અવકાશયાત્રીઓને ઉતારે તે પહેલાં તેમનો ઉદ્દેશ્ય બંનેને ISSમાંથી બહાર કાઢવાનો છે.

ઈસરોના વડા ડૉ. એસ. સામંથાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લાંબા સમયથી અવકાશયાત્રીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. સ્પેસ સ્ટેશનમાં માત્ર સુનિતા વિલિયમ્સ જ નથી, પરંતુ ૯ અવકાશયાત્રીઓ પણ છે જે સામાન્ય સંજોગોમાં ત્યાં કામ કરી રહ્યા છે. ડૉ. એસ. સામંથાએ કહ્યું કે ઈસરોને સુનીતા વિલિયમ્સની હિંમત અને બહાદુરી પર ગર્વ છે. નવા અવકાશયાનની પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરવી એ હિંમતનું કાર્ય છે. તે પોતે ડિઝાઇન ટીમનો ભાગ છે અને તે તેના અનુભવમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે છે. આખી વાત બોઇંગ સ્ટારલાઇનર નામના નવા મોડ્યુલના પરીક્ષણ વિશે છે. સુનિતા વિલિયમ્સ આ અનુભવમાંથી વધુ શીખશે અને અવકાશયાનના નિર્માણમાં યોગદાન આપશે. ઈસરોના વડાની વાત પરથી એવી છાપ ઊભી થાય છે કે સ્ટારલાઈનરનો પ્રચાર કરવા આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે.

દરમિયાન સોશિયલ મીડિયામાં જોરદાર અફવા ચાલી રહી હતી કે કલ્પના ચાવલાની જેમ સુનિતા વિલિયમ્સ પણ મરી ગઈ છે, પણ તેની જાહેરાત કરવામાં આવતી નથી. કદાચ આ અફવાનું ખંડન કરવા માટે નાસા તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બુશ વિલ્મોરે કેમેરા સામે ઉપસ્થિત થઈને પોતે હેમખેમ હોવાના પુરાવા આપ્યા હતા. જોકે તેમાં લાઈવ પ્રેસ કોન્ફરન્સને બદલે માત્ર વીડિયો રેકોર્ડિંગ શેર કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ દેખાતું નહોતું. કેટલાક લોકો પૂછી રહ્યા હતા કે નાસા શા માટે ફસાયેલા અવકાશયાત્રીઓની લાઈવ પ્રેસ કોન્ફરન્સ નથી કરતું?

સ્ટારલાઈનરનું પ્રથમ માનવરહિત ઉડ્ડયન વર્ષ ૨૦૧૯માં થયું ત્યારે પણ સોફ્ટવેરની સમસ્યાઓ હતી, જેના કારણે અવકાશયાન ખોટી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું. બીજી ફ્લાઈટમાં ઈંધણના વાલ્વમાં સમસ્યા સર્જાઈ હતી. આ અવકાશયાનમાં ત્રીજી વખત હિલિયમ લીક થયું હતું. એવું લાગે છે કે નાસાએ જાણી જોઈને કોઈ ભેદી પ્રકારનું પરીક્ષણ કરવા માટે સુનિતા વિલિયમ્સ સહિતના બે અવકાશયાત્રીઓની જિંદગીને જોખમમાં મૂકી દીધી છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top