અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) આઘાતજનક ઘટના બની છે. રાજ્યના પોલીસ મહેકમમાં ફરજ બજાવતા આઈપીએસ (IPS) અધિકારીની પત્નીએ આજે શુક્રવારે વહેલી સવારે અમદાવાદના થલતેજ ખાતેના પોતાના ઘરમાં આપઘાત (Suicide) કરી લીધો છે. આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના થલતેજ ખાતે રહેતા આઈપીએસ અધિકારી આર.ટી. સુસરાના પત્ની શાલુ સુસરાએ આજે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ દંપતીએ હજુ એક મહિના પહેલાં જ લગ્નની 31મી વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરી હતી. ત્યારે આજે શાલુબેને એકાએક કેમ અંતિમ પગલું ભર્યું તે કોઈને સમજાતું નથી. આપઘાતનું કારણ હજુ બહાર આવ્યું નથી. બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
શાલુ સુસરા એ આઈપીએસ આર.ટી. સુસરાના પત્ની હતા. હાલમાં સુસરા વલસાડ મરીન સિક્યોરીટીમાં ડીસીપી તરીકે પોસ્ટિંગ હતું. શાલુબેન અમદાવાદના શાલિગ્રામાં પરિવાર સાથે રહેતા હતા. આજે સવારે શાલુબેને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં છે.
રાજન સુસરાની પણ પૂછપરછ થશે
આઈપીએસ અધિકારી રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરીટીમાં ડીસીપી તરીકે ફરજ બજાવે છે. તેમના 47 વર્ષીય પત્ની શાલુ સુસરાના આપઘાતના પગલે સમગ્ર રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં સોંપો પડી ગયો છે. હાલમાં શાલુ સુસરાના ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો બહાર આવશે. આ કેસમાં આઈપીએસ રાજન સુસરાની પણ પૂછપરછ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.