SURAT

ગજવા એ હિંદ પાકિસ્તાનના ગ્રુપમાં ભારત વિરોધી ટીપ્પણીના કેસમાં સુરતના 17 વર્ષના કિશોરની પૂછપરછ

સુરત: શહેરમાં ગત 23મી માર્ચે એનઆઈએ એજન્સીએ સર્ચ કરીને એક વેપારીની પુછપરછ કરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે લખનૌની એનઆઈએની ટીમે સુરતમાં ધામા નાખ્યાં હતા. અને ભાગા તળાવ ખાતેથી એક મોબાઈલના વેપારીના પુત્રની પૂછપરછ કરી હતી.

17 વર્ષનો આ તરૂણ પાકિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એક્ટિવ હોવાની સાથે આતંકી પ્રવૃત્તિઓને સપોર્ટ કરતો હોવાની માહિતીના આધારે તેની કલાકો પુછપરછ થઈ હતી. અને બાદમાં તેના મોબાઈલમાં શંકાસ્પદ સામગ્રીઓ જણાતા તે કબ્જે કરાયો હતો.

ગજવા એ હિંદ નામના ગ્રુપમાં ભારત વિરોધી ટીપ્પણીઓ આવતા લખનૌ એનઆઇએએ સુરતના કિશોર તથા બિહારથી યુવાનની આકરી પૂછપરછ કરી હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન કિશોરનો મોબાઇલ ફોન સીઝ કરીને એનઆઇએ લઇ ગઇ હોવાની વિગત જાણવા મળી છે. હાલમાં કિશોરને ત્યાં મોબાઇલ સિવાય કોઇ વાંધાજનક સાહિત્ય નહી મળ્યુ હોવાની વાત કરવામાં આવી છે.

ગ્રુપમાં પાકિસ્તાનથી ભારતના યુવાનોનો કાફીરો સામે જેહાદ છેડવા માટે ઉશ્કેરવામાં આવતા હતા
એનઆઇએ દ્વારા કિશોરનો મોબાઇલ ફોન સર્ચ કરવામાં આવતા તેમાં આ કિશોરનુ બ્રેઇનવોશ કરવામાં આવતુ હોવાની વિગત જાણવા મળી છે. તેમાં કાફીરોને ઠેકાણે પાડવા તથા ભારતમાં ઇસ્લામ લાદવા માટેની વાતો આ ગ્રુપમાં કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

દરમિયાન ગજવા એ હિંદના આ ગ્રુપમાં સંખ્યાબંધ કિશોરો તથા યુવાનોનુ પાકિસ્તાનથી આકાઓ દ્વારા બ્રેઇનવોશ કરવામાં આવતુ હોવાની વિગત જાણવા મળી છે. આ કિશોર આ બ્રેઇનવોશમાં આવી જતા તેણે ભારત વિરોધી સંખ્યાબંધ ટીપ્પણીઓ કરતા તે લખનૌ એનઆઇએના રડાર પર આવી ગયો હતો. હાલમાંતો કિશોરનો મોબાઇલ ફોનજ સીઝ કરવામાં આવ્યો છે. પોલીસ ટીમે આ કિશોર ચઢવણીમાં આવ્યો હોવાની વાત ઓફ ધ રેકર્ડ કરી છે.

સુરતમાં રવિવારે વહેલી સવારે એનઆઈએની ટીમે સર્ચ ઓપરેશન માટે ધામા નાંખ્યા હતા. જેમાં મોબાઈલના વેપારીનો એક 17 વર્ષનો પુત્ર પાકિસ્તાનના એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હોવાની માહિતી મળતા તેની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.

એસઓજી અને પીસીબી સાથે રાખીને તરૂણની છ કલાક પૂછપરછ થઈ હતી. એનઆઈએની ટીમ વહેલી સવારે 4 વાગે જ આવી પહોંચી હતી. પાકિસ્તાનના ગજવા એ હિંદ ગ્રુપમાં જોડાઈને તે દેશ વિરોધી પ્રવૃત્તિ અંતર્ગત જરૂરી માહિતી પાકિસ્તાન પહોંચાડતી હોવાની એજન્સીને શંકા થઈ હતી.

તરૂણના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ તપાસવામાં આવ્યા હતા. તેના ઇમેલ આઇડી, મોબાઈલના જુદા-જુદા વોટ્સએપ ગ્રુપ સહિતના સોશિયલ મીડિયાના તેના એકાઉન્ટની જીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. આ સગીર કઈ રીતે પાકિસ્તાનના ગ્રુપમાં જોડાયો તે અંગે પૂછપરછ કરાઈ હતી. હાલ તો એનઆઈએને તેના સોશિયલ મિડીયાના અન્ય એકાઉન્ટમાં દેશ વિરોધી કોઈ વસ્તુ મળી ન હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે. પરંતુ તેના મોબાઈલમાં વોટ્સગ્રુપમાં શંકાસ્પદ ચેટીંગ હોવાથી હાલ તેને છોડીને મોબાઈલ કબજે કરાયો છે.

ગત માર્ચ મહિનામાં મુગલીસરામાં પણ એકની પુછપરછ થઈ હતી
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા થોડા મહિના પહેલા દેશવિરોધી એક્ટિવિટી કરનારા એક ગ્રુપની સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પાકિસ્તાનથી ઓપરેટ થતા એક વોટ્સએપ ગ્રુપમાં કેટલાક ભારતના લોકો પણ જોડાયેલા હતા. અને આ ગ્રુપમાં દેશ વિરોધી મેસેજ અને કાર્યો થતા હતા. એનઆઈએ દ્વારા તેની તપાસ શરૂ કરતા ગત માર્ચ મહિનામાં સુરત સુધી તપાસ થઈ હતી. મુગલીસરા ખાતે રહેતા સોહીલ નામના એક યુવકની પુછપરછ કરાઈ હતી. જે આ ગ્રુપનો સભ્ય હતો.

શું આતંકી પ્રવૃત્તિઓ માટે સુરત એપીક સેન્ટર બની રહ્યું છે?
સુરત શહેર આતંકી પ્રવૃત્તિ માટે જાણે ધીમેધીમે એપીક સેન્ટર બની રહ્યું છે તેવું લાગી રહ્યું છે. એક પછી એક આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓની ધરપકડના કિસ્સા સામે આવી રહ્યાં છે. એનઆઈએ હોય કે એટીએસ હોય તેમના દ્વારા જે લોકોને પકડવામાં આવી રહ્યા છે તેમની સાથે સંપર્કમાં અનેક લોકો હોવાની આશંકા છે. પરંતુ મોટા પાયે કાર્યવાહી જોખમી સાબિત થઈ શકે છે. જેને કારણે પોલીસ અને સરકારની ગુપ્ત એજન્સીઓની શહેરના આ તમામ વિસ્તારોમાં નજર છે. ઘણા આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તો ભુગર્ભમાં ઉતરી ગયા છે.

Most Popular

To Top