વડોદરા: આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.જેઓ ગુજરાતમાં મહિલા અને યુવા સંમેલનોમાં હાજરી આપશે તે પૂર્વે શહેર ભાજપ યુવા મોરચામાં આંતરિક વિખવાદ વધતા શહેર ભાજપના નેતાઓમાં ચિંતા વધી છે અને ભાજપ યુવા મોરચાનો આંતરિક અસંતોષ વધુ ન વકરે તે પહેલાં જ ડેમેજ કંટ્રોલની કવાયત પણ શરૂ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. જોકે આંતરિક જૂથવાદ ભાજપના યુવા સંગઠનને નબળું કરી રહ્યું હોવાની ચર્ચાઓએ ભાજપ નેતાઓને દોડતા કરી દીધા છે.
ગુજરાતમાં ભાજપ ચૂંટણી મૂડમાં આવી ગયો છે આગામી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે અને વધુને વધુ યુવાનો ભાજપ તરફે રહે માટે ભરપૂર પ્રયાસો પણ શરૂ કરાયા છે. જે માટે રાજ્યસ્તરે યુવા મિત્ર અભિયાન શરૂ કરાયું છે તેમજ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે ખાસ યુવા સંમેલનમાં હાજરી આપી યુવાનોને આકર્ષવાના પ્રયાસો કરશે. શહેર યુવા ભાજપ મોરચામાં આંતરિક અસંતોષના પરિણામે સંગઠનની તાકાત નબળી પડી રહી હોવાનું પણ મનાય છે. શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સામે વધતા અસંતોષને કારણે યુવા કાર્યકરો અને યુવા આગેવાનો સંગઠનને મજબૂત કરવા પ્રત્યે ઝાઝો રસ બતાવતા નથી. બીજી બાજુ યુવા મોરચામાં વધતા આંતરિક વિખવાદની હવા શહેર ભાજપ સુધી પહોંચી છે.એટલે યુવાન મતદારો પર મદાર રાખતી પાર્ટીના નેતાઓમાં દોડધામ મચી છે. યુવા મોરચાનાં સળગતો ચરું બહાર ન આવે માટે નેતાઓએ અત્યારથી જ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે અલબત્ત યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતની નીતિ રીતિથી નારાજ આગેવાનો હાલ તો જાહેરમાં વિરોધ કરવાનું ટાળી રહ્યા છે પરંતુ આ મુદ્દે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં અંદરખાને ઉકળતો લાવા વિસ્ફોટક સાબિત થાય તો નવાઇ નહીં.
યુવા મિત્ર અભિયાન ભાજપનો વધુ એક તાયફો : કોંગ્રેસ
વડોદરા શહેર યુવા મોરચા દ્વારા પ્રમુખ પાર્થ પુરોહિતની આગેવાનીમાં ચાલતા યુવા મિત્ર અભિયાન સામે કોંગ્રેસ દ્વારા કટાક્ષ સાથે પ્રહારો કરવામાં આવ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ જણાવ્યું હતું કે કોરોના સમયમાં કોંગ્રેસ સતત યુવાનોને રોજગારી મળે તે માટે લડત કરી રહ્યું છે તેવા સમયે ભાજપ યુવા મોરચો યુવાનોની પડખે રહી રોજગારી આપવી કે તેમની મદદ કરવાના બદલે યુવા મિત્ર અભિયાન જેવો તાયફો આદરી બેઠું છે કોરોનાના કારણે હજારો યુવાનો બેરોજગાર છે તેમજ અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા તે પણ હકીકત છે.