SURAT

‘પહેલા ઔદ્યોગિક વિસ્તારમાં સ્માર્ટ મિટર લગાડો’: વીજકંપની સામે લોકોમાં ભભૂકતો રોષ

સુરત: સુરત શહેરમાં વીજકંપનીને સ્માર્ટ મિટરોનાં મુદ્દે પ્રંચડ ઝટકો લાગ્યો છે. વીજકંપનીએ સલૂકાઇથી સામાન્ય માણસોને ટાર્ગેટ કરી મિટર ગોઠવી દીધા હતા. પરંતુ જેમ જેમ દિવસ પસાર થયા તેમ તેમ સ્માર્ટ મિટરની પોલ બહાર આવી છે. સ્માર્ટ મિટરમાં આડેધડ બિલ આવે છે. લોકો રૂપિયા રિચાર્જ કરે કે તરત રૂપિયા હવામાં પીગળી જાય છે. જેને લઇને લોકોને આર્થિક ફટકો પડયો છે.

સામાન્ય લોકોને વીજકંપની જે રીતે પજવણી કરે છે. તે ખરેખર ઇન્ડસ્ટ્રીઝ કે હાઇ ટેન્શન લાઇનવાળા મિટર હોય ત્યાં સ્માર્ટ મિટર લગાડવા જોઇએ. પરંતુ મૂડીપતિઓને સોફટ કાર્નર આપી સામાન્ય લોકોને રંજાડવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

સોલારરુફ ટોપ પેનલ હોય તેમને કઇ રીતે મિટર મળશે તે પણ અસમંજસ
સુરત શહેરમાં વીજ કંપનીએ સ્માર્ટ મિટરની આડમાં ફાસ્ટ ફોરર્વડ મિટર માટે થોપી દેતા લોકો વિરોધ વધી ગયો છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ અથવા જ્યાં હેવી વીજ વપરાશ છે ત્યાં મિટર લગાડવા જોઇએ. તેને બદલે સામાન્ય લોકોના ઘરે સ્માર્ટ મિટર લગાડી ગજવા ખંખેરવાનો ખેલ શરૂ થયો છે. સ્માર્ટ મિટરનો વિરોધ રસ્તા ઉપર આવી ગયો છે.

સુરત શહેરમાં હવે લોકો પણ વીજકંપનીથી પરેશાન છે. એક તરફ વડપ્રધાન મોદી સૌર ઉર્જા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે. તેવા સંજોગોમાં સોલાર પેનેલવાળા ઘરોમાં સ્માર્ટ મિટર કઇ રીતે કામ કરશે તે પણ સ્પષ્ટ થયું નથી. લોકોમાં આ વાતને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સોલાર પેનલ ધારકોને સ્માર્ટ મિટર કઇ રીતે પધરાવવાના છે. તે વીજકંપની ફોડ પાડતી નથી.

સ્માર્ટ મીટરને ‘નો-એન્ટ્રી’, વરાછા વિસ્તારમાં વીજકંપનીનાં કર્મીઓને પ્રવેશબંધી
વરાછા, પુણા વિસ્તારની મોટાભાગની સોસાયટીઓના રહીશોએ બેનર મૂકી સ્માર્ટ મીટર સામે વિરોધ દર્શાવ્યો
રાજ્યભરમાં સ્માર્ટ મીટર માટે વીજકંપનીએ શરૂ કરેલી ઝૂંબેશ સામે જનતાનો પ્રચંડ વિરોધ શરૂ થયો છે. વીજકંપનીના માણસોને ગઇકાલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ભગાડ્યા બાદ હવે વરાછામાં પોસ્ટર વોર શરૂ થયુ છે. વરાછા વિસ્તારની સોસાયટીઓમાં સ્માર્ટ મિટરનો વિરોધ કરતા પોસ્ટરો લાગતા લોકોનો આક્રોશ સતત વધતો જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં 16 લાખ જેટલા ગ્રાહકોનાં કનેકશનમાં સ્માર્ટ મિટર નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ 12 હજાર જેટલા મિટર નાંખ્યા બાદ લોકોનો આક્રોશ સતત વધતો જતો હોવાનું જોવા મળ્યુ છે. શહેરનાં પીપલોદ વિસ્તારથી શરૂ થયેલો વિરોધ હવે સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયાથી વરાછા વિસ્તારની સોસાયટીઓમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

પુણા વિસ્તારની શાંતિનિકેતન સોસાયટી, સરગમ સોસાયટી, દાનગીગેવ સોસાયટી વિ.૧,૨, દિવ્યશક્તિ સોસાયટી, અયોધ્યાનગર સોસાયટી, રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ, સાંઈલીલા એપાર્ટમેન્ટ તેમજ પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવશક્તિ માર્કેટમાં રણુજાધામ સોસાયટી, લક્ષ્મીપાર્ક સોસાયટી, સરદાર કોમ્પલેક્ષ, કેવલધામ એપાર્ટમેન્ટ,રાધાસ્વામી સોસાયટી, શિવશક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓના લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મિટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા કોંગ્રેસનાં સુરેશ સુહાગિયા દ્વારા રોજ બેઠકો બોલાવવામાં આવી રહી છે.

આ સોસાયટીઓમાં રહેતા આગેવાનો પણ સ્માર્ટ મિટરનો વિરોધ કરવા કટીબધ્ધ બન્યા છે અને તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને સુપરત કરવામાં આવશે.

Most Popular

To Top