Comments

સ્ત્રીશકિતના વિકાસ માટે માળખાગત સુવિધાઓ અનિવાર્ય છે

બાળકોને ૧ થી ૧૮ વર્ષની ઉંમર તેના મસ્તિષ્ક અને શરીરના બંધારણીય વિકાસનો સમયગાળો હોય છે, પરંતુ ગરીબીવશાત્ તેઓ અપૂરતા પોષક આહારને પરિણામે શારીરિક અને માનસિક રીતે અવિકસિત રહી જાય છે. આ પરિસ્થિતિમાં શહેરલક્ષી બજારવ્યવસ્થા પૂર્તતા કરે છે અને બને એવું છે કે ગામડાંઓમાં ઉત્પન્ન થતાં દૂધ, શાક, ફળ, તેલીબિયાં જેવા ખાદ્ય પદાર્થો રોજેરોજ શહેરોમાં ખેંચાઈ જાય છે. તેથી ગ્રામ બાળકો પોતાના પર્યાવરણમાં ઉત્પન્ન થતાં પૌષ્ટિક આહારથી મહદ્ અંશે વંચિત રહી જાય છે.

ગામડાનું બાળક શહેરી સમાજનાં બાળકોની સરખામણીમાં નબળું રહી જતુ જોવા મળે છે. વસ્તીના ભારણ સાથે માળખાગત સુવિધાનો અભાવ, સંચાર માધ્યમોના વધતા પ્રભાવ સાથે આમલોકોની ભૌતિક સુવિધા પ્રત્યેની અપેક્ષામાં વધારો, જેવી પરિસ્થિતિ વચ્ચે ગામડાંઓમાં પુરુષવર્ગમાં સ્થિર આવકનાં સાધનો ઘટયા છે અને વ્યસનો વધ્યા છે. પરિણામે સ્ત્રીઓને રોજગાર માટે પોતાના ગામથી દૂરના સ્થળે જવા-આવવાનું બને છે ત્યાં તેઓનું વ્યાપક રીતે જાતીય શોષણ થવાની ફરિયાદો પણ ધ્યાનમાં આવી રહી છે.

સ્થિતિ અંગેની ચર્ચા ભરૂચ જિલ્લામાં ચાર દાયકાથી આરોગ્યક્ષેત્રે કાર્યરત આર્ચ વાહિનીના ડૉક્ટરો સાથે થઈ ત્યારે જાણવા મળ્યું કે આદિવાસી વિસ્તારની બહેનો કેટલીક રૂઢિગત માન્યતાઓને લીધે તેમ જ સ્વાસ્થ્ય અંગેની ખોટી સમજના વિવિધ શારીરિક, માનસિક તક્લીફોથી પીડાય છે. આ પરિસ્થિતિનાં ઉપાય તરીકે બહેનોના સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમોની શરૂઆત નાંદોદ તાલુકાના સૂકા ગામથી કરવામાં આવી. શિબિરમાં ડૉ. દક્ષાબહેન પટેલ તેમ જ તેમના આરોગ્ય કાર્યકરો દૃશ્ય શ્રાવ્ય સાધનો સાથે માર્ગદર્શન આપવા આવ્યાં હતાં. બહેનો આ પ્રકારની શિબિરમાં હાજર રહેશે કે કેમ? તેવી શંકા હતી. પરંતુ આશ્ચર્ય વચ્ચે શિબિરમાં ૮ ગામની ૭૦ બહેનો હાજર રહી. દિવસભર ચાલેલી શિબિરમાં બહેનોએ ઉત્સાહભેર સવાલો પૂછ્યા. પોતાને મૂંઝવતી આરોગ્યલક્ષી સલાહ પણ માંગી. શિબિરના અંતે બહેનોના મોઢે એક વાત હતી કે, ‘આવી માહિતીથી તો અમે સાવ અજાણ જ હતા.’

માળખાગત સુવિધાના અભાવે યુવતીઓ અને બાળકોના વિકાસને અવરોધતી ત્રીજી પરિસ્થિતિ રહેણાક વ્યવસ્થાની દુર્દશા છે. અહીં સર્વેક્ષણની સંકલિત માહિતી જોતાં જણાય છે કે ૧રર કુટુંબ કાચા મકાનમાં રહે છે. પરિણીત કુટુંબો પૈકી ૬૩ પતિપત્ની સૂવા માટે અલગ ઓરડો નથી. ૧૪૮ ઘરોમાં નાહવાની અલગ વ્યવસ્થા (બાથરૂમ) નથી. જયારે ૧૨૭ ઘરમાં જાજરૂ નથી. અંધારિયા ઓરડામાં લાકડાં ફૂંકતી આંખો દઝાડતી અને ઘરોમાં ધુમાડો ભરતી બહેનો ૧૪૬ છે.

વસ્તી નિયંત્રણનો મહિમા મોંઘવારીએ સાંગો-પાંગ સમજાવી દીધો છે. જાતીય જીવન સંબંધે અનેક સાચા-ખોટા ખ્યાલો વચ્ચે પણ યુવતીઓ ૧-૨ પુરુષબાળક અને એકાદ સ્ત્રીબાળકથી શુ વધું સારું નથી તેમ સમજે-જાણે છે. પરંતુ તેની પાસે અટકાવનો ઉપાય નથી. ગામડાંઓમાં પરિણીતોને અલાયદું સૂવાનું ઠેકાણું નથી. આથી તેઓના જીવનમાં અનર્થ વધી રહ્યાનું જણાવે છે. નબળી જમીન, અનિયમિત વરસાદ, મોંઘુ બિયારણ, ખાતર, ખેતની દવા અને ક્લાકના રૂ.૧૪ થી ૩રના ભાવે વહેંચાતું ખેતીનું પાણી જેવા પ્રશ્નોના કારણે હવે બિનસિંચાઈ વિસ્તારોમાં ખેતી, શાક-રોટલાના સાધન પૂરતી મર્યાદિત રહી છે. આથી ના છૂટકે બહેનોને પણ ઘરખર્ચ કમાવામાં ભાગીદાર થવું પડે છે.

અભ્યાસના વિસ્તારની જાતતપાસ અનુસાર ૯૦ યુવતીઓ પોતાની ખેતીમાં કામ કરીને મહિને અંદાજિત રૂ.૩૫૦૦થી ૪૫૦૦ની મદદ કરે છે. જ્યારે ૬૯ બહેનો મજૂર તરીકે બીજાનાં ખેતરોમાં શ્રમફાળો આપે છે અને મહિને ૫૦૦૦ સુધી આવક મેળવે છે. ઘરકામ ઉપરાંત આર્થિક બોજ સહન કરતી આ બહેનો પૈકીની ૮૦ ટકા બહેનો પોતાની આવક સંપૂર્ણપણે ઘર અને બાળકો માટે વાપરે છે. ગ્રામબહેનોમાં તમાકુ-બીડી જેવાાં વ્યસનનું પ્રમાણ માત્ર ૧૯ ટકા જોવા મળે છે. આદિવાસી વિસ્તારમાં રહેવા છતાં યુવતીઓમાં દારૂનું વ્યસન નોંધાયું નથી. ગામડાંઓની બહેનોમાં સચવાઈ રહેલ સંસ્કાર ધ્યાાન ખેંચે છે.

આર્થિક ખેંચવશાત્ મજૂર તરીકે પોતાના શ્રમને વેચતી યુવતીઓ જાતીય શોષણનો ભોગ બને છે જેની વિગતો નજીકના આરોગ્યકેન્દ્ર પરથી મળતા ગર્ભપાતના આંકડા ઉપરથી જણાય છે. ઉપરાંત ગામડાંઓ જાતીય રોગોનું પ્રમાણ વધી રહ્યાનું પણ જોવા મળે છે. આવી સ્થિતિના નિવારણ માટે ખેતીમાં સિંચાઈની સુવિધા, ખેતીમાં પેસ્ટિસાઈડના ખાતરના અસરકારક ઉપયોગ અંગે તાલીમ કપાસ, તુવેરની સાંઠીમાંથી બદામી કોલસા પ્રકારના ખેત આધારિત પૂરક વ્યવસાયની તાલીમ ગ્રામીણ બહેનોના શોષણને અટકાવનાર બનશે તેમ જણાય છે. સવિશેષ શ્રમિક સ્ત્રીની આર્થિક લાચારીનું શોષણ થતું અટકશે.

સ્ત્રીઓના અસ્તિત્વ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલ બાબત તેની રી-પ્રોડક્ટિવીટી છે. પરંતુ પુરુષપ્રધાન સામાજિક રૂઢિગતતા અને ગામડાંઓના અનિશ્ચિત વાતાવરણને કારણે ૧૮ થી ૨૧ વર્ષની ઉંમર દરમિયાન ૩૦ ટકા યુવતીઓનાં લગ્ન કરાવી દેવામાં આવે છે અને ૨૫ વર્ષ પછી તો ભાગ્યે જ કોઈ યુવતી લગ્ન વિના રહી જાય છે. ગામડાંઓમાં લગ્ન બાદ પહેલે જ વર્ષે પ્રસૂતા બનતી યુવતીઓની સંખ્યા ૧૯ ટકાથી વધુ છે. અપરિપક્વ ઉંમરે માતા બનતી યુવતીઓમાં બાળમૃત્યુનું પ્રમાણ ૨૩ ટકા છે અને લગ્નોત્તર પ્રમાણ જાતીય બીમારીનું પ્રમાણ પ૩ ટકા નોંધાયું છે. અભ્યાસની માત્ર ૧૩ ટકા બહેનો સ્વાસ્થ્ય અંગેનાં ધોરણો મુજબ તંદુરસ્ત જણાઈ છે.

કુટુંબ નિયોજનની ઈચ્છા હોવા છતાં ર૧ ટકા બહેનો ૩૦-૩૨ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં ૪થી ૬ બાળકોનો ભાર સહન કરતી અબળા બની રહે છે. ઉપાયે શિોરી અવસ્થામાં જ સ્ત્રી-શરીરની જાણકારી, કુટુંબ નિયોજનનાં સાધનોના ઉપયોગની માહિતી, આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રી ડૉકટરની સુવિધા આપવાની આવશ્યકતા રહે છે. નર્મદાબંધના અસરગ્રસ્તોની ૮ વસાહતોનો મર્યાદિત અભ્યાસ સમગ્રતાનું પ્રતિબિંબ બને છે ત્યારે સ્વાસ્થ્ય કે વિકાસ સંબંધે માત્ર જાગૃતિ કેળવી અટકી ન જતાં બહેનો અને બાળકોના સ્વાસ્થ્ય માટે માળખાગત સુવિધા પણ આપીએ તે જરૂરી બને છે, નવી સમાજરચનામાં બહેનોની જરૂરિયાતોને અનુરૂપ માળખાગત કામો ગોઠવાય તે પણ સમયનો પડકાર બને છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top