Gujarat

ઓખા નજીક મધદરિયે 300 કરોડનું ડ્રગ્સ-શસ્ત્રો સાથે 10 પાકિસ્તાની માછીમારની ધરપકડ

ગાંધીનગર: ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) તથા એટીએસ (ATS) દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ઓખા પાસે મધદરિયેથી એક પાક બોટ (Boat) ઝડપીને તેમાંથી 300 કરોડનું 40 કિલો ડ્રગ્સ (Drugs) તથા શસ્ત્રો (Weapons) પણ જપ્ત કરી લેવાયાં છે. જ્યારે બોટમાંથી 10 પાકિસ્તાની માછીમારની (Pakistani Fisherman) પણ ધરપકડ કરી લેવાઈ છે. ડ્રગ્સની આડમાં શસ્ત્રોની હેરાફેરી ચાલી રહી હોય તેવો આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડ તથા એટીએસને અગાઉથી ગુપ્ત માહિતી મળી હતી.જેના પગલે અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરાયું હતું,જેમાં આંતરરાષ્ટ્રીય જળ સીમાની અંદર પાક બોટ અલ સોહેલી ઘૂસી ગઈ હતી. જેના પગલે આ બોટનો ભારતીય કોસ્ટ ગાર્ડની બોટ દ્વારા પીછો કર્યો હતો.

40 કિલો હેરોઈન મળી આવતાં તે જપ્ત કરી લેવાયું હતું
જેના પગલે આ પાક બોટ છટકી જવા માટે નાસી છૂટી હતી. તેને પકડી લેવા માટે કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા મધદરિયે ગોળીબાર પણ કરાયો હતો. તે પછી તેને પકડી લેવાઈ હતી. બોટની અંદર તપાસ કરતાં તેમાંથી 300 કરોડનું 40 કિલો હેરોઈન મળી આવતાં તે જપ્ત કરી લેવાયું હતું. જ્યારે બોટની અંદરથી વધુ તપાસ દરમિયાન શસ્ત્રો તથા કારતૂસ સહિતનો શસ્ત્ર સરંજામ મળી આવ્યો હતો. એટીએસ દ્વારા 10 પાક માછીમારની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ શરૂ કરાઈ છે.

હવે 31મી ડિસેમ્બરે પોલીસ ડ્રગ્સ એનાલાઈઝરનો ઉપયોગ કરશે
ગાંધીનગર: રાજ્ય પોલીસ દ્વારા પહેલા દારૂના નશામાં વ્યક્તિ છે કે નહીં ? તે ચકાસવા માટે બ્રીથ એનાલાઈઝરનો ઉપયોગ કરાતો હતો. હવે યુવકો જ ડ્રગ્સના નશામાં છે કે નહીં તે ચકાસવા માટે ડ્રગ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવનાર છે.
હાલમાં પોલીસ જવાનોને આ ડ્રગ એનાલાઈઝરની કિટ મળી ગઈ છે. તેની તાલીમ ચાલી રહી છે. આગામી તા.31 ડિસે.ના રોજ રાત્રે તેનો પોલીસ દ્વારા ઉપયોગ કરાશે. 31મી ડિસેમ્બરે ક્લબ, હાઈવે, હોટેલ કે રિસોર્ટમાં પોલીસ દ્વારા આ ડ્રગ એનાલાઈઝરનો ઉપયોગ કરાશે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, શરૂઆતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં મોટાં શહેરોમાં આ ડ્રગ એનાલાઈઝરનો ઉપયોગ કરાશે. રાજ્ય સરકારે 50 લાખના ખર્ચ દ્વારા આ આધુનિક સાધનો વસાવ્યાં છે.

Most Popular

To Top