લખનૌના અટલ બિહારી ગ્રાઉન્ડમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. ભારત માટે રોહિત શર્માએ કેપ્ટનશીપની ઇનિંગ રમી અને 87 રન બનાવ્યા જ્યારે સૂર્યકુમાર યાદવે 49 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં ઓલઆઉટ થઈ શકી નથી.
રોહિત શર્મા (Rohit sharma) 101 બોલમાં 87 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલી વાર વર્લ્ડકપમાં શૂન્ય પર આઉટ થયો હતો. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા છે. રોહિતે આ ઇનિંગમાં ત્રણ સિક્સર ફટકારી હતી. તે આ વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નરને પાછળ છોડી વધુ 20 સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ બન્યો છે.
રોહિત પહેલાં કેએલ રાહુલ 39 રન બનાવી અને કોહલી શૂન્ય પર આઉટ થયા હતા. બંનેને ડેવિડ વિલીએ પેવેલિયન પરત મોકલ્યા હતા. ક્રિસ વોક્સે શ્રેયસ અય્યર અને શુભમન ગિલની વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા 8 રન બનાવીને આઉટ થયો હતો. તેને આદિલ રશીદે LBW આઉટ કર્યો હતો. માર્ક વુડે મોહમ્મદ શમીને આઉટ કર્યો હતો. 183ના સ્કોર પર ભારતને સાતમો ફટકો પડ્યો હતો. માર્ક વુડે મોહમ્મદ શમીને જોસ બટલરના હાથે કેચ કરાવ્યો હતો. તે એક રન બનાવી શક્યો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યા હતા. 42 ઓવર પછી ભારતનો સ્કોર સાત વિકેટે 183 રન હતો.
ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે વર્તમાન વર્લ્ડ કપમાં પાંચ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. બીજી તરફ ઇંગ્લેન્ડે છેલ્લી વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી પરંતુ ટીમ તેના છેલ્લી વખતના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નથી. વર્તમાન વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે 5 મેચ રમી છે જેમાંથી 4માં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.