રાજકોટ(Rajkot): લાંબા સમય બાદ આજે તા. 27 ફેબ્રુઆરીની વહેલી સવારે રાજ્યના આવકવેરા વિભાગે (IncomeTax) રાજકોટના મોટા ઉદ્યોગ જૂથ પર દરોડાની (Raid) કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટમાં એકસાથે 15થી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી હોવાની વિગતો સાંપડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ગુજરાત આવકવેરા વિભાગે રાજકોટમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. રાજકોટના મોટા ગજાના ઉદ્યોગ જૂથ પર આવકવેરા વિભાગે સકંજો કસ્યો છે. બેનામી વ્યવહારોને શોધી કાઢવા માટે આવકવેરાના અધિકારીઓએ 15થી વધુ સ્થળો પર એકસાથે રેઈડ કરી છે. આ દરોડા કાર્યવાહીમાં 60થી વધુ અધિકારીઓ જોડાયેલા હોવાની માહિતી પણ મળી છે.
વહેલી સવારથી ITના અધિકારીઓ રાજકોટના ખ્યાતનામ ગ્રુપો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઓરબિટ બેરિંગ (Orbit bearing) ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા 15 સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. દરોડા કાર્યવાહીના અંતે આ ઉદ્યોગ જુથ પાસેથી મોટા પ્રમાણમાં બેનામી સંપતિ મળી આવે તેવી તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે મહિનાથી રાજ્યનું આવકવેરા વિભાગ સક્રિય થયું છે. નાણાંકીય વર્ષ પૂર્ણ થવાના આડે છે ત્યારે આઈટી ડિપાર્ટમેન્ટે રાજકોટ, ખેડા, આણંદ, વડોદરા જિલ્લામાં અનેક સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. આ અગાઉ જાન્યુઆરીમાં ખેડા અને આણંદ જિલ્લામાં આવકવેરા વિભાગે મોટા પાયે દરોડા પાડ્યા હતા. નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ વડોદરામાં જોય-ઈ બાઈક બનાવતી પ્રખ્યાત ટુ -વ્હીલર કંપની વોર્ડ વિઝાર્ડમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા ટીમે કંપનીના મુખ્ય પ્રોડક્શન પ્લાન્ટ સહિત કંપનીના CMDના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.