રાજકોટ: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે અનેક સ્થળોએ હવામાં ભેજ વધી જતા ધુમ્મસ છવાયું હતું. આ સાથે અમુક સ્થળોએ ઠંડો પવન પણ ફુંકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ દરમ્યાન ઠંડી સાવ નહીવત થઇ ગઇ હતી અને સવારે માત્ર ગુલાબી ઠંડી તથા બપોરે ગરમી અનુભવાતી હતી.
દરમિયાન આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને અનેક સ્થળોએ સવારે ધુમ્મસ સાથે ઠંડો પવન પણ ફુંકાયો હતો. ખંભાળીયા પંથકમાં સવારે વધુ એક વખત ગાઢ ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું હતું.
વહેલી સવારે આશરે સાડા પાંચેક વાગ્યાથી આકાશમાંથી અતી ઘેરી ધુમ્મસ જમીન પર ઉતરી આવી હતી. આ ઘેરી ઝાંકળના કારણે ખાસ કરીને વાહનચાલકોએ ભારે હાલાકી અનુભવી હતી. સવારના સમયે દસેક ફુટ દુર પણ જોઇ શકાતું નહોતું. આ ઝાંકળના કારણે સવારના સમયે નોંધપાત્ર ઠંડીનો અનુભવ પણ લોકોએ કર્યો હતો.
સવારે નવેક વાગ્યા સુધી રહેલી આ ઝાંકળના લીધે સુર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા. શિયાળાની ઋતુની વિદાયની પણ ઘડીઓ ગણાય રહી છે ત્યારે આજે અમરેલી શહેરમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છાવાઇ જતા વાહન ચાલકો તથા મોર્નીંગ વોકમાં નીકળેલા લોકોને મુશ્કેલી પડી હતી.
સામાન્ય રીતે શીયાળાનાં આગમન સમયે દેખા દેતી ઝાંકળ શિયાળાનાં દિવસો દરમિયાન અવાર નવાર જોવા મળે છે તેવા સમયે જ ધુમ્મસનાં કારણે લોકોમાં આશ્ર્ચર્ય ફેલાવ્યુ હતું. વહેલી સવારે ગાઢ ઝાંકળ વર્ષાના કારણે ઘઉં, ચણાના પાકને ફાયદો પણ થતો હોવાનું જાણવા મળેલ છે.
આજે સવારે રાજકોટ, કેશોદ, ઓખા-ભુજ-દીવ-નલીયા-સુરેન્દ્રનગર, કંડલા, મહુવા સહીતનાં સ્થળોએ હવામાં ભેજ 90 ટકા આસાપાસ નોંધાતા ધુમ્મસ છવાયું હતું. જયારે આજે સવારે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડી સામાન્ય રહેવા પામી હતી. એક માત્ર નલીયા 9 ડીગ્રી સાથે ઠંડુ રહયું હતું.