કપડવંજ તા.3
ખેડા જિલ્લામાં કપડવંજ અને કઠલાલ પંથકમાં આવેલા કમોસમી વરસાદ માવઠાના કારણે ઉભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે. માવઠાથી વિપરીત અસરો થવાથી વાત્રકકાંઠા વિસ્તારમાં ખેડુતોને પારાવાર પરેશાનીઓ સાથે મોટું આર્થિક નુકશાન થવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
વાત્રક પંથકમાં માવઠાથી થયેલા નુકસાનની પરિસ્થિતિ બાબતે પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહ સોલંકીના જણાવ્યા મુજબ શનિવારે સાંજના અચાનક આવેલા માવઠાના કારણે વિવિધ રવિ પાક પર વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.મોટાભાગના રવિપાકની ઉપજ તૈયાર જ હતી ત્યારે કમોસમી વરસાદ ગાજ વીજ અને ભારે પવનને કારણે મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક નષ્ટ થઈ ગયો હોય તેવી હાલત થયેલ છે. આ અંગે રવદાવત ગામના ફતેસિંહ ઝાલાના જણાવ્યા મુજબ પંથકના વાત્રકકાંઠા વિસ્તારમાં તૈયાર થયેલ વિવિધ રવિ પાક જેમાં ખાસ કરીને ઘઉંના પાક પર વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉપજ મેળવવા માટે જ્યારે ઘઉં કાપવાનો સમય થઈ ગયો હતો તેમ જ કોઈ જગ્યાએ ઘઉંની કાપણી પણ કરવામાં આવી હતી. ત્યારે શનિવારે સમી સાંજે ગાજવીજ સાથે થયેલા માવઠા તેમજ હળવા વાવાઝોડાને કારણે ઘઉંનો પાક જમીનદોસ્ત થયો હતો. જેથી કરીને પંથકના ધરતીપુત્રોમા ચિંતા વ્યાપી જવા પામી છે. રવિ પાક માટે ખેડૂતોએ મોઘા બિયારણ, ધરૂ અને ખાતરોનો ખર્ચ કરીને પાક ઉત્પાદન માટે મોટી આશા રાખી હતી. પરંતુ નાણાંનું રોકાણ થયા બાદ માવઠાની પરિસ્થિતિને કારણે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકશાન વેઠવું પડે તેવી સ્થિતિ પરિણમી છે. માવઠાના કારણે ખેડૂતો પર પડતાં પર પાટુ હોય એવી પરિસ્થિતિ માવઠાના કારણે થયેલી છે.. માવઠાના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાથી ઘઉંનો પાક બિલકુલ નષ્ટ થઈ ગયો હોવાનું પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું.
વાત્રક પંથકમાં માવઠાથી ઉભો પાક નષ્ટ
By
Posted on