ગાંધીનગર: ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ હવે ગુજરાત સરકાર દારૂબંધીના નિયમોને કેટલાંક શહેરોમાં છૂટછાટ આપવાનું વિચારી રહી છે. ખાસ કરીને વિશ્વભરના ઉદ્યોગકારો ગુજરાતમાં વેપાર સંદર્ભે આવી રહ્યાં હોય અને ગુજરાત સરકાર પણ રાજ્યમાં ઉદ્યોગોને વેગ આપવા માંગતી હોય કેટલાક ઠેકાણે દારૂબંધી હટાવી લેવા અંગે વિચારણા શરૂ થઈ છે. આ અંગેના પ્રસ્તાવ પણ સરકારમાં રજૂ કરી દેવાયા છે, અને આગામી વાઈબ્રન્ટ સમિટમાં જ તે અંગે નિર્ણય લઈ લેવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
અહીં ગુજરાતના ગાંધીનગર નજીક આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટીની (Gift city) વાત થઈ રહી છે. અહીં નેશનલ-ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ કંપનીઓ મોટા પ્રમાણમાં બિઝનેસ અર્થે આવી રહી છે ત્યારે રાજ્ય બહારના કર્મચારીઓ તેમજ મહેમાનોને સરળતાથી દારૂ મળી રહે તે માટે (liquor permission ) વ્યવસ્થા ગોઠવવા વિચારણા શરૂ થઈ છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે દારૂ પરના પ્રતિબંધો હળવા કરવા પાછળનો હેતું ગિફ્ટ સિટીમાં “ઇવનિંગ સોશિયલ લાઇફ” (Evening Social Life) માટેનું વાતાવરણ ઉભું કરવાનો છે. કેન્દ્ર સરકાર ગિફ્ટ સિટીની કલ્પના ગ્લોબલ ફિનટેક વર્લ્ડના ગેટવે તરીકે કરે છે અને દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર પણ અહીં સ્થાપવામાં આવ્યું છે ત્યારે દારુબંધી હળવી કરવાનું પણ દબાણ છે.
આ કાયદા હેઠળ છૂટછાટ આપવામાં આવશે
ગિફ્ટ મેનેજમેન્ટે ગિફ્ટ સિટીના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિસ્તારમાં દારૂબંધી હળવી કરવા માટે પ્રોહિબિશન એન્ડ એકસાઇઝના સુપ્રિટેન્ડન્ટને ગયા સપ્ટેમ્બર મહિનામાં જ પત્ર લખવામાં આવ્યો હતો. ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 139 (1) (c), 146 (b), અને 147 હેઠળ આ છૂટછાટની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં દારૂબંધી હટાવી લેવા હાઈકોર્ટમાં અરજીઓ થઈ છે
તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2021માં ગુજરાત હાઈકોર્ટે દારૂબંધી હટાવી લેવા સંદર્ભની કેટલીક અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. રાજ્ય સરકારના વિરોધ છતાં હાઈકોર્ટે આ અરજીઓ ટકી શકે તેવી ગણાવી હતી. આ તમામ અરજીઓ વર્ષ 2019માં હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. અરજીકર્તાઓ દ્વારા દારૂબંધીની કેટલીક જોગવાઈઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. અરજદારોએ તેમની પ્રાઈવેસીના અધિકારીને ઉદ્દેશીને ખાનગી સ્થળો પર દારૂ પીવાની પરવાનગી આપવા માગ કરી હતી.