ઉનાળાના ધોમધખતા તાપમાં ઘરનું માટલાનું પાણી પ્યાસ બુઝાવે છે. ઠંડક અને સંતુષ્ટીનો અનુભવ કરાવે છે. જુની પેઢીનાં લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. જયારે નવી પેઢીનાં યુવકો અને યુવતીઓ ફ્રીઝનું પાણી પીવાનું પસંદ કરે છે. માટલાનાં પાણી કરતાં ફ્રીઝના પાણીના બાટલા મોઢે લગાડે છે.એથી પ્યાસ બુઝાતી નથી બલ્કે ઘડી ઘડી પ્યાસ લાગે છે. ઘડીભર ઠંડક લાગે ખરી પરંતુ એ છેતરામણી હોય છે. ફ્રીઝનાં પાણીથી મોડે મોડે શરદી ખાંસી થાય છે. ખેર, હજુ આજે પણ આ શહેર છોડીને દૂર દૂર સુધી રહેવા ગયેલાં સુરતીલાલાઓ ટાવર પાસે આવેલા પોલીસ ચોકીની નજીક કુંભારવાડાનાં માટલાં સીઝનમાં ખરીદવા માટે અવશ્ય આવે છે.
એ માટલાની ઠંડક બે ત્રણ સીઝન સુધી અકબંધ રહે છે. અમારા આ વિસ્તારમાં ઘરેઘર કુંભારવાડામાં માટલાં ઘડવાનું કામ નિરંતર ચાલતું રહે છે.આ એક ગૃહ ઉદ્યોગ છે. ઘર આંગણે પુરુષ અને મહિલા માટલાં ઘડતાં રહે, ગીત ગાતાં રહે. પછી આ બધું બચપનથી જોયેલું છે.એની પણ મજા કાંઇ ઓર છે. અહીં માટલાં વ્યાજબી ભાવમાં લાંબો સમય ચાલે એટલાં ટકાઉ હોય છે. ઘરે આવનારાં મહેમાન માટલાનાં પાણી પીવાનો આગ્રહ રાખે છે. ઠંડાં પીણાં ઠંડા પાણી કરતાં માટલાનું પાણી તંદુરસ્તી માટે સારું, વહેલી સવારે ભરેલું પાણી બે કલાકમાં ઠંડી થઇ જાય છે. એની ઠંડક લાંબો સમય સુધી રહે છે. પાણી ભરતી વખતે માટલાને બરોબર પાણીથી ચોખ્ખું રાખવું, પછી એના પર એક સાફ સુથરું કપડું વીંટાળી રાખવું જરૂરી છે.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
