અમદાવાદ નજીકના કણભા ખાતે રૂપિયાની લેતીદેતીમાં સાવકી માતાએ પુત્રની હત્યા કરી મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો. આ અગાઉ તેણે પોતાના સગા દીકરાની પણ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ નજીકના કણભા પોલીસ સ્ટેશનમાં હાર્દિક રજનીકાંત પટેલ નામનો યુવક ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ થઇ હતી. બીજી તરફ ગઈકાલે નજીકના વિસ્તારમાંથી જ કોથળામાં લપેટાયેલી વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે લાશના ગુનાનો ભેદ ઉકેલી હત્યા કરનાર સાવકી માતા ગૌરી પટેલની ધરપકડ કરી હતી.આરોપી ગૌરી પટેલની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે ગૌરીએ નાસિકથી તેના ત્રણ મિત્રોને બોલાવીને પોતાના સાવકા પુત્રની હત્યા કરી એક કોથળામાં લાશને બાંધીને અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી.
માતા પુત્રના નામે સંબંધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતી હતી, જેની જાણ થતાં પુત્રએ ઠપકો આપ્યો હતો
વધુ તપાસમાં રજનીભાઇ પટેલને બે પુત્રો હતા, આ પુત્રોને સાચવવા માટે રજનીભાઈએ ગૌરી સાથે લગ્ન કર્યા હતા. થોડાક મહિનાઓ પહેલા રજનીભાઈનું મૃત્યુ થયું હતું અને ગૌરી તથા બે પુત્રો સાથે રહેતા હતા.ત્યારબાદ ગૌરીએ સંબંધીઓ પાસેથી એમ કહીને પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું કે હાર્દિકને રૂપિયા જોઈએ છે. જોકે આ વાતની જાણ હાર્દિકને થતા તેની સાવકી માતા ગૌરીને ઠપકો આપ્યો હતો, અને આ રીતે પૈસા ન ઉઘરાવવા કહ્યું હતું.
માતા પુત્રની હત્યા કરી લાશ પાસે ચાર કલાક સુધી બેસી રહી
બીજી તરફ ગૌરીએ હાર્દિકની હત્યાનો પ્લાન બનાવી નાસિકમાં રહેતા તેના મિત્રોને બોલાવી ષડયંત્ર રચી બપોરના સમયે હાર્દિકનું ગળી દબાવી મોતને ઘાટ ઉતારી લાશને કોથળામાં બાંધી અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. ગૌરીએ હાર્દિકની હત્યા કર્યા બાદ રાત પડવાની રાહ જોતા લાશની સાથે ચાર કલાક જેટલો સમય સુધી બેસી રહી હતી. પોલીસે આરોપી ગૌરી પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.