Comments

ભર વરસાદમાં કોંગ્રેસે પંજાબની ઝુંપડીમાં આગ લગાવી

ભાજપ ગમે એટલા લોચા મારે, નાલાયકીનું પ્રદર્શન કરે તો પણ આ સ્પર્ધામાં ગાંધી કુટુંબથી આગળ નહીં નીકળે શકે. કોઇ લાયકાત વગરના (માત્ર વિદેશી ગોરી ત્વચા એ જ લાયકાત) એક કુટુંબના ગુલામ બની જવા માટે કોંગ્રેસ સદસ્યો કેવું ફીલ કરતા હશે તેનું કુતુહલ આ લખનારના માનસમાં સતત સળવળતું રહે છે. દિમાગ અને જિંદગી ભાડે રાખી દેવાં તે આનું નામ. કોંગ્રેસીઓએ રોમ (અથવા નવી રોમન પેઢી) માટે એ રામને તિલાંજલિ આપી, જે રામ પ્રત્યેની ભાવના એ ગળથૂંથીમાં લઇને જન્મ્યા હતા. કપિલ સિબ્બલે સોનિયા ખૂશ થાય તે માટે સુપ્રિમ કોર્ટમાં કહ્યું હતું કે ભારતમાં રામ થઇ ગયા તેના કોઇ પુરાવા નથી. સિબલે રાજકુમાર રાહુલ ગાંધીને ગલગલિયાં થાય તે માટે કહ્યું હતું કે, ‘જે રીતે હુમાયુનો અકબર અને અકબરનો જહાંગીર, જહાંગીરનો શાહજહાં તેમ નેહરુ, ઇન્દિરા, રાજીવ, સોનિયા અને રાહુલ છે. દિલ્હીમાં તો વારસદારો રાજ કરી રહ્યા છે તેમાં શી મોટી વાત છે?’

આમ કહીને કપિલ સિબલ રાહુલને શાસનના વારસદાર તરીકે રાહુલને લાયક ઠેરવવા માગતા હતા. કપિલ સિબલે એવાં કૃત્યો કર્યાં જેમાં એમણે વ્યકિતગત બુધ્ધિમતાની ઊંચાઇ, આબરૂની પરવા ન કરી. એ જ કપિલ સિબલના નિવાસસ્થાને ગાંધી કુટુંબે ભાડોત્રી સભ્યો મોકલ્યાં. સિબલને ગદ્દાર ગણાવી દેશ છોડી ભાગી જવા જણાવતાં સૂત્રો પોકારાવ્યાં. આ છે આ દેશના ‘મહાન કુટુંબ’ની હેસિયત અને ગરિમા, ગુણવત્તા. કપિલ અને કોંગ્રેસના નેતાઓ માટે આખરે બહુ થયું કહેવાય. રાહુલ અને સોનિયાના ‘એ ગાય કહેવાય’ સંવાદની જાહેરખબરથી ગુસ્સે ભરાઇને કોંગ્રેસીઓએ હજી હમણા જ એ કંપનીની અંધેરી, મુંબઇ ખાતેની ઓફીસ તોડી ફોડી નાખી.

રાહુલ ગાંધી અને એમનું રજવાડી કુટુંબ આ દેશમાં કયારેક મજબૂત વિપક્ષ નહીં બને શકે. કુકર્મોના આરોપ મઢે છે એ તમામ કુકર્મોની રાહુલના કુટુંબે અગાઉ ચરમસીમાઓ લાંઘી છે. એ કહે છે ભાજપમાં લોકશાહી નથી. કયો નાગરિક આ રાજકુમારની વાત માનશે જે  માત્ર એક ખાસ કૂખે જન્મ્યો, અને ઢગો હોવા છતાં દેશનો નેતા બન્યો છે. ભ્રષ્ટાચાર કે વહીવટ વિશે રાહુલને કશો બોલવાનો અધિકાર નથી. તો એ મજબૂત નેતા કેવી રીતે બની શકે? દેશ માટેની કોઇ ભાવના એના વર્તનમાં દેખાય છે? સંસદમાં મહત્ત્વની ચર્ચા ચાલતી હતી ત્યારે બાબો મોબાઇલમાં મોં ઘાલીને બહારની દુનિયામાં ગુલતાન હતો.

રાજમાતાએ હાથ અડાડી સરખા રહેવા કહ્યું, પણ માને તો રાજકુમાર શેનો? દેશ સંકટમાં હોય ત્યારે રાજકુમાર વિદેશોમાં શિકારે જતા રહે છે. તે પણ બબ્બે મહીના માટે? ત્યાં શું શિકાર કરતા હશે? રોમ જાણે! હવામાન અનુકૂળ બને ત્યારે વરસાદી જીવ જનોઇ ઘાલીને, ભારદ્વાજ બનીને આવી જાય છે. આવા ભવાયાને મોટો ભવાયો નવજોત સિધ્ધુ પસંદ પડે તે સ્વાભાવિક છે. ભાષાની મર્યાદામાં રહીને કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું છે કે ભાઇ-બહેનને કોઇ અનુભવ નથી. એ કહેવા માગે છે કે બેઉ બુધ્ધિના બામ છે અને માએ કશું શિખડાવ્યું નથી.

આ બેન-ભાઇએ એવું તે દેશ માટે શું ન્યોચ્છાવર કર્યું છે કે દેશના ભવિષ્યનો નિર્ણય લેવાનો એકાધિકાર તેઓના હાથમાં હોય? પોતાની આવક માટે પણ શું કોઇ ઢંગનું કામ કર્યું છે? હમણા શરીરે સિધ્ધુ નામની ખાજવણી ઘસી તો ખંજવાળ, ચળ તો ઊપડવાની જ હતી. પ્રિયન્કાએ હિમાચલ પ્રદેશમાં, તમામ નિયમોને બોફોર્સના ગોળાથી ઊડાવીને જંગલમાં એક વિશાળ રાજમહેલ બંધાવ્યો છે. પંજાબની ખૂજલીમાંથી બહાર  નીકળવા અને શાંતિ મેળવવા આખરે એ ફલકનુમા પેલેસમાં રજવાડાએ જવું પડયું હતું. સત્તામાં રહેવાથી આવા બધા લાભો મળે છે.

અબજોની દોલત પર પલાંઠી મારીને બેસી શકાય છે. માટે તેઓને સત્તા ટકાવવી છે. બાકી દેશભકિત, ભ્રષ્ટાચાર, લોકશાહી, ધર્મનિરપેક્ષતા વગેરે મુદ્દા ધારણ કરવા પડે છે એ તો મજબૂરી છે. મુખ્ય ધર્મ છે સત્તા અને સંપત્તિ. તે માટે એ જનોઇ પહેરશે, ટોપી પહેરશે, કિસાન બનશે અને જરૂરી હોય તો  દેશદ્રોહી બનશે. ભારત તેરે ટુકડે હોંગેના નારા બોલાવતા કનૈયા કુમારને કોંગ્રેસમાં આશ્રય આપશે. બાટલા હાઉસમાં વીર પોલીસ ઓફીસરની શહાદતની ટીકા કરી ત્રાસવાદીઓ માટે આંસુ સારશે. એ આસુનાં ટીપાંઓ દિગ્વિજય સિંહ બજારમાં સેલ્સમેનની માફક ઊભો રહીને વેચશે.

રાજમાતા કે તારાજમાતા સોનિયા આ નિમ્ન પ્રકારની છેતરપીંડી સમજવામાં દેશને વાર નથી લાગી પણ કોંગ્રેસીઓ બિચારા સલવાઇ પડયા હતા. ઘણા સમયથી તેઓ આ મુર્ખ શિરોમણીની ધોંસરીમાંથી બહાર નીકળવા તલપાપડ થયા છે. તેઓએ જી-23 નામનું 23 કોંગ્રેસી નેતાઓનું જૂથ રચીને કોંગ્રેસમાં આંતરિક લોકશાહી અને અન્ય સુધારો આણવા રાજમાતાને પત્ર લખી વિનંતી કરી હતી. આવી ગુસ્તાખી ‘લોકશાહી’માં કેવી રીતે ચાલે? તે બધાની મહીનાઓથી ખરી વલે કરાઇ રહી છે. યુપીમાં જીતેન પ્રસાદ કોંગ્રેસમાંથી નીકળી ભાજપમાં જોડાઇ ગયા. હવે આને જી-22 ગ્રુપ કહેવામાં પણ હકીકતદોષ થશે. કોંગ્રેસમાંથી ઘણા છટકી જઇ શકે છે.

બીજે કયાંક જગ્યા મળે, જયોતિરાવ સિંધિયાની માફક, તેની રાહમાં છે. કોંગ્રેસને વધુ પછાડીને અધમૂઇ કરે તેવા નવજોત, કનૈયાકુમાર વગેરે નવા પ્રતિભાવંતો આવતા જશે. ભાજપ હવે કોંગ્રેસ સામે નીચે પડવાની હરિફાઇમાં કેવી રીતે ટકી શકે? આ તો પ્રહસન માટે લખ્યું છે. બાકી અમુક ટીકાઓ અને પરિણામો બાદ ભાજપ વધુ સંવેદનશીલ બન્યો છે અને ગંભીર રીતે કામ પર લાગી ગયો છે. માળખાકીય બાંધકામોના અનેક મહત્વનાં કાર્યો, પ્રોજેક્ટસ પૂરાં થઈને લોકો સમક્ષ હમણાં આવવાના છે ત્યારે સમજાશે કે લોકોના પૈસા દેશના નિર્માણ માટે વપરાયા છે. ભાજપમાં પણ અમુક દોષો છે. પણ એ કોંગ્રેસની તોલે ન આવે. ભાજપને તે સુધારી લેતા આવડે છે.

પ્રિયન્કાએ સિધ્ધુને પ્યારો બનાવ્યો તેમાં કોંગ્રેસની વાટ લગાવી દીધી. આ લખનાર એને અમુક ટીવી મનોરંજનના કાર્યક્રમોમાં જોતો ત્યારે જ એ વાયુનો ભરેલો અદકપાંસળી લાગતો હતો. એના હાવભાવ આજે પણ એક સાત વરસના છોકરાને છાજે એવાં છે. ન સ્થળ જૂએ, ન સમય, ના ઘટનાની ગંભીરતા સમજે અને આજે 57 વરસની ઉંમરે એ માત્ર હાવભાવથી બેટિંગ કરવા લાગી જાય છે. તેમ કરીને આ વાયડો શું કહેવા માગે છે? વાત વાતમાં શરીરને અભિમાનનાં ઝટકા આપે તે માણસનું માનસિક સ્તર અને માનસિક વિકાસ કોઈ પણ સમજી શકે. સોનિયા, પ્રિયન્કા, રાહુલ સિવાય. કારણ કે સિધ્ધુને સમજવા માટે કમ સે કમ એટલું સ્તર સામેવાળામાં હોવું જોઈએ. સિધ્ધની લટકાઝટકાવાળી ભૂરી પ્રશંસા સાંભળી રાજમાતા એના પર આખી કોંગ્રેસ વારી ગયા. નાદાન કી દોસ્તી જી કા ઝંઝાલ પુરવાર થઈને રહ્યું.

શાણા કેપ્ટન અમરિન્દર સિંહ આ વાત જાણતા હતા અને તેથી જ મિસ્તર નવજોત અને મિસિસ નવજોતને પ્રધાનમંડળમાંથી રૂખસદ આપી હતી. સિધ્ધુની પાકિસ્તાન અને ઈમરાન પરસ્તી બુલંદી પર હતી અને છે. કેપ્ટન અમરિંદર પતિયાલાના મશહૂર સુખી રાજઘરાનાના સભ્ય (રાજકુમાર) છે છતાં ભારતના સૈન્યમાં જોડાઈને કેપ્ટન બન્યા હતા. એ સારા લેખક, રસોઈયા છે. સામાન્ય માણસની માફક જીવે છે. કોઈ ફાલતું ભાર લઈને ફરતા નથી. અગાઉ અને હમણાં સુધી પંજાબમાં ઉત્તમ શાસન પૂરો પાડવાનો અનુભવ છે. પંજાબમાં કોંગ્રેસને જીત અપાવવામાં હંમેશા એમની ભૂમિકા રહી છે. રાષ્ટ્રવાદી છે તેથી સિધ્ધુની પાકિસ્તાન પરસ્તીના વિરોધી છે. એ કહે છે કે સિધ્ધુ એક અસ્થિર (ગોળ તળિયાવાળો મીરજાપુરી લોટો) છે.

સરહદના રાજ્ય પંજાબ માટે આવો અસ્થિર પાકિસ્તાની પ્રેમ ન ચાલે. પણ રાજમાતા સોનિયા, રાજકુમારી પ્રિયન્કાને કેપ્ટનની કદર નથી, પણ રાષ્ટ્રદ્રોહી સિધ્ધુની છે. તે માટે કારણ છે. ગઈ ચૂંટણીમાં કેપ્ટને રાહુલને દૂર રાખીને પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ જીતી બતાવી હતી. ત્યારથી રોમન રાજઘરાનાને કેપ્ટન આંખમાં કણાની માફક ખૂંચતા થયા હતા. કેપ્ટન અને રાહુલને જાહેરમાં વાંકુ પડી ગયું હતું. રાજમાતાનો પુત્રપ્રેમ સતત ઝંખે છે કે રાજકુમારથી કોઈ આગળ નીકળી ન જાય. ભલે રાજકુમાર ઈટાલીના નીરો જેવો નાદાર હોય. ત્યારથી પંજાબમાં ડખા શરૂ કર્યાં. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખો એવા નીમવામાં આવતા જે મુખ્યમંત્રી કેપ્ટનને સતાવ્યા કરે. તેમાં પણ જ્યારથી સિધ્ધુ જડી ગયો ત્યારથી શાહી ખાનદાનને ખાતરી થઈ ગઈ કે ઢિંગલો આપણે દોરી બાંધીને નચાવીશું એટલો નાચશે. ઢિંગલો તો તેમનાથી વધારે જોશમાં હતો.

પરિણામ શું આવ્યું ? કોંગ્રેસે સઘળું ગુમાવ્યું છે. સઘળું એટલે જે કંઇ થોડું બાકી હતું તે. કેપ્ટન જેવા એક પુરવાર થયેલા નેતા ગુમાવ્યા. દલિત ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા, પણ સિધ્ધુને જ એ પસંદ ન હતા. મુખ્યમંત્રીએ કરેલી બે નિયુક્તીનું બહાનું કાઢી સિધ્ધુએ રાહ જોયા વગર બદલો લીધો. રાજકુટુંબ સાવ અક્કલ વગરનું છે તે વાત દેશના લોકોના માનસમાં વધુ મજબૂત બની. પંજાબી શિખ દલીતો હવે નારાજ થશે. અંબિકા સોનીએ પોતે મુખ્યમંત્રી બનવાની ના પાડી. પણ એમણે સબક આપી કે ‘ટરબન જેન્ટલમેન્ટ’ અર્થાત શિખ જણ મુખ્યમંત્રી હોવા જોઇએ. બીજા એક ભટ શિખને અને એક હિન્દુએ નાયબ મુખ્યમંત્રીઓ બનાવાયા. કોંગ્રેસે પોતે જ દલિત શિખનું કાર્ડ ખૂબ ઊઠાવ્યું હતં.

એ તો નિષ્ફળ ગયું અને બદલામાં ભટ અને હિન્દુઓની સહાનૂભૂતિ ગુમાવી. જી-22ના ગ્રુપને ફરીથી પોતાની વાત કહેવાનો, અને અસરકારક રીતે કહેવાનો મોકો મળ્યો. ભવિષ્યમાં સિધ્ધુ પોતે મુખ્યમંત્રી બની શકે તેવી શકયતા હતી. પણ ચારેયે મળીને પોતાના પગ પર કૂહાડા માર્યા. ભવિષ્યમાં કોંગ્રેસ જીતશે કે કેમ તે ત્યારના સંજોગો કહેશે. હાલમાં તો પંજાબમાં ડખો વધુ ચાલ્યો તો વર્તમાન સરકાર પણ જતી રહેશે. કેપ્ટને પ્રતિજ્ઞા લીધી છે કે ભવિષ્યની ચૂંટણીમાં એ િસધ્ધુને જીતવા દેશે નહીં. કોંગ્રેસના નેતા અને પંજાબના મામલામાં વિષ્ટીકાર હરીશ રાવત એવી ગોળ ગોળ વાતો કરે છે જે એમનું પોતાનું મન માનવા તૈયાર નથી. લોકો કયાંથી માનવાના?

કપિલ સિબલે માત્ર એટલું જ કહ્યું કે, ‘અમે ગ્રુપ-23 છીએ, જી હજૂર 23 નથી.’ બસ રાજમાતા, રાજકુમારથી આ સહન ન થયું. યુવા કોંગ્રેસના કાર્યકરોએ સિબ્બ્લની કાર તોડી નાખી અને રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યા. બેશરમ રાજકુમાર હજી કરે તો ફરશે કે નરેન્દ્ર મોદી આપખૂદ છે. પણ પંજાબની આ ઘટનાઓએ દેશભરમાં કોંગ્રેસની જે કંઇ બચી હતી તે આબરૂમના ધજાગરા ઊડાડયા છે. હજી તો ઇન્ટરવલ પડયો છે. ફિલ્મ રીતે પૂરી થાય છે. તે જોવાનું રસપ્રદ હશે. આ ફિલ્મમાં એક શ્વાનની પણ ભૂમિકા છે જે રિઝે ત્યારે પગની પીંડીઓ ચાટે છે, અને ખીજે ત્યારે કરડે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top