વ્યારા(Vyara): તાપી(Tapi) પશુપાલન વિભાગ દ્વારા સોનગઢ(Songadh) સહિતનાં કેટલાંક તાલુકાનાં ગામના પશુપાલકો પાસેથી લોકફાળો ઉઘરાવી અઝોલા બેડ(Azolla Bed)ની લાખોની યોજના(project) બળજબરી ઠોકી બેસાડી હતી. આશરે એક વર્ષ પહેલાં આ યોજનાનું કૌભાંડ છાપરે ચડીને પોકારતાં જે-તે સમયના જિલ્લા પશુપાલન અધિકારીએ તેની ગંભીરતા લઈ આ યોજના અટકાવી દીધી હતી. પણ જિલ્લા પશુ પાલન અધિકારી બદલાતાની સાથે જ આ અધિકારીએ કોઇ પણ પ્રકારની જાહેરાત કે તંત્રને વિશ્વાસમાં લીધા વિના કોન્ટ્રાક્ટરને સીધો લાભ કરાવી આપવાના પેંતરા રચી પશુ અધિકારીએ મનસ્વી રીતે લાભાર્થીઓ મૂકી રાતોરાત આ યોજના પૂરી કરવામાં વિવાદી ભુમિકા ભજવી હોય ત્યારે સમગ્ર યોજનાની ભ્રષ્ટાચાર નિવારણ મારફતે તપાસ થવી જરૂરી બની છે.
- અઝોલા શેડની દસગણી વધારે યુનિટ કોસ્ટ સરકારી તિજોરીમાંથી ચૂકવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
- અગાઉ ખેડૂતોએ લોકફાળાની જે રકમ ભરી હતી, તે રકમ પણ હજુ પરત કરાઈ નથી
- નવા લાભાર્થીઓની પસંદગીને લઈ સવાલો ઊઠ્યા, બંધબારણે ગામ બદલી નવા લાભાર્થીઓના ખેલ રમાયા
પશુપાલન માટે અઝોલાનું ઉત્પાદન પ્લાસ્ટિકના ઉપયોગથી ઈંટો દ્વારા ક્યારી બનાવી અથવા કૂંડ બનાવીને કરી શકાય છે. ભેજવાળી જમીન પર પણ તે ટકી શકે છે. આવા સંજોગોમાં ક્યારીની પણ સગવડ કરવી જરૂરી નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ યોગ્ય પોષક તત્ત્વોથી ભરપૂર અઝોલા માટે તેને જમીનની સપાટીથી ૫થી ૧૦ સે.મી.નું પાણીનું સ્તર જરૂરી હોય છે. તાપમાન ૨૫થી ૩૦ ડિગ્રી, અઝોલા માટે વપરાતી માટી અને પીએચનું મૂલ્ય ૫થી ૭ વચ્ચે હોવું જોઇએ. તેની પાછળ માત્ર ૧૨૦૦થી ૧૫૦૦નો જ મહત્તમ ખર્ચ થાય તેમ છે. આમાં માત્ર ખેડૂતોને તેની પૂરતી જાણકારી આપવાની જરૂર હોય છે. આવા સમય અઝોલા શેડની દસ ગણી કરતા વધુ કિંમત બતાવી સરકારી તિજોરીમાંથી તેનાં નાણાં ખેડૂતોના વિરોધ બાદ પણ એનજીઓને પશુ અધિકારીએ ચૂકવી દીધા છે.
સરકારને લાખોનો ચૂનો છોડવાની કૂટનીતિ
અગાઉ ખેડૂતોએ લોકફાળાની જે રકમ ભરી હતી, તે લોકફાળાની રકમ પણ હજુ પરત કરાઈ નથી. અને નવા ગામનાં નવા લાભાર્થીઓની યાદી મૂકી હાલ આ વિવાદી યોજનાને આશરે એક વર્ષ પછી બંધબારણે પૂરી બતાવી ટ્રાઇબલના આ ગ્રાંટનાં નાણાં ઉસેટાઈ ગયાં છે. જે-તે સમય સોનગઢના પશુપાલકોએ અઝોલા બેડ ન સ્વીકારતા તાપી પશુપાલન વિભાગની આ યોજના બંધ કરી દીધી હતી ત્યારે નવા પશુપાલન અધિકારીએ રાતોરાત આ યોજના કેવી રીતે અને કોના આદેશથી પૂરી કરી દીધી ? નવા લાભાર્થીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવી ? એક ગંભીર તપાસનો વિષય બન્યો છે. હાલ આ યોજનાને સફળ બતાવી એજન્સીને પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે ત્યારે તેની હાલનાં તબક્કે પણ તપાસ થાય તો સરકારને લાખોનો ચૂનો ચોપડવાની સાથે એનજીઓને ફાયદો કરાવવામાં અધિકારીઓની કુટનીતિ પણ ખુલ્લી પડી જાય તેમ છે.
અઝોલા ખાવાથી દૂધ ઉત્પાદન વધવાને બદલે ઘટી જવાની પશુપાલકોની બૂમરાણ હતી
બેડમાં તૈયાર થતું અઝોલા(લીલ) ખાવાથી ગાય-ભેંસનું દૂધ ઉત્પાદન વધી જતું હોવાનું કહી સોનગઢ સહિતના ખેડૂતોને એનજીઓએ લાભાર્થીઓને અઝોલા બેડ આપ્યા હતા. પશુપાલન વિભાગે યુનિટ દીઠ અઝોલા બેડની અંદાજિત કિં.રૂ.૧૯૦૭૮ નક્કી કરી સરકારને લાખોનો ચૂનો ચોપડ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ખેડૂતોને જે અઝોલા બેડ અપાયા તે લોકફાળામાં જ આવી જાય તેમ છે. અઝોલા ખાવાથી દૂધ ઉત્પાદન વધવાને બદલે ઘટી જવાની પશુપાલકોની બુમરાણ હતી. જેથી જે તે સમય એટલે કે આશરે એક વર્ષ પહેલા ખેડૂતોને ત્યાં એનજીઓએ મૂકેલા આ તમામ અઝોલા બેડને ગણતરીના દિવસોમાં જ કાઢી ફેંકી દીધા હતા.
તાપી જિલ્લા પશુ અધિકારી મીટિંગમાં વ્યસ્ત હોવાનું રટણ કર્યુ
તાપી જિલ્લા પશુ અધિકારી બ્રિજેશ શાહનો રૂબરૂ સંપર્ક કરતાં તેઓએ આ મામલે ચૂપકીદી સાધી હતી. ફોન પર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કંઈ બોલવા તૈયાર ન હતા. મીટિંગમાં છું, પછી ફોન કરું છું. બસ એક જ કેસેટ વગાડી રાખી હતી.