સુરત : કોઝવે(Cozway)ની આગળના ભાગમાં તાપી(Tapi) કિનારા ઉપર બેસીને બે બાળકો અને એક સગીરા સહિત ત્રણ ન્હાઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવી જતાં ત્રણેય કાદવમાં ફસાયા હતા અને પાણીમાં ગરકાઉ થઇ ગયા હતા. ફાયર વિભાગે શોધખોળ કરીને બેના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે આજે ફાયર વિભાગે ફરી શોધખોળ હાથ ધરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.
- કોઝવેમાં ન્હાવા પડ્યા અને દરિયાની ભરતી આવતા ત્રણ માસુમ ડૂબી ગયા
- રાંદેરની ઈકબાલ ઝુંપડપટ્ટીમાં રહેતો સાત વર્ષનો કરમઅલી, શહાદત અને 13 વર્ષની સાનિયા કોઝવેની આગળના ભાગમાં પાણીમાં ન્હાઈ રહ્યા હતા
- અચાનક દરિયાની ભરતીના પાણી આવી જતાં નજીકના ખાડામાં ફસાઈ ગયા
રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતા સાત વર્ષનો મહંમદ કરમઅલી ફકિર, સાત વર્ષનો શહાદત રહિમ શાહ અને ૧૩ વર્ષની સાનિયા ફારૂક શેખ અજમેર ટાવરની પાછળના ભાગે તાપી કિનારા ઉપર જઇને મસ્તી કરી રહ્યા હતા. તેઓ પાણીમાં જઇને ન્હાઇ રહ્યા હતા. દરમિયાન સાંજે ચાર વાગ્યે ભરતીનું પાણી આવતા ત્રણેય ધીમે ધીમે પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. કિનારાની થોડે જ નજીકમાં થોડો ખાડો હોવાથી આ ત્રણેય ખાડામાં ફસાઇ ગયા હતા. અને અચાનક જ ભરતીનું પાણી પણ વધી ગયું હતું.
બેની લાશ મળી, એક લાપતા
આ બાબતે ત્યાં હાજર લોકોનું ધ્યાન જતા તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. રાંદેર અને અડાજણના ફાયર વિભાગે તાત્કાલીક આવીને તાપી નદીમાં ઝંપલાવ્યું હતુ અને તેઓના મૃતદેહને શોધવાનો પ્રયાસ કર્યો હતો. ભરતીના પાણીમાં ગરકાઉ થયેલા મહમદ કરમઅલી અને શહાદત શાહના મૃતદેહ મળ્યા હતા, તેઓની બોડીને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી અપાયા હતા, જ્યાં મોડી રાત્ર સુધી ફાયર વિભાગે સાનિયાને શોધવાનો પ્રયાત્ન કર્યો હતો. આજે સવારે ફરી ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરતાં બાળકીનો મૃતદેહ મળ્યો હતો.
બાળકોના મોતના પગલે માતા આઘાતમાં
બાળકોના મોતના પગલે પિતા રહેમ અલી શાહ અને માતા સહિત પરિવારમાં આક્રદ ફેલાયો છે. માતા તો આઘાતમાં જ સારી પડી છે. બાળકોના મોત મામલે પિતાએ ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાએ કહ્યું કે તેઓનો પડોશી સાથે ઝઘડો થયો હતો. ત્યારે પાડોશીએ તેઓના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી અદાવત રાખીને તેમણે આવું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
રહેમ અલી શાહે જણાવ્યું કે, બે દિવસ અગાઉ મારાં બાળએ પડોશીની પાણીની પાઇપલાઇનમાં કોથળીઓ નાખી દેતાં પાઇપલાઇન ચોક અપ થઇ ગઈ હતી. જેને લઈને પાડોશીએ ધમકી આપી હતી. તમારાં બાળકો આ પ્રકારનું કૃત્ય કરતા રહે છે, જેને કારણે મુશ્કેલી થાય છે. અમે તારા એકપણ બાળકને જીવતા નહીં રહેવા દઈએ. ફોન પર પણ રહેમ અલી શાહને તેમણે ધમકી આપી હતી. હાલ તો આ બાબતે રાંદેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.