ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) પિથોરાગઢ (Pithoraghdh) જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નેપાળથી (Nepal) આવેલા એક વ્યક્તિએ તેના બે વર્ષના ભત્રીજા વંશની હત્યા (Murder) કરી નાખી હતી. આ ઘટના દરમિયાન માસૂમના દાદાએ પોતાના પૌત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મામાએ તેના પર પણ જીવલેણ હુમલો (Attack) કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મૃતક બાળકની માતાએ ખૂબ જ મુશ્કેલીથી પોતાને રૂમમાં બંધ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના ધારચુલાના ગરગુવા ગામની છે. મહિલા સવારે તેના બાળકને નવડાવી તડકામાં માલિશ કરી રહી હતી, ત્યારે અચાનક તેનો ભાઈ આવ્યો ચઢી હતો. મહિલાના હાથમાંથી બાળક ખેંચી તેની પર તીક્ષ્ણ હથરિયાર વડે હુમલો કર્યો હતો, અને તેના ભત્રીજાની ગરદન કાપી નાખી. આ જોઈ બાળકની માતા ગભરાઈ ગઈ હતી અને જોર જોરથી રડવા લાગી, જ્યારે તેનો આ અવાજ સાંભળી પરિવારના બાકી સભ્યો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ દરમિયાન ઘરમાં હાજર વૃદ્ધે પોતાના પૌત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મામાએ બાળકના દાદા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને તેના હાથની બે આંગળીઓ કાપી નાખી હતી. ઘટના સમયે માસૂમ બાળકના પિતા રમેશસિંહ કુંવર પશુઓ ચરાવવા જંગલમાં ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને આ ઘટનાને શા માટે તેણે અંજામ આપ્યો તેનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત દાદાને સ્થિતિ ગંભીર જણાતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ધારચુલા ખાતે પ્રાથમિક સારવાર બાદ ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે. આ અંગે સ્ટેશન ઈન્ચાર્જ કુંવર સિંહ રાવતનું કહેવું છે કે યુવકે તેના ભત્રીજાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ ઘટના બાદ પીડિત પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.