શહેરા: શહેરા તાલુકાના મીઠાલી ગામે ખેતરમાં ગલગોટા અને અન્ય છોડની વચ્ચે ખેડૂતને ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી.પોલીસ ને ખેડૂતના ખેતરમાંથી રૂપિયા ૧ લાખ ૬૧ હજાર ઉપરાંતના ૧૬.૧૨૦ કિલો ગ્રામ લીલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ખેડૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે..
શહેરા તાલુકાના મીઠાલી ગામના ડાંગરીયા ફળિયામાં રહેતા દલસુખ સાયબાભાઈ બારીઆ દ્વારા પોતાના મકાનની બાજુમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ હોવાની બાતમી શહેરા પોલીસને ખાનગી રાહે મળી હતી, તે બાતમીના આધારે શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એચ.સી.રાઠવા સહીતની પોલીસની ટીમે મીઠાલી ગામના ડાંગરીયા ફળીયામાં રહેતા દલસુખ બારીઆના ખેતરમાં છાપો મારતાં દલસુખ બારીઆએ પોતાના ખેતરમાં બનાવેલ વાડામાં ગલગોટા ટીડુંરા અને પપૈયાંના છોડ વચ્ચે ઉગાડેલ લીલા ગાંજાના ૧૦ જેટલા છોડ મળી આવ્યા હતા.
જે બાબતે શહેરા પોલીસ દ્વારા એફ.એસ.એલ. ની મદદ લેવામાં આવતા એફ.એસ.એલ. ટીમે ગાંજાના છોડ હોવાનું સ્થાપિત કર્યું હતું,જેથી પોલીસ દ્વારા લીલા ગાંજાના ૧૦ છોડને કબ્જે કરી તેનું વજન કરતા ૧૬ કિલો ૧૨૦ ગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી પોલીસે રૂ.૧, ૬૧,૨૦૦ ની કિંમતના લીલા ગાંજાના જથ્થા સાથે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત દલસુખભાઈ સાયબાભાઈ બારીઆને ઝડપી પાડી તેની સામે નાર્કોટિક્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.